ચકના અગ્રણી ઉત્પાદક : જી.એમ.ટી.

30 Mar 2021 12:11:45
લેથ ચકના ભારતના પ્રમુખ ઉત્પાદક તરીકે ઓળખાતા ‘ગિંડી મશીન ટૂલ્સ’ (જી.એમ.ટી.) પાસે, સચોટ અને મુશ્કેલ ધાતુ યંત્રણ માટે જરૂરી તમામ સ્ટૅન્ડર્ડ ચક ઉપલબ્ધ છે. એસ. ડિઝાઈનર્સ, એલ.એમ.ડબ્લ્યૂ., એચ.એમ.ટી., ગેલેક્સી, બાટલીબૉય, માર્શલ, બી.એફ.ડબ્લ્યૂ., પ્રાઈડ જેવા અનેક ભારતીય મશીન ટૂલ ઉત્પાદક, પ્રમુખ ઑટોમેટિવ યંત્રભાગોના સપ્લાયરો અને સાથે સાથે વાલ્વ તથા રેફિજરેટર, વૉશિંગ મશીન જેવા ઉપકરણોના ઉત્પાદકોના પણ અમે માનીતા સપ્લાયર છીએ. અમને એ બાબતનો ગર્વ છે, કે અમે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગક્ષેત્રના હજારો ગ્રાહકોને સંતુષ્ટ કરવામાં સફળતા મેળવી છે. અમે મૅન્યુઅલ લેથ ચક અને સી.એન.સી. મશીનો માટે ઍક્ચુએટર સાથે ઝડપી ગતિએ ચાલનારા હાઈ સ્પીડ ચકનું ઉત્પાદન કરીએ છીએ, સાથે સાથે જ સામાન્ય કામો માટે 135 મિમી. થી 2000 મિમી. વ્યાસ સુધીના લેથ ચક બનાવીએ છીએ. અમે ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે ડિઝાઈન કરેલ ચક તથા ટ્રાયપૉડ, સ્ટીયરિંગ નકલ, રૉકર આર્મ અને અન્ય સ્વચાલિત મશીનના વિભિન્ન પ્રકારો માટે કાર્યવસ્તુને પકડવા માટે વિશેષ પ્રકારના સાધનો સપ્લાય કરીયે છીએ.
1959 માં જ્યારે આપણા દેશમાં ટૂલ નિર્માણની શરૂઆત થઈ રહી હતી, ત્યારે ભારતમાં સૌથી પહેલા ચક બનાવનારી કંપની- જી.ટી.એમ. ની શરૂઆત થઈ. બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયના સ્નાતક અને અમારી કંપનીના સંસ્થાપક, વેંકટરમણજી એ, એક નાના બેંચ લેથના ઉત્પાદન દ્વારા આ વ્યવસાયની શરૂઆત કરી હતી. એમની પાસે ધાતુવિજ્ઞાનની (મેટલર્જી) વ્યાપક જાણકારી હતી. મશીન પાર્ટના ડ્રૉઈંગ બનાવવાથી લઈને લેથના બેડને ઘસીને અલાઈન કરવાનું, એમ બધા જ કામ એમણે પોતાના હાથે જ કર્યા હતા. અલાઈન કરવા માટે એમને એક સરફેસ પ્લેટની જરૂર હતી, જે એ દિવસોમાં સહેલાઈથી મળતી ન હતી. એટલા માટે વેંકટરમણજીએ બ્રિટિશ સ્ટૅન્ડર્ડનો સંદર્ભ લઈ એ પ્લેટ બનાવી અને એ જ પ્લેટ અમારી કંપનીનું પ્રથમ ઉત્પાદન હતું. એના વિપણન (માર્કેટિંગ) માટે વોલ્ટાજ કંપનીએ મદદ કરી હતી.
એક સંસ્થાપકનું ઉત્સાહી નેતૃત્વ, ધીરજ અને મક્કમતા તથા જિદ્દ સાથે સંશોધન અને વિકાસ માટે કરવામાં આવેલ અથાક પ્રયત્નોનું જ પરિણામ છે, અમારી આજ સુધીની સફળ યાત્રા. આજે જી.એમ.ટી., પોતે પોતાની સરફેસ પ્લેટ અને મેટ્રોલોજી ઉત્પાદોની શ્રેણી માટે ખ્યાતિપ્રાપ્ત તો છે જ, અને એ ઉપરાંત ભારતના મશીન નિર્માણ ઉદ્યોગમાં લેથ ચક મશીનના નિર્માણમાં પણ અમારું નામ અગ્રેસર છે.

1_1  H x W: 0 x
અગાઉ ભારતમાં સ્ક્રોલ પ્રકારના ચક ઉપલબ્ધ હતા. સ્ક્રોલ ચકની કાર્યવસ્તુ પકડવાની ક્ષમતા સીમિત હોય છે, પણ વેંકટરમણજી એવા એક ચકની શોધમાં હતા જેની પકડવાની ક્ષમતા વધુ હોય. ઉચ્ચ ટૉર્કવાળા, ગિયર ચાલિત લેથ દ્વારા પ્રાપ્ત ક્ષમતાનો વધુમાં વધુ ઉપયોગ કરવા એક એવા ચકની ખરેખર જરૂર હતી. એટલા માટે 1965 માં અમે જર્મનીની બર્ગ સ્પૅનટેકનિક કંપની સાથે ટેકનિકલ નોહાઉ માટે કરાર કર્યા અને એમની વર્મ તથા વર્મ વીલવાળા ચકની યંત્રરચના પ્રાપ્ત કરી. આ યંત્રરચનાની વિશેષતા હતી વર્મ, વર્મ વીલ ડિઝાઈન અને કૅમનો મોટો ઉતાર અને ચડાવ આ ડિઝાઇનમાં ઉચ્ચ યાંત્રિકી તાકાત મળે છે.
સ્ક્રોલ- બેવેલ ગિયર ચક અને વર્મ-વર્મ
વીલ/કૅમ ચક
સ્ક્રોલ પ્રકારના ચકમાં સ્ક્રોલ થ્રેડવાળી સ્ક્રોલ પ્લેટ હોય છે. આ થ્રેડ ત્રણેય જૉના દાંતાઓમાં ગૂંથાઈ જાય છે અને એક જ સમયે ત્રણેય જૉ રેડિયલ પદ્ધતિથી ખસે છે. આ પ્લેટની પાછલી તરફ એક બેવેલ ગિયર અથવા બેવેલ દાંતા હોય છે, જે ચકની બૉડીમાં સ્થિત હસ્તચલિત ગિયરમાં ગૂંથાઈ જાય છે. (ચિત્ર ક્ર. 1)

2_1  H x W: 0 x 
 
જી.એમ.ટી. ના હસ્તચલિત ચકમાં (ચિત્ર ક્ર. 2) એક પાનાની (સ્પૅનર) સહાયથી વર્મ ફરે છે. એ વર્મ વીલને ફેરવે છે. વર્મ વીલના માથાપર એક કૅમ (ચિત્ર ક્ર. 3) હોય છે. એ કૅમ પર સ્થિત બટન બેસ જૉને સક્રિય (ઍક્ચુએટ) કરે છે. વર્મ તથા વીલના દાંતાઓના ગુણોત્તર અને કૅમના ગુણોત્તરના ગુણાકારને કારણે વધુ યાંત્રિકી શક્તિ ઉત્પન્ન થતી હોવાથી વધુ પકડ ક્ષમતાનો લાભ મળે છે.

3_1  H x W: 0 x


4_1  H x W: 0 x 
 
અત્યાર સુધીની યાત્રા
અમે જ્યારે હસ્તચલિત ચક બનાવવાની શરૂઆત કરી, ત્યારે કાસ્ટિંગ અને ફોર્જિંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ પાર્ટ ક્યારેય એક સરખા, સમાન બનતા ન હતા. બાહ્ય વ્યાસ કયારેય પૂર્ણ રૂપે વક્રાકાર મળતો ન હતો. એ કારણે આવા પાર્ટની અનિયત સપાટીઓને પકડવાનું બળ સહન કરનારા અને સાથે સાથે 3 અથવા 5 મિમી. ખાંચો કરવા માટે મજબૂત પકડ હોય તેવા ચકની જરૂર પડતી હતી. આવા ચક બજારમાં વેચવા એ પણ એક અલગ જ પ્રકારનો પડકાર હતો. સ્ક્રોલ ચકની કિંમત કૅમ ચકની કિંમત કરતાં અડધી હતી. પણ અમારી દૃઢતા, વિવિધ પરીક્ષણો દ્વારા ગ્રાહકોને અમારા ઉત્પાદનના લાભો વિશે જાગૃત કરવાની ક્ષમતા અને ટેક્નિકલ સહાય પ્રદાન કરવાને કારણે અમે સફળતા પ્રાપ્ત કરી હતી.
1966 માં અમારા ચકનો નમૂનો તૈયાર થયો. અમે સી.એમ.ટી.આઈ. અને એચ.એમ.ટી. માં એનું પરીક્ષણ કરાવડાવ્યું અને આયાત કરવામાં આવેલ અન્ય ચકની તુલનામાં અમારા ચકની કામગીરી અત્યંત સારી રહી. એ ચક આજે પણ અમારા ઉત્પાદનની શ્રેણીનો હિસ્સો છે, પરંતુ એનાથી જ અમને પાવર ચક તથા અન્ય વિવિધ ઉત્પાદ બનાવવા માટે ઉપયોગી અનુભવ પ્રાપ્ત થયેલ છે.
પાવર ચકનું નિર્માણ
60 ના દશકના અંતમાં અમારી પાસે એક વ્યાવસાયિક અને પરિપક્વ ડિઝાઈન વર્ક ગ્રુપ હતો. 1971 માં અમે ગોળ ફરનાર ન્યૂમૅટિક અથવા હાઈડ્રૉલિક સિલિન્ડર દ્વારા ક્રિયાન્વિત થનાર પાવર ઑપરેટેડ ચક (મૉડલ પી.એસ.) વિકસિત કર્યા. તેઓ પગ અથવા હાથથી સંચાલિત સ્વિચો દ્વારા ચલાવવામાં આવે છે. આ સુવિધાને કારણે શ્રમિકોને થાક લાગતો નથી અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે. સ્પિન્ડલની મહત્તમ ગતિ 2000 આર.પી.એમ. વાળા ચકર અને ટરેટ લેથ માટે આવા ચક અને ઍક્ચુએટર વિકસિત કર્યા હતા.
મોટેભાગે એનો વધુ ઉપયોગ, ટેલ્કો, બજાજ ઑટો, બજાજ ટેમ્પો, કે.એસ.બી. વગેરે કંપનીઓમાં કરાવામાં આવ્યો. આ કંપનીઓની વિનંતી પર અમે આયાત કરેલ ચક અને સિલિન્ડરની બરાબરી કરી શકે તેવા ચક તથા સિલિન્ડર આપ્યા.
1989 માં અમે હૉલો હાય સ્પીડ પાવર ઑપરેટેડ ચક (મૉડલ પી.એચ.એન.સી.) અને સેફ હૉલો હાય સ્પીડ હાઈડ્રોલિક રોટેટિંગ સિલિન્ડરનું ઉત્પાદન શરુ કર્યું. આ ચક અને સિલિન્ડર 4000 તથા એનાથી પણ વધુ આર.પી.એમ. પર ચાલવામાં સક્ષમ છે. અમે વિકસિત કરેલ અન્ય ચક નીચે મુજબ છે:
1. તેલ ઉત્પાદક દેશો માટે ઉપયોગી લેથમાં તેલની નળીઓ તથા પંપ માટે કેસિંગ પાઈપના યંત્રણ માટે ન્યૂમૅટિકલી ઑપરેટેડ ફ્રંટ એન્ડ ચક.
2. વિભિન્ન પ્રકારના કૉલેટ ચક (ચિત્ર ક્ર. 4) અને ઍક્સ્પાન્ડિંગ મૅન્ડ્રેલ (ચિત્ર ક્ર. 5)
3. ઑટો તથા અર્થ મૂવિંગ ઉદ્યોગ માટે ફ્રિક્શન વેલ્ડિંગ ચક.

5_1  H x W: 0 x
ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે બનાવેલ કાર્યવસ્તુ પકડવાનું સાધન
વાહન ઉદ્યોગ માટે જરૂરી મોટાભાગના પાર્ટ માટે વિશેષ બનાવટના ચક અમે બનાવીએ છીએ. જે પાર્ટનું યંત્રણ કરવાનું હોય તે પાર્ટની ડિઝાઈન તથા ડ્રૉઈંગ, ગ્રાહક જ અમને આપતા હોય છે. અમે એ પાર્ટના યંત્રણ માટે જરૂરિયાત મુજબ યોજના તૈયાર કરીએ છીએ અને એક વિશેષ ચક આપે છીએ. એમાં બૉલ લૉક ચક (ચિત્ર ક્ર. 6), ગ્રિપ ડાઉન ચક, હાઈડ્રોલિક ટ્વિસ્ટ ફિંગર ચક (ચિત્ર ક્ર. 7) તથા અન્ય પ્રકારના વિશેષ ચક હોય છે.

6_1  H x W: 0 x
અમારા કેટલાક વિશેષ નિરાકરણો
વાહન ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા વાલ્વની બૉડી અને યુનિવર્સલ ક્રૉસના યંત્રણ માટે અમે પાવર પર ચાલતા હેન્ડ ઈન્ડેક્સિંગ અર્ધ-સ્વચાલિત (ચિત્ર ક્ર. 8) વિશેષ ચક બનાવીએ છીએ. પાવર ઈન્ડેક્સિંગ ચક વાહન ઉદ્યોગમાં પાર્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. યંત્રણ દરમિયાન એમાં જ ઈન્ડેક્સિંગ હોવાને કારણે ઉત્પાદકતા વધે છે. 4 x 900 અથવા 3 x 1200 નું યંત્રણ એક જ સેટઅપમાં કરવા માટે આ ચક ઉપયોગી સાબિત થાય છે. એ એમના માટે સમર્પિત ડિસ્ટ્રિબ્યૂટર તથા હાઈડ્રૉલિક પાવર પૅકની સહાયતાથી કાર્ય કરે છે.

7_1  H x W: 0 x
મોટા આકારના વાલ્વના ભાગ માટે પાવર ઈન્ડેક્સિંગ ચક (ચિત્ર ક્ર. 9) વધુ મોંઘા હોવાને કારણે અમે હઁડ ઈન્ડેક્સિંગ અર્ધ-સ્વચાલિત વિષેશ પાવર ચક બનાવ્યા. કાર્યવસ્તુનો મોટાભાગનો વિસ્તાર ચકની બૉડીની અંદર પકડાવાને કારણે એનો ઓવરહઁગ ઓછો થાય છે. એની પકડવાની તથા પોઝિશન લૉક કરવાની ક્રિયા પાવર દ્વારા જ થાય છે અને ઈન્ડેક્સિંગ હાથ દ્વારા કરાવામાં આવે છે.
મોટાભાગના પાર્ટનું કલૅમ્પિંગ ચકની બહાર જ કરીને તથા એમનું ડાયનૅમિક બૅલન્સિંગ કરીને જ, એ યંત્રણ માટે તૈયાર કરીને રાખવામાં આવે છે. આ ચક 440, 550 અને 900 મિમી. ના વ્યાસમાં ઉપલબ્ધ છે.
અમારા વ્યવસાય પર એક નજર
અમારી પાસે કુલ 285 લોકોનું જૂથ છે. એમનામાંથી 12 વ્યક્તિ સૉલિડ વર્ક્સ અને FEA ની સુવિધાનો ઉપયોગ કરીને સ્ટૅન્ડર્ડ તથા અમુક વિશેષ પ્રકારની ડિઝાઈન માટે કામ કરે છે. શરૂમાં અમારું ઉત્પાદન વધુ ન હતું. ત્યારે અમે વાર્ષિક ધોરણે લગભગ 1000 ચક બનાવતા હતા. હવે વાહન ઉદ્યોગમાં વૃદ્ધિ થવાને કારણે અમે પણ અમારી નિર્માણ ક્ષમતા વધારીને 4000 સુધી પહોંચાડી છે. એમાં મૅન્યુઅલ ચકનું પ્રમાણ ઓછુ હોય છે પણ એચ.એમ.ટી.ના લેથમાં જી.એમ.ટી. ના મૅન્યુઅલ ચકનો જ ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય અમારું 15 % ઉત્પાદન વિશેષ પ્રકારના ચકનું હોય છે. પાછલા 60 વર્ષોની અમારી આ યાત્રામાં અમે ભારતના બજારમાં લગભગ 60,000 ચક અને 9,500 સિલિન્ડર વેચ્યા છે.
મૅન્યુઅલ અને પાવર ચક સિવાય અમે હાયડ્રૉલિક રોટરી ઈન્ડેક્સિંગ ટેબલ, સિંગલ સાઈડ લૅપિંગ અને પ્લૅનેટરી લૅપિંગ મશીન, ઍબ્રેઝિવ બેલ્ટ ગ્રાઇન્ડિંગ મશીન અને સી.એમ.એમ. જેવા મશીન પણ તૈયાર કરાયે છે.
સંશોધન અને વિકાસ (R&D)
સંશોધન અને વિકાસ, હંમેશા જ કંપનીની ઉત્પાદન પ્રક્રિયાનું અભિન્ન પાસુ રહ્યું છે. આરંભથી જ અમારા ડિઝાઈનર્સ, ગ્રાહકો સાથે નિરંતર સંવાદ સાધી એમની જરૂરિયાતો પૂર્ણ કરવા ઉત્તમ ગુણવત્તાનું ઉત્પાદન બનાવવા માટે, પરીક્ષણ અને વેચાણ જેવા તમામ વિભાગો સાથે સંપૂર્ણ સાથ અને સહકારથી કામ કરે છે. ફળસ્વરૂપે, વિકાસ તથા નવી યોજનાઓને અમલમાં મૂકવી આ એક નિરંતર પ્રક્રિયા હોવાના કારણે અમારે ત્યાં સંશોધન અને વિકાસ વિભાગ માટે અલગ બજેટ ફાળવાયું નથી.
પ્રૉડક્શન મેનેજમેન્ટ
ચકના નિર્માણ માટે અમારી પાસે બધા પ્રકારના મૂળભૂત તથા અદ્યતન મશીનો છે. ચકના નિર્માણ માટેની અમારી સંકલિત વ્યવસ્થામાં આર.એમ. ટેસ્ટિંગ, સી.એમ.એમ., ટૂલ રીગ્રાઈન્ડર, સી.એન.સી., વી.એમ.સી., પકડવાની ક્ષમતાના માપનની સુવિધા, ડાયનેમિક બૅલન્સિંગ, પોતાનો જ સ્પેશલ પર્પઝ ઇન્ડકશન હાર્ડનિંગ હીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે. અમે પોતે પણ ચક માટે કેટલાક મહત્ત્વપૂર્ણ એસ.પી.એમ. બનાવ્યા છે. જેમ કે, વેજ પ્રકારના ત્રણ જૉ વાળા ચકની નિર્મિતિમાં ચકની બૉડીમાં T આકારના ખાંચાનું (T સ્લોટ) ગ્રાઇન્ડિંગ કરવાનું એક મહત્ત્વપૂર્ણ કામ હોય છે. એ માટે અમે બે સ્પિન્ડલવાળું અને ઊભી સપાટીનું ગ્રાઇન્ડિંગ કરવાવાળું મશીન બનાવ્યું છે. આ મશીનમાં એક ગ્રાઇન્ડિંગ વીલ T ખાંચાના ઊભા ભાગને ગ્રાઈન્ડ કરે છે. જ્યારે બીજું વીલ આડા ભાગને અને માથાના ઊભા ભાગને ગ્રાઈન્ડ કરે છે. (ચિત્ર ક્ર. 10) ચકની બૉડીમાં બનાવેલ ખાંચાની 120° ની કોણીય ચોકસાઈ પ્રાપ્ત કરવા માટે હાયડ્રૉલિકલી ઑપરેટેડ ઈન્ડેક્સિંગ ટેબલનો ઉપયોગ કરીએ છીએ (ચાપ એટલે આર્કની સચોટતા +/- 3 સેકંડ). આ કારણે જરૂરી સચોટતા અને ઉત્પાદન ક્ષમતા બન્ને પ્રાપ્ત થાય છે. અમારા કારખાનામાં આવા ચાર મશીનો કાર્યરત છે.
જૉના સંચલનની વિશ્વનીયતા અને બમણી ક્ષમતા કાયમ રાખવા નિચલા જૉની પ્લેટના ખાંચાની ગ્રાઇન્ડિંગ અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. આના માટે અમારા દ્વારા જ બનાવવામાં આવેલ ક્રીપ ફીડ ગ્રાઈન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ડાયમંડ વીલ બેસાડવામાં આવેલ હોય છે.

8_1  H x W: 0 x
ગુણવત્તા મેળવવાની પદ્ધતિ
ગુણવત્તા પ્રાપ્ત કરવાની અમારી પ્રક્રિયા પરિપક્વ છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રોજીંદા પરીક્ષણ ઉપકરણો ઉપરાંત અમારી પાસે જૉ ફોર્સ ઍનૅલાઇઝર અને બૅલન્સિંગ મશીન છે. ઘણા ખરા પાર્ટનું પરીક્ષણ જી.એમ.ટી. ના સી.એમ.એમ. પર જ કરવામાં આવે છે. સ્પેક્ટ્રોમીટર દ્વારા કાચા માલનું પરીક્ષણ એ અમારી ગુણવત્તાની ખાતરી તરફ પ્રથમ પગલું છે. અમારા કર્મચારીઓ કાર્યકુશળ અને ટેકનિકલ દૃષ્ટિએ સક્ષમ છે. અમારા ઉત્પાદનોની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય માપદંડોની સમકક્ષ છે. અમારી આ યાત્રા ખરેખર અદ્દભૂત હતી અને ભવિષ્યમાં અમારી સાથે ચાલવા માટે આપ સૌને આમંત્રણ છે.
Powered By Sangraha 9.0