આંટાની માહિતી અને ઉત્પાદન તકનીકો

20 Jul 2021 11:08:36

ઇંજીનિયરિંગ ઉદ્યોગમાં આંટા (થ્રેડ) બહુ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આ લેખમાં આંટાનો ભૌતિક આકાર, આંટા એટલે શું, તેમનો ઉપયોગ, આંટાના પ્રકાર વગેરે વિશે માહિતી આપી છે. તેમજ સી.એન.સી. ટર્નિંગ પર થ્રેડિંગ કરવા માટે વપરાતા પ્રોગ્રામ, તેના લાભો અને મર્યાદા વિશે વિગતવાર માહિતી આપતો લેખ.


4e5r6t7_1  H x
આ લેખમાં, આપણે આંટાનો ભૌતિક આકાર અને તેના ઉત્પાદન તકનીકો વિશે જાણીશું, જે મેકૅનિકલ એન્જિનિયરિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચાલો, પ્રથમ સંક્ષિપ્તમાં સમીક્ષા કરીએ કે આંટા એટલે શું હોય છે.

1.0 આંટા વિશે મૂળભૂત માહિતી
આંટા એ સિલિન્ડર અથવા માથું કાપેલા શંકુની સપાટી પર રચાયેલો સર્પાકાર (હેલિકલ) ખાંચો હોય છે. આ ખાંચાનો ક્રૉસ-સેક્શન ચોક્કસ આકારનો હોય છે. તેની સરખામણી એક ચોક્કસ કદના પગલા ધરાવતી ગોળ સીડીની સાથે કરી શકાય છે. સિલિન્ડરની સપાટી બાહ્ય છે કે આંતરિક, તેના આધારે બાહ્ય અથવા આંતરિક આંટાનું નિર્માણ થાય છે. આંટા જમણા હાથના અથવા ડાબા હાથના હોઇ શકે છે. જ્યારે આપણે આપણી ચાર આંગળીઓથી નળાકાર સપાટીને પકડીએ છીએ, ત્યારે અંગૂઠો આંટાની પ્રગતિની દિશા સૂચવે છે. ચિત્ર ક્ર. 1 માં જમણા અને ડાબા હાથના આંટા બતાવેલ છે.
 
 
dfgdhj_1  H x W
ચિત્ર ક્ર. 1
કોઈપણ આંટા સમાન આકારના, પણ ઉંધા પ્રકારના આંટામાં બરાબર બંધબેસે છે, એટલે, કોઈપણ બાહ્ય આંટા સમાન માપો, આકાર અને હાથ ધરાવતા આંતરિક આંટામાં બરાબર બંધબેસે છે. આવા બે આંટા મળીને આંટાની એક જોડી બને છે.
 
 
આંટાના ક્રૉસ સેક્શનનું કદ ઘણા ધોરણોમાં નિર્ધારિત કરવામાં આવે છે અને તે મુજબ ઘણા પ્રકારના આંટા બનાવવામાં આવે છે. દા.ત. : મેટ્રિક આંટા, UN આંટા, BSP આંટા, NPT આંટા, BSPT આંટા, નકલ આંટા, ટ્રૅપેઝૉયડલ આંટા, બટ્રેસ આંટા, ACME આંટા, ચોરસ (સ્ક્વેઅર) આંટા વગેરે. આંટાના વિવિધ ફૉર્મ ચિત્ર ક્ર. 2 માં બતાવેલ છે.
 
 
sdfghjk_1  H x
ચિત્ર ક્ર. 2 : આંટાના વિવિધ પ્રકાર

આંટાના ઉપયોગ
આંટાનો ઉપયોગ બે હેતુઓ માટે થાય છે (1) ક્લૅમ્પિંગ (2) પાવર ટ્રાન્સમિશન
 
 
1.1.1 ક્લૅમ્પિંગ માટેના આંટા
જ્યારે એક બીજામાં બેસતા આંટા પર કોઈ અક્ષીય ભાર આવે છે, ત્યારે એકબીજાના સંપર્કમાં આવતી આંટાની સપાટીયો વચ્ચે ઘર્ષણ નિર્માણ થાય છે અને તેમની વચ્ચેની સાપેક્ષ ગતિ (રિલેટિવ મોશન) અવરોધિત થાય છે. આ રીતે એ બે ભાગ ક્લૅમ્પ થાય છે. આંટાની સપાટી પર વધુ અક્ષીય ભાર બનાવવા માટે, સ્પ્રિંગ વૉશર્સનો ઉપયોગ અસરકારક રીતે થાય છે. આ કાર્ય માટે સામાન્ય રીતે મેટ્રિક, UN, BSP, BSPT, NPT વગેરે પ્રકારના આંટાનો ઉપયોગ કરવામાં આવે છે.
 
 
1.1.2 પાવર ટ્રાન્સમિશન કરવા માટે આંટા
આંટાનો ઉપયોગ કરીને શક્તિ અમુક અંતર સુધી પ્રસારિત થઈ શકે છે. અહીં આંટાનો ઉદ્દેશ્ય ક્લૅમ્પિંગના બરાબર વિરુદ્ધ છે, આપણને અહીં સાપેક્ષ ગતિની જરૂર છે. પાવર ટ્રાન્સમિશન માટે વપરાયેલા આંટાના ક્રૉસ સેક્શન સામાન્ય રીતે ચોરસ, ટ્રેપેઝૉયડલ, ACME, બટ્રેસ હોય છે.
આંટાની જોડીમાં એકંદરે સાપેક્ષ ગતિ સર્પાકાર હોય છે. આ ગોળ ફરતા ફરતા આગળ જતી ગતિ હોય છે, એટલે કે રોટરી + અક્ષીય. આમ, જો આપણે કોઈ સ્ક્રૂને (બાહ્ય આંટાનો ભાગ) ફેરવીયે, તો આપણને નટમાં (આંતરિક આંટાનો ભાગ) અક્ષીય વિસ્થાપન (ડિસ્પ્લેસમેન્ટ) મળે છે અથવા તેનાથી વિરુદ્ધ. એવી રીતે, બધા મશીન ટૂલ્સ અને મેકૅનિકલ પ્રેસમાં, મોટરમાંથી પ્રાપ્ત થતી શક્તિને પ્રસારિત કરવા માટે આંટાનો ઉપયોગ કરવામાં આવે છે અને તે જ સમયે શાફ્ટની રોટરી ગતિને રૂપાંતરિત કરવામાં આવે છે અને સ્લાઇડ, ડાય વગેરે ભાગોને રેખીય હિલચાલ આપવામાં આવે છે.
 
 
1.2 ઉપયોગમાં લેવાતા સ્ટાર્ટની સંખ્યા
આંટા કયા હેતુ માટે વપરાય છે તેના આધારે, આંટા સિંગલ સ્ટાર્ટ અથવા મલ્ટિસ્ટાર્ટ હોઈ શકે છે. મલ્ટિસ્ટાર્ટ આંટાનો ઉપયોગ સામાન્ય રીતે પાવર ટ્રાન્સમિશન માટે થાય છે. ચિત્ર ક્ર. 3 જુઓ.
 
 

nghfgdhdfghf_1   
ચિત્ર ક્ર. 3 : મલ્ટીસ્ટાર્ટ આંટા સમજાવતું ચિત્ર
 
આમાં A1-B1 સર્પાકાર ખાંચો દર્શાવે છે, જેને આપણે આંટો કહીએ છીએ. A1-C1 ન લપેટાયેલો (અનવાઉન્ડ) પરિઘ દર્શાવે છે અને C1-B1 એ સ્ક્રૂના એક ફેરામાં (રેવોલ્યુશન) આગળ વધેલ અક્ષીય અંતર છે. આંટામાં જેમ થાય છે તેમ, જો આપણે ત્રિકોણ A1-B1-C1 ને સિલિન્ડરને ગોળ ફરતો લપેટીએ, તો A1-C1 લંબાઈ એ સિલિન્ડરના પરિઘની સમાન હશે અને બિંદુ C1 બિંદુ A1 પર આવશે. જ્યારે આવા સ્ક્રૂ (અથવા નટ) એક પરિભ્રમણ ફેરવવામાં આવે છે, ત્યારે નટ (અથવા સ્ક્રૂ) C1-B1 જેટલું અંતર આગળ વધશે, જેને આંટાની ચાલ (લીડ ઑફ દ થ્રેડ ) કહેવામાં આવે છે. હવે જ્યાં આપણને વધુ લીડ જોઈતી હોય, ત્યાં એક પરિભ્રમણમાં આંટાનો ખાંચો વધુ અક્ષીય અંતર જવો જોઈએ. આવી સ્થિતિમાં આંટાના ખાંચાની પહોળાઈ લીડ અંતરની ‘નો મટિરિયલ રિમૂવલ લંબાઈ’ કરતા ઘણી ઓછી હોય છે. ચિત્ર ક્ર. 4 જુઓ.
 
 
આવી સ્થિતિમાં આપણે પહેલા ખાંચાને સ્પર્શ કર્યા વિના એક અથવા વધુ સમાંતર આંટાના ખાંચા ઉમેરી શકીએ છીએ. આને ચિત્ર ક્ર. 3 માં A2-B2-C2, A3-B3-C3, A4-B4-C4 તરીકે બતાવવામાં આવેલ છે. આ સમાંતર ખાંચા, સ્ક્રૂ અને નટ વચ્ચેના સંપર્કના ક્ષેત્રમાં વધારો કરે છે. અક્ષીય ભાર સમાન રાખીને સંપર્ક વિસ્તાર વધતો હોવાથી, આંટા પર સામાન્ય દબાણ ઓછું થાય છે અને આ રીતે પાવર ટ્રાન્સમિશનમાં ઘર્ષણનો પ્રતિકાર ઘટે છે. ઉપરાંત સંપર્કનું ઓછું દબાણ આંટાનો ઘસારો ઘટાડે છે. આ કારણોસર, મલ્ટિસ્ટાર્ટ આંટાનો ઉપયોગ સામાન્ય રીતે પાવર ટ્રાન્સમિશન માટે થાય છે. મેન્ટેનન્સ દરમિયાન, તેમને સારી રીતે ઉંજણ (લુબ્રિકેશન) આપવાની જરૂર હોય છે. ટર્નિંગ સેંટરમાં અક્ષીય હિલચાલ માટે ઉપયોગમાં લેવામાં આવતા બૉલ સ્ક્રૂને પણ ઉંજણ આપવું આવશ્યક હોય છે.
જો આપણે અક્ષના કાટખૂણે હોય તેવા ક્રૉસ સેક્શનનો વિચાર કરીયે, તો સિંગલ સ્ટાર્ટ અને મલ્ટિસ્ટાર્ટ આંટા ચિત્ર ક્ર. 3 માં બતાવ્યા છે, તેમ દેખાશે. મલ્ટિસ્ટાર્ટ આંટા, એક ક્રૉસ સેક્શનના પરિઘ પર સમાન અંતરે મૂકવામાં આવેલા સિંગલ સ્ટાર્ટ આંટાની (સર્પાકાર ખાંચો) નકલો જેવા દેખાશે.
 
 
1.3 આંટામાં વપરાયેલી વ્યાખ્યા (ચિત્ર ક્ર. 4)
 

gdtdfghtg_1  H  
ચિત્ર ક્ર. 4 : આંટાની વ્યાખ્યાનો ખુલાસો કરતું ચિત્ર
 
મેજર વ્યાસ : મેજર વ્યાસ એ આંટાના ક્રૉસ સેક્શનમાં દેખાતો સૌથી મોટો વ્યાસ હોય છે.
માયનર વ્યાસ : માયનર વ્યાસ એ આંટાના ક્રૉસ સેક્શનમાં દેખાતો સૌથી નાનો વ્યાસ છે.
જે વ્યાસ પર મટિરિયલની લંબાઈ, અને મટિરિયલ ન હોય તે ભાગની લંબાઈ સમાન હોય છે, તેને પિચ વ્યાસ કહેવામાં આવે છે. સતત બે શિખરો વચ્ચેના અંતરને આંટાનું પિચ કહેવાય છે. જો આપ ચિત્ર ક્ર. 4 ધ્યાનથી જોશો, તો જોઈ શકશો કે આંટાના ફૉર્મમાં કોઈપણ બે સમાન બિંદુઓ એકબીજાથી એક પિચ દૂર હોય છે.
આંટાના એક પરિભ્રમણમાં કાપવામાં આવતા અક્ષીય અંતરને આંટાની લીડ કહેવામાં આવે છે.
લીડ = પિચ X સ્ટાર્ટની સંખ્યા, આમ સિંગલ સ્ટાર્ટ આંટા માટે, પિચ અને લીડનું મૂલ્ય સમાન હોય છે. બે સ્ટાર્ટના આંટા માટે, બે પિચ જેટલી લીડ હોય છે, ત્રણ સ્ટાર્ટના આંટામાં ત્રણ પિચ જેટલી લીડ હોય છે.
 
 
1.4 ટેપર આંટા
જ્યારે આપણને સીલબંધ થ્રેડેડ સાંધો જોઈતો હશે, ત્યારે આંટાના વ્યાસ ટેપર કરવામાં આવે છે. (તેઓ માથું કાપેલા શંકુ જેવા લાગે છે.) BSPT અને NPT એ બે લોકપ્રિય ટેપર આંટા છે. આ બંને આંટાના વ્યાસ પર 16 માં 1 ટેપર હોય છે. એટલે કે, પ્રત્યેક 16 મિમી. અક્ષીય અંતર માટે, તમામ આંટાનો વ્યાસ (મેજર, પિચ, માયનર - આ બધા) 1 મિમી. જેટલા વધે છે અથવા 1 મિમી. જેટલા ઘટે છે.
BSPT આંટામાં વ્હિટવર્થ આંટાનો ફૉર્મ હોય છે (આમાં BSP આંટાની જેમ, આંટાનો કોણ 55° હોય છે), જ્યારે NPT આંટામાં UN આંટાનો ફૉર્મ (આંટાનો કોણ 60°) હોય છે. આંટા ટેપર કરેલા હોવાથી, જ્યારે આંતરિક અને બાહ્ય આંટાના આંતરિક વ્યાસ મૅચ થાય છે, ત્યારે આગળની કોઈ હિલચાલ શક્ય નથી હોતી, તેથી આંટા લૉક થાય છે. આમ, આંટાનો વ્યાસ યોગ્ય રાખવા માટે, સામાન્ય સંપર્ક લંબાઈ એ એક મહત્વપૂર્ણ પરિબળ છે અને સંપર્ક લંબાઈ માટે આંટાના પિચ વ્યાસ સમાન હોવા જરૂરી છે.
 
 
1.5 સ્ક્રોલ આંટા
જ્યારે આંટા સંપૂર્ણપણે રેડિયલ દિશામાં બનાવવામાં આવે છે અને તેમાં કોઈ અક્ષીય વિસ્થાપન હોતું નથી, ત્યારે તેમને સ્ક્રોલ આંટા કહેવામાં આવે છે. ભૌમિતિકરૂપે, તેઓ એક જ સમતલમાં (સ્પાયરલ) બહાર જાય છે, જ્યારે સર્પાકાર (હેલ્લિકલ) આંટા અક્ષની દિશામાં આગળ વધે છે.
આ આંટામાં તેમના પરિભ્રમણના અક્ષથી આંટાનું અંતર સતત બદલાતું રહે છે. એક પરિભ્રમણમાં કાપવામાં આવેલ રેડિયલ અંતર એ સ્ક્રોલ આંટાની લીડ હોય છે.
આવા આંટા સામાન્ય રીતે હાથથી સંચાલિત ચક્સમાં જોવા મળે છે. સ્ક્રોલ પ્લેટમાં (આ પ્રકારના આંટાવાળી પ્લેટ) બધા જૉ ફંસાયેલા હોય છે અને પ્લેટ સાથે જોડાયેલ ચક કી અને બેવલ ગિયરની જોડી દ્વારા સ્ક્રોલ પ્લેટ ફેરવ્યા પછી ત્રિજ્યાની દિશામાં જૉને ચોક્કસ રીતે સમાન ચાલ મળે છે. સ્ક્રોલ આંટા વિશે જાણવા માટે ચિત્ર. ક્ર. 5 જુઓ.
 
 
etrgyhui_1  H x
ચિત્ર ક્ર. 5 સ્ક્રોલ આંટા
 
 
2.0 આંટા બનાવવાની પ્રક્રિયા
હવે આપણે સી.એન.સી. લેથ પર આંટા (થ્રેડિંગ) બનાવવા માટે વિકસિત મૂળભૂત પ્રક્રિયાઓ અને વ્યવહારિક પગલા જોશું. આંટા એ સિલિન્ડર અથવા માથું કાપેલા શંકુની સપાટી પર રચાયેલ સર્પાકાર (હેલિકલ) ખાંચો હોય છે. આ સપાટી આંતરિક અથવા બાહ્ય હોઈ શકે છે. તેથી, યોગ્ય કદના આંટાને કાપવા માટે, આપણે સૌ પ્રથમ નળાકાર / શંકુ આકારની સપાટીને ફિનિશ કરવાની જરૂર છે. આ સામાન્ય ટર્નિંગ/બોઅરિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને સામાન્ય રીતે કરવામાં આવે છે.
બાહ્ય આંટા પાડવા હોય, ત્યારે નળાકાર સપાટી બાહ્ય હોય છે, તેથી આપણે તેને ટર્નિંગ ટૂલથી કાપીને બનાવવા પડે છે. આંતરિક આંટા પાડવા હોય, ત્યારે ત્યાં એક બોઅર, એટલે કે અંદરના ભાગમાં નળાકાર સપાટી હોય છે. તેને બોઅરિંગ બારનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ યંત્રણ OD/ID ટર્નિંગની માનક પ્રક્રિયાની મદદથી કરવામાં આવે છે.

2.1 થ્રેડિંગ સાયકલના કાર્યની મૂળભૂત માહિતી
લાક્ષણિક થ્રેડિંગ સાયકલ એક તબક્કાવાર આગળ વધતી (પ્રોગ્રેસિવ) પ્રક્રિયા છે. આમાં, આંટાની સંપૂર્ણ પ્રોફાઇલ એક પાસમાં કાપવામાં આવતી નથી, પરંતુ ધીમે ધીમે આંટાની ઉંડાઈમાં વધારો કરવામાં આવે છે. આના માટે ખાસ થ્રેડિંગ સાયકલ હોય છે. સ્વાભાવિક રીતે, એક પછી એક થતાં થ્રેડિંગ પાસ વચ્ચે કેટલીક કડીઓ હોય છે.
 
 
થ્રેડિંગ સાયકલનો સામાન્ય ક્રમ
1. ટૂલ પોઝિશનિંગ સ્ટ્રોક : યોગ્ય પ્રારંભિક બિંદુ પર (X અક્ષ પર) ટૂલ લઈ આવો. (આ રૅપિડ* મૂવમેન્ટ છે)
2. થ્રેડિંગ સ્ટ્રોક : આંટાનો અમુક ભાગ કાપવા માટે ટૂલને આંટાની સાથે ચલાવવું. સમાંતર આંટા માટે, Z અક્ષ પર, ટેપર આંટા માટે મોટાભાગે Z અક્ષ પર અને સહેજ X અક્ષ પર.
3. રીટ્રૅક્શન સ્ટ્રોક : આંટામાથી બહાર નીકળવા માટે ટૂલને ટેપરમાં X સ્થાન પર પાછું લાવવું.
4. રૅપિડ રિટર્ન સ્ટ્રોક : Z અક્ષ પરના પ્રારંભિક બિંદુ પર ટૂલને પાછું લાવવું. (આ રૅપિડ મૂવમેન્ટ છે)
5. પુનરાવર્તન : આંટાની ઇચ્છિત ઉંડાઈ મળે ત્યાં સુધી 1 થી 4 સુધી સ્ટ્રોક્સનું ક્રમમાં પુનરાવર્તન કરો. (*રૅપિડ મૂવમેન્ટ એટલે કોઈપણ યંત્રણ કર્યા વિના ટૂલને ઇચ્છિત જગ્યા પર લાવવું): સ્ક્રોલ આંટા માટે, ઉપરોક્ત ક્રિયાઓ X અને Z ની અદલાબદલી કરીને કરવામાં આવે છે.
 
 
2.2 અનુગામી પાસનું સિંક્રોનાયઝેશન
થ્રેડમાં કુલ સાપેક્ષ ગતિ સર્પાકાર, એટલે કે પરિભ્રમણ +. અક્ષીય ગતિ છે. સી.એન.સી, ટર્નિંગ સેન્ટરમાં, આ ગતિ કાર્યવસ્તુને ગોળ અને ટૂલને અક્ષીય ગતિમાં ફેરવીને પ્રાપ્ત થાય છે. તેથી, યોગ્ય રીતે આંટા પાડવા માટે, સ્પિન્ડલ પરિભ્રમણ અને ટૂલની ચાલ સિંક્રોનાઇઝ કરવી જરૂરી છે - સમાંતર આંટા માટે, ટૂલની ચાલ ફક્ત Z અક્ષ પર, ટેપર આંટા માટે મુખ્યત્વે Z અને X અક્ષ પર સહેજ અને સ્ક્રોલ આંટા માટે સંપૂર્ણતઃ X અક્ષ પર હોય છે.
થ્રેડિંગ એ ધીમે ધીમે આગળ વધતું સાયકલ છે, એ ધ્યાનમાં લેતા દરેક પાસમાં આંટાની ઉંડાઈ થોડી થોડી વધે છે. તેથી દરેક થ્રેડિંગ પાસ સમાન સર્પાકાર માર્ગને અનુસરે એ જરૂરી છે. આનો અર્થ એ છે કે આંટા કાપવાના સાયકલમાં, દરેક થ્રેડિંગ સ્ટ્રોકની શરૂઆતમાં (ટૂલ પોઝિશનિંગ સ્ટ્રોકના અંતમાં), ટૂલના X કોઑર્ડિનેટ (જે દરેક પાસ માટે ક્રમિક રીતે બદલાય છે) અને સ્પિન્ડલના કોણીય કોઑર્ડિનેટ મેળ ખાતા હોવા જોઈએ. એટલે કે, દરેક નવા પાસમાં ટૂલની X પોઝિશનિંગના અંતે, કાર્યવસ્તુની કોણીય સ્થિતિ સમાન હોવી આવશ્યક છે. (G32 અને G92 સાયકલ માટે. G76 સાયકલ માટે, X અને Z. બંનેની કોણીય લીડમાં યોગ્ય ફેરફાર કરીને એ જ સર્પાકાર માર્ગ જાળવવામાં આવે છે.) આ કરવા માટે સી.એન.સી. સિસ્ટમ, સ્પિન્ડલ એન્કોડર પાસેથી માસ્ટર પલ્સ ફીડબૅક લે છે અને માસ્ટર પલ્સના સંદર્ભમાં ટૂલનું X પોઝિશનિંગ પૂર્ણ કરે છે. ચિત્ર ક્ર. 6 જુઓ.
 

hghjjujyjjj_1   
ચિત્ર ક્ર. 6 : અનુગામી પાસનું સિક્રોનાયઝેશન સમજાવતું ચિત્ર
 
 
2.2 ઇન્સર્ટ અને ટૂલની પસંદગી
થ્રેડિંગ માટે ઇન્ડેક્સેબલ ઇન્સર્ટ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ થાય છે. આ માટે માનક આઇ.એસ.ઓ. ટૂલ્સ ઉપલબ્ધ છે.
 
 
2.2.1 ટૂલ
બાહ્ય આંટા માટે, સ્ક્વેઅર હૅન્ડલ (સ્ક્વેઅર શૅન્ક) વાળા ટૂલનો ઉપયોગ કરાય છે, જે આંટાના કદને ધ્યાનમાં લીધા વિના ટૂલ ટરેટમાં ઍડજસ્ટ કરી શકાય છે. આંતરિક આંટા માટે, આંટાનો આકાર, ચિપ માટે પૂરતી જગ્યા, યોગ્ય ઓવરહઁગ વગેરે ધ્યાનમાં રાખીને ટૂલનો વ્યાસ પસંદ કરવો પડે છે. આંટાની ઉંડાઈ કરતા આશરે 5 મિમી. વધુ. આંતરિક આંટા માટે, શીતક કટિંગ પૉઇન્ટ સુધી પહોંચે એનું વધુ ધ્યાન આપવાની જરૂર હોય છે.
 
 
2.2.2 ઇન્સર્ટ
જે પ્રકારના આંટા બનાવવા હોય, તેના ફૉર્મ અનુસાર ઇન્સર્ટ પસંદ કરવા આવશ્યક છે. ઇન્સર્ટ નીચે પ્રમાણે નિર્દેશિત છે.
<ab> <c>H<ef> <g>
જ્યાં : <ab> એ ઇન્સર્ટનું કદ છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઇન્સર્ટનો કદ 16 છે.
<c> આંટા આંતરિક છે કે બાહ્ય, તે સૂચવે છે, એટલે, આંતરિક આંટા માટે c = I અને બાહ્ય આંટા માટે c = E.
<H> થ્રેડિંગનો હઁડ પસંદ કરતી વખતે જમણા હાથના આંટા માટે, H = R
અને ડાબા હાથના આંટા માટે, H = L.
<ef> મેટ્રિક આંટા માટે આંટાનું પિચ બતાવે છે. દા.ત. મેટ્રિક માટે તે 0.5, 0.7, 1, 1.25 છે અથવા UN વ્હિટવર્થ આંટા માટે તે TPI (આંટા/ઇંચ એટલે 25.4/પિચ) હોય છે.
<gh> આંટાનો પ્રકાર. એટલે, મેટ્રિક આંટા માટે <gh> = M, UN આંટા માટે <gh> = UN, વ્હિટવર્થ આંટા માટે <gh> = W વગેરે.
ધ્યાન રાખો કે મોટા પિચનો ઇન્સર્ટ વાપરીને, આપણે હંમેશા નાના કદના આંટા કાપી શકીયે છે. તેને આંશિક (પાર્શલ) ફૉર્મ કહેવામાં આવે છે. જ્યારે આપણે જે આકારના આંટા કાપવા માગીએ છીએ, તે જ આકારના ઇન્સર્ટનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તેને સંપૂર્ણ ફૉર્મ ઇન્સર્ટ કહેવામાં આવે છે. તેથી, જો આપ 1.5 મિમી. પિચના ઇન્સર્ટની મદદથી M8X1.25P આંટા કાપતા હશો, તો આપણે તેને આંશિક ફૉર્મ ઇન્સર્ટ તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ. પરંતુ M10X1.5P આંટા કાપવા માટે, તે જ ઇન્સર્ટને સંપૂર્ણ કહેવામાં આવશે.
જ્યારે આપણે આંશિક ફૉર્મ ઇન્સર્ટનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આંટામાં વધુ બર ઉત્પન્ન થાય છે. આ એટલા માટે છે કે આંટાના ઇન્સર્ટના રૂટની ત્રિજ્યા કાર્યવસ્તુને સ્પર્શતી નથી અને તેથી આ ત્રિજ્યા વડે કાર્યવસ્તુ પર ગોળાકાર (રાઉંડિંગ) અને ડીબરિંગનું કામ થતું નથી. જ્યારે આંશિક ફૉર્મ ઇન્સર્ટનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ઇન્સર્ટ અને ટૂલ વચ્ચેની સંપર્ક લંબાઈ ઓછી થાય છે. તેથી અત્યંત પાતળા આંટા માટે, ચૅટરિંગનું પ્રમાણ થોડું ઓછું થાય છે.
 

ffgbnhghy_1  H  
ચિત્ર ક્ર. 7 : સંપૂર્ણ અને આંશિક ફૉર્મ ઇન્સર્ટનું સ્પષ્ટીકરણ કરતું ચિત્ર
 
 
2.2.3 ઍન્વિલ
ઉપયોગમાં લેવાતા સ્ટાર્ટની સંખ્યા વિભાગમાં (1.2) કરેલ ચર્ચા અને ચિત્ર ફરી જુઓ.
અહીં, A1-C1 એ આંટાનો પિચ વ્યાસ ઉપરનો પરિઘ છે અને B1-C1 એ આંટાની લીડ છે (સિંગલ સ્ટાર્ટ આંટા માટે પિચના મૂલ્યની જેટલી જ). આંટાનો હેલિક્સ કોણ નીચેના સૂત્ર દ્વારા શોધી શકાય છે. હેલિક્સ કોણ = tan-1 (લીડ/પિચનો પરિઘ) = tan-1 (B1-C1/ A1-C1)
ઍન્વિલને હેલિક્સ કોણના મૂલ્યો અનુસાર પસંદ કરવું પડે છે. ટૂલનો ઍન્વિલ જ્યાં અડે છે તે ભાગ મશીનની XZ સપાટી સાથે જોડાયેલ છે. આંટા સર્પાકાર હોવાથી, તેનો નૉર્મલ ક્રૉસ-સેક્શન XZ સમતલમાં હોતો નથી, પરંતુ હેલિક્સ કોણના મૂલ્ય જેટલો તેનાથી નમેલો હોય છે. યોગ્ય થ્રેડિંગ સુનિશ્ચિત કરવા માટે, આંટાના કટિંગ પોઇન્ટનો નીચેનો ભાગ (જે ઍન્વિલને અડેલો હોય છે) આંટાના ખાંચામાં યોગ્ય રીતે બંધબેસતો હોવો જોઈએ. (આ ઇન્સર્ટના કટિંગ ધારના રિલીફ કોણ પર આધારિત છે.) જો આ ન થાય, તો તે આંટાની ફ્લઁકને અડી જશે અને તે વિસ્તારમાં પણ યંત્રણ થવાથી આંટાનો ફૉર્મ બગડશે. ખૂણો તો ચોક્કસપણે તૂટી જશે. કૃપા કરીને ઉપયોગમાં લેવાતા ઇન્સર્ટ માટે ઇન્સર્ટ ઉત્પાદકના કૅટલૉગનો સંદર્ભ લો.
 

fdsgfffvb_1  H  
ચિત્ર ક્ર. 8 : ઍન્વિલનો ઉપયોગ કરવાથી થ્રેડિંગ પર થતી અસર દર્શાવતું ચિત્ર
 
 
2.3 થ્રેડિંગમાં શામેલ મૂળભૂત મૂવમેન્ટ
થ્રેડિંગમાં શામેલ મૂળભૂત મૂવમેન્ટ આ ત્રણે સાયકલ માટે લગભગ સમાન છે (જેની ચર્ચા 2.4 માં કરવામાં આવી છે) અને તેમનું સ્પષ્ટીકરણ ચિત્ર ક્ર. 4 ના આધારે આપી શકાય છે. આ સાયકલના પ્રોગ્રામિંગના ફોરમૅટની સમીક્ષા કર્યા પછી આપણે આ ત્રણે સાયકલની તુલના કરીશું.
 
 
ચિત્ર ક્ર. 9 માં બાહ્ય ટેપર આંટા કેવી રીતે બનાવવા, તે સમજાવેલ છે. આ જ સમજૂતી આંતરિક આંટામાં પણ લાગુ પડે છે.
 
ચિત્ર ક્ર. 9 માં બાહ્ય શંકુ આકારના આંટા માટે બાહ્ય આંટા પ્રોફાઇલ બતાવી છે. તેની સાથે મેજર અને માયનર વ્યાસની રેખાઓ પણ બતાવવામાં આવી છે. તે થ્રેડિંગ સ્ટ્રોકના આગળના અને પાછળના ભાગોમાં જરૂરી વધારાની હિલચાલ (ઓવર ટ્રૅવલ) પણ બતાવેલ છે.
 

bbjkjjer_1  H x 
ચિત્ર ક્ર. 9 : થ્રેડિંગમાં શામેલ મૂળભૂત મૂવમેન્ટ દર્શાવતું ચિત્ર
 
 
એક સામાન્ય થ્રેડિંગ સાયકલમાં, X દિશામાં સમાન શરૂઆત અને અંતિમ બિંદુ (Z ફક્ત) ધરાવતા એક પછી એક એમ કાપા લેવા, પછી ટૂલને રેડિયલ દિશામાં રૅપિડમાં સુરક્ષિત સ્થાન પર પાછું ખેંચવું અને પ્રારંભિક Z સ્થિતિમાં રૅપિડમાં પાછું લાવવું, એટલા સ્ટેપ્સ હોય છે. (કૃપા કરીને નોંધો કે G76 એ એક અપવાદ છે, જેની ચર્ચા આપણે પછી કરીશું.) વપરાયેલા સાયકલને આધારે, પ્રોગ્રામમાં અનુરૂપ કમાંડ લખ્યા વિના, આમાંથી કેટલાક સ્ટ્રોક સ્વચાલિત થઈ શકે છે. મૂળભૂત આવશ્યકતા એ છે કે સમગ્ર સાયકલ દરમિયાન આર.પી.એમ. સ્થિર રહેવા જોઈયે. સ્ક્રોલ આંટા માટે, પ્રોગ્રેસિવ કટ Z માં હોય છે અને X દિશામાં પ્રારંભિક અને અંતિમ બિંદુઓનું મૂલ્ય સ્થિર હોય છે. કૃપા કરીને નોંધો કે થ્રેડિંગ કરતી વખતે આપણે CSS સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી.
 
 
2.4 પ્રોગ્રામિંગ માટે ઇનપુટ
થ્રેડિંગ માટે સી.એન.સી, પ્રોગ્રામ બનાવતા પહેલા નીચેની વિગતો હાથમાં હોવી જોઈએ (ત્રણેય સાયકલમાં સમાન)
1. આંટાની લંબાઈ (કાર્યવસ્તુના મશીન ડ્રૉઇંગમાંથી લીધેલી)
2. લીડ (કાર્યવસ્તુના મશીન ડ્રૉઇંગમાંથી લીધેલી)
3. આંટાની ઉંડાઈ (મશીન ડ્રૉઇંગમાં આપેલા આંટાના ધોરણ અનુસાર, દા.ત. M, UN, વ્હિટવર્થ (W) વગેરે)
4. કટિંગ સ્પીડ (Vc) (ટૂલ ઉત્પાદકની ભલામણ અને પોતાના અનુભવ અનુસાર નિર્ણય કરો). જો આપને લાગે કે Vc કેટલીક સંભવિત રેન્જમાં છે, દા.ત. 80 ~ 120 મી/મિનિટ (આર.પી.એમ. નહીં), તો હંમેશા રેન્જના નીચલા છેડેથી પ્રારંભ કરો અને કેટલાક યંત્રભાગો બરાબર બની ગયા પછી અનુકૂળતા જોઈને આર.પી.એમ. વધારશો. કૃપા કરીને નોંધો કે આપ થ્રેડિંગ સાયકલમાં આર.પી.એમ. બદલી શકતા નથી. થ્રેડિંગ સાયકલમાં સ્પિન્ડલ ઓવરરાઇડ ચાલતું નથી. થ્રેડિંગ કરતી વખતે, વચ્ચે જો પસંદ કરેલું આર.પી.એમ. વધુ લાગે, તો આપ તેને સ્પિન્ડલ આર.પી.એમ. ઓવરરાઇડ સ્વિચથી બદલી શકતા નથી, અથવા આપ સાયકલને રોકી, RPM બદલીને સાયકલ ફરીથી પ્રારંભ કરી શકતા નથી. માનવ હસ્તક્ષેપ દ્વારા સાયકલને રોકી, આર.પી.એમ. બદલીને ફરીથી સાયકલ પ્રારંભ કરી શકાય છે, જો કે, નવા આર.પી.એમ. નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા આંટાની પ્રોફાઇલ અગાઉની પ્રોફાઇલ સાથે મેળ ખાતી નથી અને પ્રક્રિયા કરેલા કાર્યવસ્તુને સ્ક્રૅપ કરવી પડે છે.
5. 5 સૂત્રનો ઉપયોગ કરીને આર.પી.એમ. ની ગણતરી કરો : RPM = Vc/(π * વ્યાસ)
શરૂઆતમાં તેમજ અંતમાં Z દિશામાં વધારાના સ્ટ્રોકની યોજના બનાવો. જો કાર્યવસ્તુની ભૂમિતિમાં આ શક્ય હોય, તો તેનું મૂલ્ય સામાન્ય રીતે લીડના મૂલ્ય જેટલું લેવું જોઈએ. આ જરૂરી છે, કારણ કે થ્રેડિંગ સાયકલની શરૂઆતમાં અને અંતમાં સર્વો લૅગ હોય છે અને તેથી થ્રેડિંગ સ્ટ્રોકની શરૂઆતમાં અને અંતમાં કેટલાક ખોટા આંટા રચાય છે. અમે સુનિશ્ચિત કરીએ છીએ કે થ્રેડિંગ સ્ટ્રોકનો આ ખોટો ભાગ હવામાં રહેશે અને આપણને કાર્યવસ્તુ પર સંપૂર્ણ આંટા મળશે.
 
 
દરેક પાસમાં કેટલી ઉંડાઈમાં કટ લઈ શકાય છે તે ધ્યાનમાં લો અને આ રીતે પાસની સંખ્યાને ગોઠવો. કૃપા કરીને નોંધો કે જેમ જેમ આપણે થ્રેડિંગ સાયકલમાં આગળ વધીએ છીએ, તેમ તેમ કાર્યવસ્તુના સંપર્કમાં આવતી ઇન્સર્ટની લંબાઈ વધે છે, અને તેથી ટૂલ પર રેડિયલ ભાર વધે છે. કાપાની ઉંડાઈ ધીમે ધીમે ઘટાડીને આ ભારને સંતુલિત કરાય છે. આ બધા પરિબળોને ધ્યાનમાં લઈને, પ્રોગ્રામરે દરેક પાસની અંદર કાપાની ઉંડાઈ અને કુલ જરૂરી પાસની સંખ્યા નક્કી કરવી પડશે. સામાન્ય રીતે, સાયકલના અંતે 1 અથવા 2 વધારાના પાસ આપવાથી, ગેજ દ્વારા કરવામાં આવતા પરીક્ષણમાં પાસ થવાની દ્રષ્ટિએ સારા પરિણામ મળે છે. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખી, નાના તબક્કામાં કાપાની ઉંડાઈ અને પાસની સંખ્યા ગોઠવો.
બધા પાસ માટે થ્રેડિંગ સાયકલના પ્રારંભિક અને અંતિમ બિંદુઓના X કોઑર્ડિનેટની ગણતરી કરો. જો આંટા ટેપર હોય, તો ગણતરી માટે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો પડશે. ટેપર આંટા માટે મશીન ડ્રૉઇંગમાં બતાવેલ આંટાની લંબાઈ અને આંટાના સ્ટ્રોકની લંબાઈ સમાન હોતી નથી, એ એનું કારણ છે. (S1x, S2x, .... અને E1x, E2x, ....) થ્રેડિંગમાં શામેલ મૂળભૂત હલનચલન જોવા માટે ચિત્ર ક્ર. 9 જુઓ.
રીટ્રૅક્શન કોઑર્ડિનેટ (Ps અને Pe બિંદુઓ માટે X કોઑર્ડિનેટ) નક્કી કરો. એને બાહ્ય આંટા બનાવતી વખતે સૌથી મોટા (મેજર) આંટાના વ્યાસ કરતા 1 મિમી. વધુ અને આંતરિક આંટા બનાવતી વખતે સૌથી નાના (માયનર) વ્યાસ કરતા 1 મિમી. ઓછો લો.
કઈ સાયકલનો ઉપયોગ કરવો તે નક્કી કરો. (G92 : હંમેશાં પ્રથમ પસંદગી). આ સાયકલની વિશેષતાનો અભ્યાસ કર્યા પછી આપણે આની વધુ વિગતવાર ચર્ચા કરીશું.
ટૂલ માર્ગ સંક્ષિપ્તમાં આમ બતાવી શકાય છે.
[1] (PSx, PSz) --> ( S1x તરફ ટૂલ પોઝિશનિંગ સ્ટ્રોક) ->
[2] નક્કી કરેલ ફીડ રેટથી બિંદુ (E1x, E1z) તરફ થ્રેડિંગ સ્ટ્રોક ->
[3] PEx તરફ રૅપિડમાં ટૂલ રીટ્ર્રૅક્શન - કૃપા કરીને નોંધો કે તે સંપૂર્ણપણે રેડિયલ મૂવમેન્ટ નથી ->
[4] રૅપિડમાં Z અક્ષ પર ટૂલ રિપોઝિશનિંગ PSx
આમ સાયકલનો એક પાસ પૂર્ણ થાય છે. પ્રોગ્રામ કરેલા મૂલ્યો અનુસાર, આ સાયકલના પાસને જરૂરી સંખ્યામાં પુનરાવર્તિત કરવામાં આવશે, દરેક સાયકલમાં X-કોઑર્ડિનેટ કાપાની ઉંડાઈની દિશામાં આગળ વધશે.
 
 
2.5 થ્રેડિંગ સાયકલ
આગળની ચર્ચામાં ઉપયોગમાં લેવાતા G કોડ, ફાનુક નિયંત્રકના (કન્ટ્રોલ) વિશિષ્ટ વર્જન માટે યોગ્ય છે. વાચકે પોતાના મશીનની G કોડ સૂચિનો સંદર્ભ લેવો પડશે અને પોતાની મશીનમાં વપરાયેલ નિયંત્રક માટે અહીં ઉલ્લેખિત G કોડને બદલે યોગ્ય G કોડનો ઉપયોગ કરવો પડશે.
ટર્નિંગ સેન્ટર પર થ્રેડિંગ માટે સામાન્ય રીતે 3 સાયકલનો ઉપયોગ થાય છે.
[1] G 32
[2] G 92
[3] G 76
ચાલો હવે આપણે આ સાયકલને એક પછી એક ધ્યાનમાં લઈએ.
 
 
2.5.1 થ્રેડિંગ સાયકલ G32
G32 સાયકલનું સામાન્ય સ્વરૂપ નીચે મુજબ છે.
G32 X<a> Z<b> Q<c> F<f>
G0 X<d>
Z<e>
જ્યાં,
<a> - વર્તમાન પાસ માટે થ્રેડિંગ સ્ટ્રોકના અંતનો X કોઑર્ડિનેટ
<b> - વર્તમાન પાસ માટે થ્રેડિંગ સ્ટ્રોકના અંતનો Z કોઑર્ડિનેટ (સ્થિર)
<c> - થ્રેડિંગ પ્રારંભની કોણીય સ્થિતિ, એ 0.001 ડિગ્રીના ગુણાકારમાં વ્યક્ત કરાય છે, ફક્ત પૂર્ણાંક મૂલ્યો (દશાંશ બિંદુઓ વિના), ફક્ત મલ્ટિસ્ટાર્ટ થ્રેડિંગ માટે વાપરી શકાય છે, જો સિંગલ સ્ટાર્ટ આંટા હોય, તો આપણે Q છોડી શકીએ.
<f> - મિમી. / પરિભ્રમણમાં લીડ મૂલ્ય
<d> - Pe બિંદુનો X કોઑર્ડિનેટ
<e> - Ps બિંદુનો Z કોઑર્ડિનેટ
જો આપણે 10 પાસ આપવાનું નક્કી કર્યુ હોય, તો આપણે ઉપરોક્ત આદેશ ક્રમ (કમાંડ સિક્વેન્સ) 10 વખત લખવો પડશે, દરેક વખતે જે પાસ વિચારણા હેઠળ હશે, તેના માટે થ્રેડિંગ સ્ટ્રોકના છેલ્લા બિંદુના X મૂલ્ય અનુસાર <a> બદલાશે.
 
 
2.5.2 G92
G92 સાયકલનું ફોરમૅટ નીચે મુજબ છે
G92 X<a1> Z<b> R<c> F<f>
X<a2>
X<a3>
..........
..........
X<an>
જ્યાં,
<a1>, <a2>, ...., <an> એ X ની એક પછી એક જગ્યાઓ છે કે જેના પર આ કાપા લેવાના છે. અગાઉની ચર્ચા મુજબ, કાપાની ઉંડાઈમાં આ વધારો ગોઠવવાનો છે.
<b> થ્રેડિંગ સ્ટ્રોકના અંતનો Z કોઑર્ડિનેટ.
<r> આંટાના ટેપરનું મૂલ્ય, એટલે થ્રેડિંગ કાપાની શરૂઆત અને અંત જ્યાં થાય છે, ત્યાંના X કોઑર્ડિનેટ વચ્ચેનો તફાવત.
ગેજ કસોટી પાસ કરવા માટે ઘણી વાર આ છેલ્લી કમાંડ, X <an> ને પુનરાવર્તિત કરો
 
 
2.5.3 G76
કમાંડ ફૉરમૅટ આગળ આપ્યા મુજબ છે.
G76 P<ab><cd><ef> Q<g> R<h>
G76 X<u> Z<w> R<i> P<j> Q<k> F<l>
મહેરબાની કરીને નોંધ કરો કે પ્રથમ કમાંડ વાક્યમાં P શબ્દ પછી 3 ઇનપુટ્સ છે. <ab>, <cd> અને <ef>. તેઓ 3 જુદા જુદા ભૌતિક ઘટકોનું પ્રતિનિધિત્વ કરે છે, જો કે, આપણે તેમને ઉપરોક્ત ક્રમમાં એક છ અંકની સંખ્યા તરીકે ટાઇપ કરવું પડશે, સી.એન.સી. સિસ્ટમ તેનું યોગ્ય અર્થઘટન કરશે. હવે આપણે આ કમાંડમાં જુદા જુદા શબ્દોથી સંબંધિત વિવિધ ઇનપુટ્સ જોઈ લઈયે.
1. <ab> : આ ફિનિશિંગ અંદરના પાસની સંખ્યા છે. આમ, છેલ્લા ફિનિશિંગ માર્ગ પર <ab> જેટલી સંખ્યામાં પાસેસ (01 થી 99 સુધીની રેન્જમાં) લેવામાં આવશે.
2. <cd> : ચૅમ્ફરિંગનું મૂલ્ય % માં. થ્રેડિંગ સ્ટ્રોકના અંતે ટૂલ પાછું ખેંચવામાં આવે છે, <cd> દ્વારા ચૅમ્ફરની લંબાઈ % માં વ્યક્ત કરવામાં આવે છે. તેથી જો ત્યાં 450 રીટ્ર્રૅક્શન હોય, તો <cd> નું મૂલ્યત 50 થશે.
3. <ef> : આ અંશોમાં વ્યક્ત કરાયેલ આંટાનો V કોણ (સંપૂર્ણ કોણ) છે. એટલે કે, મેટ્રિક અને UN આંટા માટે એનું મૂલ્ય 60 હશે, વ્હિટવર્થ (W) આંટા માટે 55, ACME આંટા માટે 29, ટ્રૅપેઝૉઇડલ આંટા માટે 30 હશે.
4. <g>: G76 માં પ્રથમ કાપા સિવાય બાકી તમામ કાપાની ઉંડાઈ સી.એન.સી. સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવે છે. આપણને તે આપવાની જરૂર હોતી નથી. કાર્યવસ્તુ અને ઇન્સર્ટ વચ્ચેના સંપર્કની લંબાઈ વધતી જતી હોવાથી, કાપાની ઉંડાઈ ધીમે ધીમે ઓછી થાય છે. ન્યુનત્તમ મૂલ્ય <g> ઇનપુટ આપીને નિર્દિષ્ટ કરવામાં આવે છે. સી.એન.સી. સિસ્ટમ દ્વારા ગણતરી કરવામાં આવેલ મૂલ્ય, નિર્દિષ્ટ મૂલ્ય <g> ની નીચે ગયા પછી, જ્યાં સુધી ઇચ્છિત X મૂલ્ય ન આવે ત્યાં સુધી કાપાની ઉંડાઈ આપમેળે આ મૂલ્ય <g> પર સ્થિર કરવામાં આવે છે. થ્રેડિંગના આના પછીના બધા સ્ટ્રોક (અંતિમ પાસ સિવાય) <g> નું મૂલ્ય અનુસરે છે, અલબત તબક્કાવાર. આ મૂલ્ય માયક્રૉનમાં આપેલું હોય છે (પ્રોગ્રામેબલ લઘુત્તમ ઇનપુટ) અને સી.એન.સી. સિસ્ટમ દ્વારા તેને રેડિયલ તરીકે ગણવામાં આવે છે.
5. <h> : આ ફિનિશિંગ અલાઉન્સનું માયક્રૉનમાં આપેલ અરીય મૂલ્ય છે. આમ, આ X મૂલ્ય પર <ab> સંખ્યા જેટલા પાસનું પુનરાવર્તન થાય છે. એટલે કે, એકવાર (<g>) આ કાપાની લઘુત્તમ ઉંડાઈ પહોંચી ગયા પછી, તે <h> જેટલું મટિરિયલ દૂર ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે.
6. <u> : આ થ્રેડિંગ સ્ટ્રોકને સમાપ્ત કરવાનો X કોઑર્ડિનેટ છે.
7. <w> : આ થ્રેડિંગ સ્ટ્રોકને સમાપ્ત કરવાનો Z કોઑર્ડિનેટ છે.
8. <i> : આ થ્રેડિંગ સ્ટ્રોકની શરૂઆત અને અંતના X કોઑર્ડિનેટ વચ્ચેનો માયક્રૉનમાં વ્યક્ત કરેલ રેડિયલ તફાવત છે. માની લો કે તેનું મૂલ્ય 0 તરીકે એન્ટર થયેલ છે, તો આપણને સમાંતર આંટા મળશે.
9. <j> : આ માયક્રૉનમાં વ્યક્ત કરેલ આંટાની રેડિયલ ઉંચાઇ છે.
10. <k> : આ માયક્રૉનમાં વ્યક્ત કરેલ પ્રથમ પાસના કાપાની ઉંડાઈ (રેડિયલ મૂલ્ય) છે.
11. <l> : આ માયક્રૉનમાં વ્યક્ત કરેલ આંટાની લીડ છે.
 

dsgdfgdgh_1  H  
ચિત્ર ક્ર. 10 : વિવિધ થ્રેડિંગ સાયકલમાં તબક્કાવાર યંત્રણ કરવાની પદ્ધતિ દર્શાવતું ચિત્ર
 
 
2.6 થ્રેડિંગ સાયકલની તુલના
G92 સાયકલનો ઉપયોગ હંમેશા પસંદ કરવામાં આવે છે. તબક્કાવાર યંત્રણ કરવાની પદ્ધતિ વાપરીને મટિરિયલ કાઢવાના કામને સમજવા માટે ચિત્ર ક્ર. 10 જુઓ.
• G32 અને G92 માં થ્રેડિંગની પદ્ધતિ સમાન છે, તેમ છતાં, G32 માં, આંટા કાપવાના સાયકલમાં નૉન-કટિંગ સ્ટ્રોક હોય છે, દા.ત.
[1] X માં ટૂલ પોઝિશનિંગ
[2] X માં ટૂલ રીટ્ર્રૅક્શન
[3] Z માં ટૂલનું રૅપિડ રિટર્ન.
તેમના પ્રોગ્રામ અલગથી લખવા પડે છે. G92 સાયકલમાં તે સાયકલ દ્વારા આપમેળે ઉત્પન્ન થાય છે. G32 માં દરેક પાસ માટે આ વધારાના પ્રયત્નોનું પુનરાવર્તન કરવું પડશે. ધારો કે કોઈ ખાસ થ્રેડિંગ માટે 20 જેટલી પાસ સંખ્યા છે, તો આપણને 60 વધારાની પ્રોગ્રામ લાઇન ટાઇપ કરવાની જરૂર રહેશે. (3 લાઇન / પાસ X 20 પાસ.)
• G32 માં આપણે, વિવિધ પિચ ધરાવતા આંટા, તેમની વચ્ચે કોઈ વિભાગ પાડ્યા વિના કાપી શકીયે છે. એટલે કે, જો આપણે Z0 થી Z -20 સુધી 1.0 પિચના, Z -20 થી Z -50 થી 1.25 પિચના, Z -50 થી Z -70 થી 0.75 પિચના આંટા પાડવા માંગતા હોઈયે, તો આપણે G32 નો ઉપયોગ કરીને તે કરી શકીએ. સી.એન.સી. સિસ્ટમ દ્વારા Z = -20.0 અને -50.0 વચ્ચે ફીડ રેટની ગોઠવણની કાળજી આપમેળે લેવામાં આવે છે. જો કે, વ્યવહારમાં આવી આવશ્યકતા ભાગ્યે જ પડતી હોય છે.
• જ્યારે જેના પર આંટા પાડવા છે, તે કાર્યવસ્તુ ખૂબ જ પાતળી હોય, ત્યારે G92 સાયકલનો ઉપયોગ કરવાથી ચૅટરિંગ થાય છે. આવી પરિસ્થિતિમાં આપણે G76 નો ઉપયોગ કરી શકીએ છીએ.
• G92 માં થ્રેડિંગ સ્ટ્રોકના પ્રારંભિક બિંદુનું Z મૂલ્ય દરેક પાસ માટે સમાન હોય છે. G76 માં Z ને આંટાની ફ્લઁક સાથે ખસેડવામાં આવે છે. તેથી, કાર્યવસ્તુનું યંત્રણ 2 ધારમાંથી ફક્ત એક જ ધાર દ્વારા થાય છે. આ રેડિયલ ભારને ઘટાડે છે અને ચૅટરિંગ ઘટે છે / દૂર થાય છે.
• G76 સાયકલનો સમય હંમેશા લાંબો હોય છે અને તેથી જ્યારે G92 ન ચાલતું હોય, ત્યારે જ G76 નો ઉપયોગ કરવો જોઈએ.
• NPT અને BSPT પ્રકારના આંટા કેવી રીતે બનાવવા, તેની વિગતવાર માહિતી આપણે આગળના લેખમાં મેળવીશું.
 
 
વિવેક મરાઠે મેકૅનિકલ એન્જિનિયર છે અને વૈભવ મૅન્યુફૅક્ચરિંગ સોલ્યુશન્સ પ્રા. લિ. કંપનીના મૅનેજિંગ ડાયરેક્ટર છે.
વિવિધ યંત્રભાગોનું ઉત્પાદન કરતી વખતે તેઓ નવા શીખાઉ ઉમેદવારોના યાંત્રિક શિક્ષણ પર વધુ ભાર મૂકે છે.
9922945410
maratheviveks@gmail.com
Powered By Sangraha 9.0