29 ડિસેમ્બર, 2020 એ ‘ઉદ્યમ’ અને સમગ્ર મશીન ટૂલ ઉદ્યોગ માટે આઘાતજનક દિવસ હતો. મશીન ટૂલ મૅન્યુફૅક્ચરિંગ અને તેમાં પણ તેનું ડિઝાઇન, એ જ પોતાના જીવનકાર્ય માનનારા અશોક સાઠેસાહેબનું તે દિવસે નિધન થયું. છેલ્લી ક્ષણ સુધી પોતાના લક્ષ્ય માટે કામ કરતા આ ઇજનેર અલૌકિક કાર્ય કરતા રહ્યા. તેમણે ભારતીય મશીન ટૂલ ઉદ્યોગમાં પ્રગતિ ઑટોમેશન, ACE ડિઝાઇનર્સ અને ત્યાર બાદ ACE માયક્રોમૅટિક્સ ગ્રૂપ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓનું શૂન્યમાંથી સર્જન કર્યું, એ કંપનીઓને મોટા પાયે વિકસિત કરી, તેમ છતાં ભારતીય ઉદ્યોગને વિશ્વમાં શ્રેષ્ઠ કેવી રીતે બનાવવું એ વિચાર તેમના હૈય્યામાં સતત વસતો રહ્યો. આ માટે, તેમણે ઘણા યુવા ઉદ્યોગસાહસિકો, કેટલીકવાર સ્પર્ધકોને પણ ઉદારતાથી મદદ કરી. ‘અમારા ઉદ્યોગસાહસિકો વિદેશી લોકો કરતા કંઈ ઓછા નથી. 200 વર્ષની બ્રિટીશ ગુલામીને લીધે આપણા મગજમાં અંગ્રેજી ભાષા વિશે બનેલી ગ્રંથીને કારણે આપણા લોકોના મનમાં કંઈક નવું કરવાની જીદ ખતમ થઈ ગઈ છે. તેને પુનર્જીવિત કરવા માટે માતૃભાષામાં શિક્ષણ મેળવવું જરૂરી છે.’ આ તેમની દ્રઢ માન્યતા હતી અને છેલ્લા કેટલાક સમયથી તે માટે તેઓ કાર્યરત હતા.
તેઓ પોતાની માન્યતાઓ અંગે મક્કમ હતા અને તેમના વિચારો અમલમાં મૂકતી વખતે ઘણીવાર સાથીદારો સાથે કોઈપણ ચર્ચા વિચારણા દરમિયાન સૂચવેલ ફેરફાર જો એટલી તાકાતવાળા (આ સાઠે સરનો ખાસ શબ્દ) હોય, તો તેને સ્વીકારવાની ખુલ્લાદિલી પણ તેમની પાસે હતી. આ શુદ્ધ આચારને લીધે તેઓ સાચા અર્થે અજાતશત્રુ બન્યા. જ્યારે સાઠે સરના નામનો ઉલ્લેખ થાય ત્યારે ફક્ત તેમના સહકર્મચારી જ નહિ, પરંતુ સ્પર્ધકો પણ ખુલ્લેઆમ સ્વીકારતા હતા કે ‘સાઠે સર અમારા માટે ગુરૂના સ્થાને છે,’ અને સંગીત ક્ષેત્રની પરંપરા મુજબ કાનને સ્પર્શ કરતા. ધાતુકામ સામયિકના પ્રસંગે મહારાષ્ટ્રમાં ઘણાં નાના અને મોટા મશીન ટૂલ ઉદ્યોગસાહસિકોને મળતા જણાયું કે આ ગુરૂના ઘણાં ‘એકલવ્ય’ જેવા ચેલા છે.
ઉપલબ્ધ સ્થાનિક/વિદેશી તકનીકીને આત્મસાત કરીને તેજસ્વી ભારતીય ઉત્પાદનો બનાવે અને વૈશ્વિક બજારમાં તેની છાપ પાડે એવી સંસ્થાઓ તેઓએ શરૂ કરી. ભારતીય ભાષા એ જ જ્ઞાનની ભાષા બનવી જોઈએ એવી વાતો ઘણા લોકો કરતા હોય છે, પરંતુ આ કાર્ય માટે પોતાનો સમય અને પૈસા આપે એવા સાઠે સાહેબ જેવા કોઈ એક જ હોય છે. આમ તેમણે શરૂ કરેલી ઘણી વિભાવનાઓને અવ્યવહારુ તરીકે જોવામાં આવી. પછી તે ટરેટનું ઉત્પાદન હોય, કે ઑટોમૅટિક ટૂલ ચેંજર (ATC) હોય, કે ચાયનામાં તે જ ઉત્પાદનની ફૅક્ટરી શરૂ કરવા માટેનું પગલું હોય, કે ભારતીય ભાષાઓમાં ઇજનેરી પુસ્તકો અને સામયિકોનું પ્રકાશન! શરૂઆતમાં, 'તમે આ શું કરો છો, આ પ્રૉડક્ટ કોણ લેશે, ચાયનાના નિર્માતાઓની સામે તમે કેવી રીતે ટકી શકશો, આજકાલ મરાઠીમાં વાંચનારા રહ્યા જ નથી,’ જેવી કટાક્ષપૂર્ણ ટિપ્પણીઓ સંભળાવાવાળા ઘણા હતા. પરંતુ સાઠેસાહેબ તેમના વિચારને વળગી રહ્યા અને આજે તેમના પ્રગતિ ઑટોમેશનમાં બની રહેલ ATC નો ભારતમાં હજી પણ વિકલ્પ નથી. તે ઘણા ભારતીય અને મલ્ટિનૅશનલ મશીન ટૂલ્સનો અભિન્ન ભાગ છે, અને ચાયનામાં તે સ્થાનિક ઉત્પાદકો સાથે તીવ્ર સ્પર્ધામાં છે. પ્રથમ મરાઠીમાં શરૂ થયેલ 'ધાતુકામ' સામયિક હવે હિન્દી, ગુજરાતી અને કન્નડ એમ ચાર ભાષાઓમાં પ્રકાશિત થઈ રહી છે અને લગભગ 50,000 ફેક્ટરીઓમાં પહોંચી રહી છે. તેમનો આગ્રહ હતો કે જે પણ કરવું હોય તે મોટા પાયે અને આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે એવું હોવું જોઈએ. અને તે લક્ષ્ય હાંસલ કરવા માટે જે કાંઈ જરૂરી હતું તે કરવા તેઓ તૈયાર હતા.
‘ધાતુકામ’ની હવે પછીથી યાત્રામાં સાઠે સર તરફથી કોઈ સીધું માર્ગદર્શન મળશે નહીં, ફોન પર સંપર્ક કર્યા પછી, 'હં..બોલા દેવધર..’ જેવા સહેજ અનુનાસિક અને દિલાસો આપતા શબ્દ સાંભળવા મળશે નહીં, પણ તેઓએ જે પાયો નાખ્યો છે તે એટલો મજબૂત છે કે,"તમે સખત મહેનત કરતા રહો, આપણે ઇતિહાસ રચિયે છીયે." એ એમના શબ્દોને સાચા ઠરાવવા અમારી આગળની યાત્રા પૂર્ણ જોશ સાથે ચાલુ રહેશે.
અમારું માનવું છે કે અમારા બધા વાચકો, લેખકો, જાહેરાતકર્તાઓ અને તમામ સંબંધિત લોકો અમને અમારા પ્રયત્નોમાં જરૂરી સાથ અને સહકાર આપશે.