ઉદ્યમ પ્રકાશન દ્વારા પ્રકાશિત મરાઠી સામયિક ‘ધાતુકામ’ નો 50 મો અંક અમે જુલાઈ 2021 માં પ્રકાશિત કર્યો. મરાઠી માસિક નિયમિત પ્રકાશિત થવા લાગ્યું, તેના પછીના 2 વર્ષોમાં, અમે ધાતુકાર્ય (હિન્દી), લોહકાર્ય (કન્નડ) અને ધાતુકામ (ગુજરાતી) સામયિકો શરૂ કર્યા. નાના અને મધ્યમ ઉદ્યોગમાં શૉપ ફ્લોર પર કામ કરતા વ્યક્તિને ધ્યાનમાં રાખીને માસિકનો દરેક અંક કેવી રીતે હોવો જોઈએ, તે અંગે કેટલીક વ્યૂહરચના ગોઠવીને શરૂઆત કરવામાં આવી હતી. તે સમયનું ઔદ્યોગિક વાતાવરણ, પ્રગતિના પંથે જોરદાર ચાલી રહેલો રાષ્ટ્રીય GDP અને તેને પૂરક એવી તમામ ક્ષેત્રોમાં અપેક્ષિત વૃદ્ધિ, એ ચિત્ર છેલ્લા દોઢ વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે.
કોઈપણ ઉદ્યોગનો વિકાસ કરવો હોય, તો અલબત્ત, બજારની માંગને પહોંચી વળવા માટે તમારી ફૅક્ટરીમાં પૂરક સંસાધનો હોવા જોઈયે. તે સંસાધનો પ્રાપ્ત કરવા માટે જરૂરી જ્ઞાન અને માહિતી પ્રદાન કરવાના હેતુ સાથે અમે આ માસિકમાં હંમેશા સુસંગત લેખોની યોજના કરતા આવ્યા છીએ. નાના અને મધ્યમ ઉદ્યોગસાહસિકો સાથે છેલ્લા દોઢ વર્ષના રોગચાળાની પૃષ્ઠભૂમિ પરની વાતચીતથી આ સ્પષ્ટ થાય છે, કે મોટા હોય કે નાના, જે ઉદ્યોગોએ પોતાની કાર્યશૈલી વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ બનાવી, તે જ આ બદલાતા કાળમાં ટકી શક્યા છે.
ઘણા ઉદ્યોજકોએ વર્ષોથી એક જ બજારને સપ્લાય કરવા માટે તેમનો ઉદ્યોગ ઉભો કર્યો હોય, પણ બજારમાં સર્જાયેલી પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે આજે તે સરખી રીતે ચાલી શકતો નથી. આ બદલાતી પરિસ્થિતિનો સામનો કરીને, જેમણે ઝડપથી પોતાના ઉદ્યોગમાં બદલાવ કર્યા છે અથવા નવા બજારોને અનુરૂપ થવાના પ્રયત્ન કર્યા છે, તે ઉદ્યોગો માત્ર ટક્યા એટલું જ નથી, પરંતુ વધ્યા પણ છે. કેટલાક ઉદ્યમીઓએ પરંપરાગત ગ્રાહકોની ઘટી રહેલી માંગને સમસ્યા તરીકે જોવા કરતા, તેને નવા ગ્રાહકો શોધવા માટેની તક તરીકે જોયું હતું અને તેમના ઉદ્યોગને અસ્થિર થવા દીધો નહીં. કેટલાક લોકોએ નિકાસ માટે જે તૈયારી કરવી જરૂરી હતી, તે કરીને લૉકડાઉનના સમયનો સદુપયોગ કર્યો.
આ સમયગાળા દરમિયાન ઉદ્યોગસાહસિકો સાથે વાત કરતી વખતે મેં બીજી એક બાબત નોંધી કે જે લોકો પોતાને લવચીક રાખતા હતા, તેમને ત્યાં કામની કોઈ કમી ન હતી. એવું પણ જોવા મળ્યું કે મોટાભાગના ઉદ્યોગોએ, ભલે તે મોટા હોય કે નાના, મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમના તમામ કર્મચારીઓને વધુમાં વધુ મદદ કરવાનો અભિગમ રાખ્યો હતો. ભાવિ ઉત્પાદન અને ગુણવત્તાની માંગને પહોંચી વળવા માટે પ્રશિક્ષિત કર્મચારીની જરૂર પડશે, એ વ્યવહારુ વિચાર હોવા છતાં, તેમાં માનવતાની ભાવના ચોક્કસપણે વખાણવા યોગ્ય છે. આશા છે કે આ સામયિકમાં પ્રકાશિત થયેલા લેખ ઉદ્યોગની સામે આવતા પડકારોને પહોંચી વળવા જરૂરી મોરચો બનાવવામાં તકનીકી જ્ઞાન અને કુશળતા વધારવામાં ખૂબ ઉપયોગી થશે.
ધાતુકામના આ અંકમાં આપણે આંટા બનાવવાની થ્રેડિંગ પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપતો એક લેખ પ્રકાશિત કર્યો છે. ખાતરી છે કે આમાં આપેલી કેટલીક નવી ખૂબીઓ વાચકોને ગમશે, જે હંમેશા વર્કશૉપમાં કરવામાં આવે છે. આ અંકમાં, માપનની નવી તકનીકીઓ અને કટિંગ ટૂલનું ‘સ્માર્ટ’ વ્યવસ્થાપન વિશેની વિગતો આપતા લેખોનો પણ સમાવેશ છે. આ ઉપરાંત, જીગ્સ અને ફિક્શ્ચર, ટૂલિંગમાં સુધારો, સી.એન.સી. પ્રોગ્રામિંગ અને મશીન મેન્ટેનન્સ વગેરે લેખમાળામાંથી વિવિધ વિષયો પર વિગતવાર માહિતી, અમે આ અંકમાં આપી રહ્યા છીએ.
માસિકમાંથી મળતી આ માહિતી અને લેખોના સંદર્ભમાં અમે વાચકો તરફથી પ્રતિસાદની અપેક્ષા રાખીએ છીએ. આપ આ સામયિકમાં શું જાણવા અને વાંચવા માંગો છો, તે વિશે અમને લેખિતમાં જાણ કરો, એવી અપીલ સમય સમય પર અમે કરીયે છીએ, જેથી અમે આ સામયિક વાચકો માટે વધુ સુલભ બનાવી શકીએ.
દીપક દેવધર
deepak.deodhar@udyamprakashan.in