લેથના નવીન પ્રકારના ચક

30 Mar 2021 15:32:12
જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રમાં પરંપરાગત લેથ મશીનની સંખ્યા આજની તુલનામાં વધુ હતી, ત્યારે કાર્યવસ્તુ પકડવા માટે સામાન્ય રીતે હાથથી ફેરાવીને કસીને જક્ડવાવાળા ચકનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો પણ હર્બર્ટ લેથ જેવા કેટલાક મશીન પર વાયુના દબાણથી ચાલવાવાળા ચકનો ઉપયોગ અમુક અંશે ચોક્કસ થતો હતો. પણ જેમ જેમ કમ્પ્યુટર પર ચાલનારા લેથ મશીનોની સંખ્યા વધવા લાગી, તેમ તેમ હાથથી ફેરવીને કસવામાં આવતા ચકની જગ્યાએ કોઈ બીજી અન્ય શક્તિ દ્વારા ચાલનારા ચકની જરૂરિયાત લાગવાની શરુઆત થઈ. એનો ઉદ્દેશ્ય કામની ગુણવત્તામાં નિરંતર ચોકસાઈ અને સચોટતા લાવવાની સાથે જ કામ દરમિયાન વેડફાતા સમયને બચાવવાનો અને ઑપરેટરોને લાગતો થાક ઘટાડવાનો પણ હતો.
 
‘એઅરટેક’ કંપનીએ 1980 ની આસપાસ હાથથી ફેરવીને કસાતા ચકની સંરચના તથા નિર્માણની શરૂઆત કરી. પરંતુ ત્યાર બાદ ટુંક સમયમાં જ, વિશ્વસનીય પૉવર ચકની સંરચના કરીને, એ પરવડે એવા વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવનારી, એક અગ્રણી કંપની તરીકે અમારું નામ થયું. અનિયમિત આકારની અથવા ખરબચડી કાર્યવસ્તુ પર કામ કરવા માટે ઑપરેટરોને સરળ, સચોટ અને વ્યાજબી પાવર ચક ઉપલબ્ધ કરાવવામાં એઅરટેકનો ફાળો મહત્વનો છે. શરૂઆતથી જ આ પાછળની અમારી નીતિનું વિવરણ સરળ શબ્દોમાં નીચે મુજબ કરી શકાય છે:
 
• ગ્રાહકની ચોક્કસ જરૂરિયાતોને ડ્રૉઇંગના માધ્યમથી સમજી લેવું.
• એ જરૂરિયાતોને ચોક્કસપણે પૂર્ણ કરી શકે, તે મૂળભૂત તત્વ અથવા સૂત્ર શોધવું.
• ચકની કલ્પનાને સાકાર કરવા અને અસરકારક નવીનીકરણ સાથે તેની આધુનિક રચનાનો વિકાસ કરવા માટે, એ સૂત્રનો વિકાસ કરવો.
• ચક બન્યા પછી, એના જરૂરી પરીક્ષણો કર્યા બાદ ગ્રાહકોની અપેક્ષાઓને સંતોષવી અને એની ખાતરી કરવી.
અમારા વિવિધ ઉત્પાદનો પર એક નજર નાંખવાથી આપને તેમની દોષરહિતતા, નિરંતરતા તથા સરળતાનો ચોક્કસ ખ્યાલ આવશે. ચાલો, અમારા કેટલાક મુખ્ય ચકની ખાસ વિશેષતાઓ જોઈએ.
ઇન્ડેક્સિંગ ચક
પરંપરાગતરૂપે કોઈપણ નળાકાર (સિલિંડ્રિકલ) કાર્યવસ્તુનું યંત્રણ લેથ મશીન પર ઓછામાં ઓછા બે તબક્કામાં કરવું પડતું હોય છે. આ તબક્કાની કુલ સંખ્યા અનુસાર એ કાર્યવસ્તુને ઊંચકીને ચકમાં પકડવી પડે, એક તબક્કાનું યંત્રણ પૂરું થયા બાદ ફરીથી ઢીલી કરી નીચે ઉતારવી પડે, અને બીજા તબક્કા માટે આ આખી પ્રક્રિયા ફરીથી કરવી પડે છે. એનાથી કાર્યવસ્તુની ગુણવત્તા જાળવણી પર અમુક મર્યાદાઓ આવે છે. ઘણીવાર કાર્યવસ્તુના પૅરામીટર એટલા સચોટ હોય છે, કે એમના પાલન માટે કાર્યવસ્તુનું યંત્રણ એક જ સેટઅપમાં કરવું જરૂરી હોય છે. ઉદાહરણ તરીકે, બે વ્યાસો પર કૉન્સેન્ટ્રિસિટી (સંકેન્દ્રિતતા), અક્ષનો સપાટી સાથે સર્જાતો લંબકોણ (સ્ક્વેઅરનેસ) જેવા પૅરામીટર.

1_1  H x W: 0 x
આ સમસ્યાના નિવારણ માટે ‘એઅરટેક’ કંપનીએ ઇન્ડેક્સિંગ ચકની સંકલ્પનાને સાકાર કરી. આમાં કાર્યવસ્તુ માત્ર એક જ વાર ચકમાં કસીને જકડી લેવામાં આવે છે. પ્રથમ સેટઅપ પૂર્ણ થયા બાદ ચકનું ફરવાનું રોકી દેવામાં આવે છે અને કાર્યવસ્તુ ઢીલી કર્યા વિના હાથેથી ફેરવીને હવે પછીની અપેક્ષિત સ્થિતિમાં મૂકવામાં આવે છે અને ત્યાં સ્થિર કરવામાં આવે છે. હવે આ નવી સ્થિતિમાં આગલા સેટઅપનું યંત્રણ થાય છે. કાર્યવસ્તુને ફેરવીને આગલા સેટઅપની સચોટ સ્થિતિમાં લાવવા માટે (ઇન્ડેક્સિંગ) તેનો નવો અક્ષ નિશ્ચિત કરવામાં જ આ પ્રકારના ચકની સફળતાનું રહસ્ય છે. કાર્યવસ્તુને આગલી સ્થિતિમાં લઈ જવા માટેની ફેરવવાની ક્રિયા, ચકનું ફરવું પૂર્ણ રૂપે બંધ થયા બાદ હાથેથી જ કરવામાં આવે છે. એટલા માટે એને ‘મૅન્યુઅલ ઇન્ડેક્સિંગ ચક’ (ચિત્ર ક્ર. 1) કહેવામાં આવે છે. પણ સ્પર્ધાત્મક બઝારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે, ઉત્પાદન માટે લાગતો સમય તથા ખર્ચો ઘટાડવા માટે, ગ્રાહકો તરફથી ‘મૅન્યુઅલ ઇન્ડેક્સિંગ ચકને સ્થાને આપમેળે ઇન્ડેકસ થનારા ચકનું વિકસન કરો’, એવી માંગ વધવા લાગી. આ પડકારનો સ્વીકાર કરીને અમે મૅન્યુઅલ ઇન્ડેક્સિંગ ચકમાં બદલાવ કર્યા. આમાં કાર્યવસ્તુ કસેલી સ્થિતિમાં હોય ત્યારે અને ચકનું ફરવાનું પૂરી રીતે રોક્યા વિના, પ્રોગ્રામિંગની મદદથી કાર્યવસ્તુને આગલી અપેક્ષિત સ્થિતિમાં મૂકવાનું સંભવ બનાવ્યું. ચકનું ફરવાનું પૂર્ણ રૂપે અટકાવવાને બદલે એને અમુક હદ સુધી ઘટાડવામાં આવ્યું. આવા ચકને ‘ઑટો ઇન્ડેક્સિંગ ચક’ (ચિત્ર ક્ર. 2) કહેવામાં આવે છે. કામની જરૂરિયાતો અનુસાર ફેરવવાની બે કે એથી પણ વધુ ઇન્ડેક્સિંગ પોઝિશન આ ચકમાં સમાવિષ્ટ કરી શકાય છે.

2_1  H x W: 0 x
ઉત્તમ અને નિરંતર ગુણવત્તા આપવાની સાથે, કાર્યવસ્તુને કસવી, ઢીલી કરવી, આગલી સ્થિતિમાં લાવવી, આ માનવીય ક્રિયાઓનું પુનરાવર્તન ટાળવું અને આ રીતે ઑપરેટરોની મહેનત ઘટાડવી, વગેરે આ ચકના લાભ છે.
2+2+2 ચક

3_1  H x W: 0 x
 
અમારા એક જાણીતા ગ્રાહકે ઍલ્યુમિનિયમના એક પાર્ટનું, જેને ટર્બાઈનમાં બેસાડવાનો હતો, યંત્રણ કરવા માટે એક ચક ડિઝાઈન કરવાની વિનંતી કરી. એ ગ્રાહકની સહયોગી કંપનીના જર્મની સ્થિત મુખ્ય મથકમાં આ પ્રકારના ચક્નો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ એને આયાત કરવાનો ખર્ચો ખૂબ વધુ હતો. આ ગ્રાહકે અગાઉ પણ આયાત કરેલ એક ચકના કમિશનિંગ વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, એ વખતે સમય અને પૈસા બન્નેનું ભારે મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. આવા ચકની જરૂરિયાત વારંવાર પડે એવી શક્યતાઓ હતી જ, એટલે એમણે એવું ચક ભારતમાં જ બનાવવા માટે વિનંતી કરી. અમે એવા ચકનું નિર્માણ તો કર્યું જ, પણ સાથે સાથે પ્રથમ પ્રયાસે એ પૂર્ણ પણે સફળ પણ કરી બતાવ્યું. આ ચકના નામથી જ એની રચના સ્પષ્ટ (ચિત્ર ક્ર. 3) થાય છે. આ ચક પર બે જૉની ત્રણ જોડીઓ અર્થાત કુલ 6 જૉ 60° ના કોણે બેસાડવામાં આવે છે. આજૂબાજૂના બે જૉની જોડી હોય છે. આ ચક પર જ્યારે પાર્ટ કસવાની પ્રક્રિયા શરુ કરવામાં આવે, ત્યારે દરેક જૉ આગળ વધે છે. પણ જ્યારે આમાંથી એક જૉનો સ્પર્શ પાર્ટની સપાટી સાથે થાય છે, ત્યારે જ્યાં સુધી એની જોડીના બીજા જૉનો સ્પર્શ પાર્ટની સપાટી સાથે ન થાય, ત્યાં સુધી પહેલો જૉ ત્યાં જ રહે છે. ત્યાર બાદ બન્ને એક સાથે આગળ વધે છે. અન્ય બે જોડીઓ સાથે જ પણ આમ જ થાય છે અને 6 જૉ મળીને દરેક 600 ના કોણે જ આ પાર્ટ કસવામાં આવે છે. આમ કરવાથી પાર્ટ પર એકસમાન, નિયમિત તથા નિયંત્રિત દબાણ પ્રસરવાથી પાર્ટની સંભવિત વિકૃતિ (ડિસ્ટૉર્શન) ટાળવામાં આવે છે. ખાસ કરીને ઓછી જાડાઈવાળી કાર્યવસ્તુના યંત્રણ માટે આવા ચકની ભલામણ કરવામાં આવે છે. આ ચકની મદદથી 20 માઈક્રોનની અંદરનું ગોળપણું (રાઉંડનેસ) શક્ય છે. પાર્ટને કસવાનું દબાણ તેના ધાતુના ગુણધર્મો, એના ઘટકો અને જાડાઈ અનુસાર, નિશ્ચિત કરવું પડે છે.
ટર્બાઈનમાં લગાડવામાં આવતા ઍલ્યુમિનિયમના પાર્ટની ગુણવત્તા પર 40 માઇક્રોનની મર્યાદા હતી. અહીં એ બાબત ઉલ્લેખનીય છે, કે અમે ડિઝાઈન કરેલ ચકમાં યંત્રણ કરેલ પાર્ટની ગુણવત્તા, ગ્રાહકના કારખાનામાં પ્રથમ પ્રયાસમાં 20 માઈક્રોનની અંદર રહી.
ડાયફ્રામ ચક
કાર્યવસ્તુ પર પકડ જમાવવા માટે ડાયફ્રામ ચકમાં (ચિત્ર ક્ર. 4) સ્પ્રિંગ સ્ટીલમાંથી બનેલ, ઓછી જાડાઈની પ્લેટ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્લેટમાં સર્જાતી તાણ ઊર્જાને કારણે ડાયફ્રામ ચક કાર્ય કરે છે. એની અંદરના જૉ કાર્યવસ્તુના વ્યાસ અનુસાર ગ્રાઈન્ડ કરવામાં આવેલ હોય છે. આ પ્લેટ પર પાછળથી દબાણ વધારતા એનો આકાર બદલાય છે. એ કારણે એની સાથે જોડાયેલ જૉ બહારની તરફ ખેંચાય છે. ત્યાર બાદ એની અંદર કાર્યવસ્તુને સરકાવવામાં આવે છે અને પ્લેટની પાછળની તરફ આપવામાં આવેલ દબાણ, હળવું કરતા જૉ ફરી પોતાની જગ્યાએ પાછા ફરે છે અને કાર્યવસ્તુને ફરી જકડી લે છે. અન્ય પરંપરાગત ચકની તુલનામાં ડાયફ્રામ ચકની વિશેષતા એ છે, કે કાર્યવસ્તુ ચકમાં પકડ્યા બાદ તેનું કેન્દ્ર તથા ચકનું કેન્દ્ર આપમેળે બંધ બેસે છે. આ રચનામાં આગળ પાછળ થનાર અથવા તો સ્વતંત્ર રીતે ખસતો જૉ ન હોવાને કારણે ઘસારાને કારણે જૉના પરિમાણોમાં અથવા તો કાર્યવસ્તુને પકડવામાં થનારી ભૂલો લગભગ નહિવત થઈ જાય છે.

4_1  H x W: 0 x 
 
ઉત્પાદન પદ્ધતિમાં અપેક્ષિત ચોકસાઈ આપમેળે જ મળી જતી હોવાને કારણે, આમાં કુશળ ઑપરેટર હોવાની કોઈ જરૂર રહેતી નથી. આ ચકની કામ કરવાની ગતિ ઝડપી હોવાને કારણે, કાર્યવસ્તુ પકડવામાં લાગતો કુલ સમય ઘણી હદે ઘટી જાય છે. આ વિશેષતાને કારણે બૅચ ટાઈપ અથવા તો સતત ઉત્પાદન, આ બન્ને પ્રકાર માટે આ અત્યંત લાભદાયી સાબિત થાય છે. આ ચકમાં કાર્યવસ્તુને પકડવાની તાકાત અને ઓપનિંગ થ્રસ્ટની વચ્ચે રેખીય પ્રમાણ (લિનિયર પ્રપોર્શન) હોય છે. એટલે, ખોલવા માટે જરૂરી તાકાત અને એનાથી મળતી પકડવા માટેની તાકાત, બન્ને એકબીજા સાથે રેખીય પ્રમાણમાં હોય છે, એ બાબત એક અભ્યાસ દ્વારા સાબિત થઈ ચૂકેલ છે. જૉની સંખ્યા જેટલી વધે, તેટલી દરેક જૉ માટે પકડવાની તાકાત ઘટતી જાય છે.
 
સામાન્ય રીતે ચકના બાહ્ય વ્યાસના એક તૃતીયાંશ જેટલા વ્યાસની કાર્યવસ્તુને પકડવામાં મળનારી તાકાત ઈષ્ટતમ (ઑપ્ટિમમ) હોય છે. કાર્યવસ્તુના માપનમાં પડતો ફેર, પકડ બળ અને પકડની ચોકસાઈ પર અસર કરે છે. ઉદાહરણ તરીકે, અપેક્ષિત માપથી વધુ વ્યાસની (ઓવરસાઈઝ) પણ ટૉલરન્સની અંદર હોય એવી કાર્યવસ્તુ જૉના તળિયાના એક ચતુર્થાંશ જેટલા હિસ્સામાં જ પકડવામાં આવે છે. ટૉલરન્સના નીચલા હિસ્સામાં અર્થાત ઓછા વ્યાસની કાર્યવસ્તુ જૉના ઉપરી એક ચતુર્થાંશ હિસ્સામાં પકડવામાં આવે છે. આ મર્યાદાને કારણે વાઈડ ટૉલરન્સની કાર્યવસ્તુ પર જો કામ કરવું હોય, તો એના નાના નાના બૅચ કરવા પડે છે, જેથી વ્યાસમાં અંતર ઓછું રહે અને અપેક્ષિત પરિણામ મળી શકે.
બૉલ ફલક્રમ ચક

5_1  H x W: 0 x
ઘણીવાર, કાસ્ટિંગ અથવા ફોર્જિંગ કરેલ કાર્યવસ્તુઓની બાહ્ય સપાટી પર એને મોલ્ડની બહાર સહેલાઈથી કાઢી શકાય એ માટે એક ડ્રાફ્ટ આપવામાં આવેલ છે. એ કારણે તે હિસ્સો થોડો ત્રાંસો અને ઢળતો હોય છે. આવી બાહ્ય સપાટી ચકમાં પકડવી હોય, તો સ્વાભાવિક છે કે તે અપેક્ષિત હિસ્સા પર બરાબર બેસશે નહિ. વધુ ઊંડું કાપવાથી અથવા કાપવામાં વધુ ગતિ વાપરવાથી કાર્યવસ્તુ ઢીલી થવાનું જોખમ પણ હોય છે. આવી સ્થિતિમાં બૉલ ફલક્ર્મ ચક (ચિત્ર ક્ર. 5) યોગ્ય રહે છે. આ ચકના જૉ, એક આધાર પર આગળ પાછળ ખસતા હોય છે. આમ થવાથી કાર્યવસ્તુ મજબૂતાઈથી પકડી શકાય છે, સાથે સાથે, એ જે પણ સપાટી પર બેસાડેલ હોય તેની અક્ષની દિશા તરફ ખેંચીને પકડવામાં આવે છે. આવા ચકના ઉપયોગથી કામ ઝડપથી થાય છે, સમય ઓછો લાગે છે, કર્મચારીઓ થાકતા નથી, અને ઈચ્છિત સુસંગતતા મળે છે.

પુલ ગ્રિપ ચક
કોઈપણ કાર્યવસ્તુનું બીજી તરફથી યંત્રણ કરતી વખતે, પહેલા યંત્રણ થઈ ચૂકેલી સપાટી ચકની અપેક્ષિત સપાટી સાથે બંધ ન બેસે, તો યંત્રણ બાદ બન્ને સપાટી વચ્ચેની સમાંતરતામાં ખામી રહી જાય છે. ઘણીવાર શિફ્ટની શરૂઆતમાં ઑપરેટર ફ્રેશ હોવાને કારણે એ જરૂરી અક્ષીય દબાવ નાખીને, કાર્યવસ્તુ બરાબર બંધ બેસી છે કે નહિ એના પર ધ્યાન આપતો હોય છે, પણ જેમ જેમ દિવસ ચડે, થાક લાગવાને કારણે એના કામમાં ચોકસાઈની ઉણપ વરતાવા લાગે છે. આ જોખમ ટાળવા માટે પુલ ગ્રિપ ચક (ચિત્ર ક્ર. 6) દ્વારા દોષરહિત કામ કરવાની સુવિધા આપેલ છે. આ રચના થોડી અલગ છે, પણ એનું મૂળભૂત તત્વ તો ફલક્રમ ચક જેવું જ હોય છે.

6_1  H x W: 0 x
હબ ટર્નિંગ ચક

7_1  H x W: 0 x
હબ જેવી કેટલીક કાર્યવસ્તુઓ એવી હોય છે, કે યંત્રણ દરમિયાન એમની સપાટી પરથી ઘણી ધાતુ કાપી કાપીને હટાવવી પડતી હોય છે. એટલા માટે યંત્રણના સમયે થનારું દબાણ સહન કરવા માટે કાર્યવસ્તુ મજબૂતીથી પકડવી જરૂરી હોય છે. આ મજબૂત પકડ મેળવવા માટે ચકમાં (ચિત્ર ક્ર. 7) ફાચર (વેજ મેકૅનિઝમ) બેસાડવો પડે છે. આમાં કાર્યવસ્તુને કસીને જક્ડવા માટે વપરાતા સામાન્ય દબાણને (કલૅમ્પિંગ ફોર્સ) અનેક ગણો વધારવામાં આવે છે, જેથી પકડ અનેક ગણી વધી જાય છે. સાથે જ આવી કાર્યવસ્તુઓનું યંત્રણ એક જ સેટઅપમાં કરવામાં આવે છે, તેથી એની અલગ અલગ સપાટીઓ પર, વિભિન્ન માપદંડો પર સર્જાતા પરસ્પર સંબંધ (ઇન્ટરરિલેશન) પણ ઉત્તમ ગુણવત્તાના હોવાનું દર્શાયું છે. પરંતુ એના આકારને કારણે સામાન્ય ચક પર બેસાડવામાં આવેલ અને હંમેશા ઉપયોગમાં લેવાતા ટૂલ અપેક્ષિત અંતરે પહોંચવામાં અવરોધ ઊભા થાય છે. એટલા માટે આ ચક તથા એની અંદરના જૉ ની રચના એ રીતે કરવામાં આવે છે, કે કાર્યવસ્તુને મજબૂતીથી પકડવામાં આવે, સાથે જ એ ચકની સપાટીથી થોડી દુર પકડવામાં આવતી હોવાથી પાછળની તરફ યંત્રણ કરવાવાળા ટૂલ અપેક્ષિત અંતર સુધી પહોંચીને ઉત્તમ ગુણવત્તા મળી શકે.
ફેસ કલૅમ્પિંગ ચક
ક્યારેક ક્યારેક યંત્રણ કરતી વખતે કાર્યવસ્તુ પકડવામાં પડકારો ઉદ્દભવી શકે છે. કાર્યવસ્તુનો આકાર અને એને કસવા માટે ચક પર આપવામાં આવેલ સામાન્ય કલૅમ્પને કારણે, એને ચકમાં બેસાડવાનું અને કાઢવાનું ખરેખર મુશ્કેલ બને છે. આ કામમાં સમય અને શ્રમ બન્ને વેડફાય છે. આવી સ્થિતિમાં એક અલગ ચક પર નવા કલૅમ્પની સુવિધા આપીને આ કાર્ય તદ્દન સહેલું અને સરળ બની ગયું છે. આવા પ્રકારના ચક બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે :
 
1. સ્વિવેલ ટાઈપ ફેસ કલૅમ્પિંગ ચક
આ ચકમાં (ચિત્ર ક્ર. 8) એવી રચના હોય છે, કે કલૅમ્પ દ્વારા કાર્યવસ્તુ કસતી વખતે, એ એક નિશ્ચિત અક્ષ પર ફરીને નીચે આવે છે. કાર્યવસ્તુને ઢીલી કરતી વખતે એજ અક્ષ પર ફરીને એ ઉપર આવે છે. એને ચકમાં બેસાડતી વખતે કે કાઢતી વખતે, જરૂર હોય તેટલી જગ્યા ખાલી રખાય છે. ચકની અંદર કરવામાં આવેલ યંત્રરચના મુજબ આ બધું કાર્ય, પિસ્ટનના હલનચલન સાથે આપમેળે જ થાય છે.

8_1  H x W: 0 x
2. ઍન્ગ્યુલર ટાઈપ ફેસ કલૅમ્પિંગ ચક
આ પ્રકારના ચકની (ચિત્ર ક્ર. 9) આંતરિક રચનામાં કાર્યવસ્તુ ચક પર રાખતી વખતે ચક પર બેસાડવામાં આવેલ કલૅમ્પ ફૂલની પાંખડીઓની જેમ બહારની તરફ ખૂલે છે અને કાર્યવસ્તુ માટે જગ્યા મળે છે. ઉપર વર્ણવ્યા મુજબ આ ચકમાં પણ બધું જ કાર્ય, ચકની આંતરિક યંત્રરચના દ્વારા પિસ્ટનના હલનચલન સાથે આપમેળે જ થાય છે.

9_1  H x W: 0 x
 
સ્ટિઅરિંગ નકલ ચક
કેટલીક કાર્યવસ્તુઓ અનિયમિત આકારની અને ખરબચડી હોય છે. સ્ટિઅરિંગ નકલ (ચિત્ર ક્ર. 10) એનું એક ઉદાહરણ છે. આવી કાર્યવસ્તુ માટે ડિઝાઈન કરીને બનાવવામાં આવેલ ચક અલગ રીતના હોય છે. એ ઑર્ડર પ્રમાણે બનાવવામાં આવે છે. એનું પ્રમાણીકરણ સંભવ નથી.

10_1  H x W: 0  
 
સ્ટિઅરિંગ નકલ જેવી કાર્યવસ્તુઓનું બે અથવા વધુ સેટઅપમાં યંત્રણ કરવાથી સુસંગત ગુણવત્તા મળતી નથી અને રિજેકશનનું જોખમ રહે છે. જો યંત્રણ એક જ સેટઅપમાં કરવાનું હોય, તો એની નબળી રચના અને અનિયમિત આકારને કારણે જરૂરી ટૂલ અંદર સુધી પહોંચાડવામાં મુશ્કેલી આવે છે. આના માટે ચકના કેટલાક ઘટકો ઉપાડીને એનું નિવારણ શોધી શકાય છે. એ સિવાય આ કાર્યવસ્તુ યોગ્ય ઍન્ગ્યુલર પોઝિશનમાં ન બેસાડવામાં આવે તો આગલા ઑપરેશન વખતે કાપની જાડાઈ ઓછી કે વધુ હોવી, કાસ્ટિંગ અથવા ફોર્જિંગના ડાઘ રહી જાય, એવા પ્રકારના રિજેકશન હોઈ શકે છે. આવી સ્થિતિમાં સેલ્ફ સેંટરિંગ પ્રકારની યંત્રરચના દ્વારા એનું નિવારણ કરી શકાય છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખી સ્ટિઅરિંગ નકલ માટે નવીનતાપૂર્ણ ચકનું સફળ નિર્માણ કરવામાં આવ્યું.
આજે અમે ગર્વ સાથે કહી શકીએ છીએ, કે ભારતના ઑટોમોટિવ ક્ષેત્રના લગભગ બધા જ અગ્રણી ઉદ્યોગો મહત્ત્વપૂર્ણ કાર્યવસ્તુઓના યંત્રણ માટે અમારા ચકનો ઉપયોગ કરે છે, તથા મશીન ટૂલ બનાવનાર ઉદ્યોગ એમના સી.એન.સી. લેથ મશીન પર એઅરટેક ચકનો ઉપયોગ કરવાનું જ પસંદ કરે છે.
Powered By Sangraha 9.0