વિજય દેશમુખ તેમની ઑફિસ પાસેના ખૂણે પહોંચ્યા જ હતા ત્યારે તેમનો મોબાઈલ ફોન રણક્યો. આટલી વહેલી સવારે વિજય ક્યારેય કોઈનો પણ ફોન ઉપાડતા ન હતા. જ્યારથી તેમણે ‘અભિનવ ઈન્ડસ્ટ્રીઝ’ નો ધંધો સંભાળ્યો ત્યારથી, તેમણે સૌથી પહેલા શૉપ ફ્લોરનો રાઉન્ડ લીધા પછી જ ફૅક્ટરીમાં પોતાનો દિવસ શરૂ કરવાના નિયમનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું હતું.
પણ વિજયને ખબર પડી કે અનંતરાવ ઠાકુરે આટલી સવારે બંગળુરુથી ફોન કર્યો છે, તેનો અર્થ કોઈ ખાસ કામ હશે.
વિજયે નમ્રતાથી પૂછયું, “ગુડ મૉર્નિંગ ઠાકુર સાહબ. આજે સવારના પહોરમાં મને કેવી રીતે યાદ કર્યા? “
છેલ્લા 3 વર્ષમાં વિજય દેશમુખની કંપની અભિનવ ઉદ્યોગ અનંતરાવની ‘બાલાજી ઇન્ડસ્ટ્રીઝ’ સાથે વિવિધ પ્રોજેક્ટમાં સમાન ભાગીદાર હતી.
સી.એમ.એમ. બનાવનારી વિશ્વભરની પ્રખ્યાત કંપનીઓ બિઝનેસ મેળવવા માટે સ્પર્ધા કરી રહી હતી, ત્યારે પણ સી.એમ.એમ. બનાવનારી એક ભારતીય કંપની ‘અભિનવ ઉદ્યોગ’ ને, વિજયે 20 વર્ષમાં પોતાની નેતૃત્વ કુશળતા અને ઉત્કૃષ્ટ ટીમવર્ક સાથે પ્રતિષ્ઠિત બનાવી હતી. અભિનવ ઉદ્યોગની ટીમ સાથે નિકાસ પ્રોજેક્ટ્સ અંગેની એક જ બેઠકમાં અનંતરાવ આનંદિત થયા હતા. તેમના ઉદ્યોગને જર્મનીથી મોટા કદના ગિયરબૉક્સનું કાસ્ટિંગ અને યંત્રણ કરવા માટેનો મોટો ઑર્ડર મળ્યો હતો. આ યંત્રભાગોના કામ માટે વિદેશી સી.એમ.એમ. ખરીદવાની જરૂરત હતી. આ મશીનો ઘણી મોંઘી હતી. નવા પ્રોજેક્ટને લગતી બેઠક માટે ઠાકુર સાહેબ વિજયને પણ તેમની સાથે જર્મની લઈ ગયા હતા અને વિજયે ત્યાં અભિનવ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઉત્પાદિત સી.એમ.એમ. વિદેશી સી.એમ.એમ. કરતા વધુ સારા હોવાનું ઉદાહરણ સહિત સાબિત કર્યું હતું. આ કારણે, પ્રોજેક્ટ ખૂબ જ કિફાયતી સાબિત થયો હતો. ત્યારથી ઠાકુર સાહેબ અને વિજય વચ્ચેના સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ બની ગયા હતા. બંને વચ્ચે વ્યાપારિક વાતચીત પણ ખૂબ જ અનૌપચારિક સ્વરમાં થતી હતી.
“વિજય, તમારી કંપનીમાં સૌથી સારો ઍનાલિસ્ટ કોણ છે? તમારે તેને 1 અઠવાડિયા માટે મારી ફૅક્ટરીમાં મોકલવો પડશે.” અનંતરાવે કહ્યું.
વિજયના મનમાં તે જ સમયે મોહનનું નામ આવ્યું. પરંતુ ગ્રાહકોને કોઈપણ પ્રકારની કમિટમેન્ટ આપતા પહેલા વિજય તેમની ટીમ સાથે વાત કરીને મામલો સમજવા માંગતા હતા. એટલા માટે એમને ફોન પર કહ્યું, “સર, હું તમને ચાર કલાકમાં જણાવું છું.” વિજયે ફોન બંધ કરીને ઑફિસમાં પ્રવેશ કર્યો. માર્કેટિંગ ડાયરેક્ટર પવાર સાહેબને ફોન કરીને તેમણે વિષયની પૃષ્ઠભૂમિ સમજાવી અને અડધા કલાક પછી તમામ સંબંધિત લોકોને બેઠક માટે બોલાવવાનો નિર્દેશ આપ્યો.
થોડા સમય પછી વિજય દેશમુખ, માર્કેટિંગ ડાયરેક્ટર પ્રકાશ પવાર અને ગ્રાહક ઇજનેરી ટીમના નેતા મોહન બેઠક રૂમમાં મળ્યા.
“એમડી સરને બંગળુરુથી ઠાકુર સાહેબનો ફોન આવ્યો હતો. ત્યાં બાલાજી ઇન્ડસ્ટ્રીમાં શું પ્રોબ્લેમ આવી રહ્યો છે?” પવારે મોહનને પુછ્યું.
“હું તમને પૂરેપૂરી વાત સમજાવું છું.” મોહને ઓવરહેડ પ્રોજેક્ટર ઉપર એક ગિયરબૉક્સનું ચિત્ર (ચિત્ર ક્ર. 1) દેખાડ્યું.
ચિત્ર ક્ર. 1 : ગિયરબૉક્સ
“આ ગિયર બૉક્સનું કાસ્ટિંગ બાલાજી ઇન્ડસ્ટ્રીઝના બેળગાવી ફાઉન્ડ્રીમાં કરવામાં આવે છે અને પ્રારંભિક પિકઅપનું યંત્રણ કર્યા પછી, તેને વધુ પ્રક્રિયા માટે વર્સેટાઇલ એન્જિનિયરિંગ, પુણે મોકલવામાં આવે છે. પુણેમાં જરૂરી જટિલ યંત્રણ પૂર્ણ કર્યા પછી, તેનું તમામ માપન આપણા સી.એમ.એમ. પર કરવામાં આવે છે. આ ગિયર બૉક્સ પછી બંગળુરુમાં બાલાજીના મશીનિંગ સેન્ટર યુનિટમાં મોકલવામાં આવે છે. ત્યાં બાકીનું યંત્રણ પૂરું કર્યા પછી, પ્રિજર્વેશન અને પૅકેજિંગ પછી, ગિયર બૉક્સ જર્મની મોકલવામાં આવે છે. બંગળુરુમાં પણ સી.એમ.એમ. છે. એના પર, 10 માંથી 1 ગિયરબૉક્સની તપાસણી કરીને ઑડિટ કરવામાં આવે છે. “
“બરાબર, અમે આ ઑર્ડર માટે ગયા વર્ષે વર્સેટાઇલને એક સી.એમ.એમ. વેચ્યું હતું. પણ સમસ્યા શું છે?” પવારે પૂછ્યું.
“આ ગિયરબૉક્સના આગળના એટલે કે ફ્રંટ A ફેસ પર યંત્રણ છે, સાથે જ પાછળ એટલે કે રિયર B પર પણ યંત્રણ છે. આ બંનેના બધા રિપોર્ટ એકદમ બરાબર છે. બંગળુરુની ઑડિટ રિપોર્ટ પણ લગભગ મૅચ થઈ રહી છે. પરંતુ ગયા અઠવાડિયે જ્યારે તેણે તેનું પ્રથમ ઑડિટ કર્યું, ત્યારે એક મહત્વપૂર્ણ માપનના રીડિંગમાં થોડો તફાવત હતો. બીજા બધા રીડિંગ બરાબર છે. બંને જગ્યાએ લીધેલા રીડિંગ કોષ્ટક ક્ર. 1 માં દર્શાવવામાં આવેલ છે.“ મોહને કહ્યું.
કોષ્ટક ક્ર. 1
“આ તફાવત જોયા પછી, તેમણે વર્સેટાઇલ એન્જિનિયરિંગનો સંપર્ક કર્યો, પરંતુ વર્સેટાઇલે ફરીથી તપાસ કરી અને તમામ રીડિંગ સાચા હોવાની પુષ્ટિ કરી. અહીં બાલાજીમાં, જ્યારે પૅક કરેલો પાર્ટ ખોલવામાં આવ્યો અને ફરીથી તપાસ કરવામાં આવી, ત્યારે તે જ તફાવત મળ્યો.” મોહને કહ્યું.
“ઠાકુર સાહેબને લાગે છે કે તેમનું સી.એમ.એમ. વિદેશી છે, તેથી તે સાચું છે, તો વર્સેટાઇલ લોકોનું મશીન ભારતીય છે, તેથી આ તફાવત આવી રહ્યો છે. જો એ વાત સાચી હોય તો, મોટો ખર્ચો કરવો પડશે. એટલા માટે તેઓ ચિંતિત છે. મેં ગઈકાલે તેમની સાથે આ બાબતે વાત કરી છે અને કહ્યું છે કે અમે જલ્દીથી તેનો ઉકેલ લાવીશું. તેમની પાસે 10 ગિયર બૉક્સ નિકાસ માટે પૅક કરીને તૈયાર છે અને આગામી સપ્તાહ માટે કન્ટેનર પણ બુક કરેલું છે. તેથી આપણે આગામી 3 દિવસમાં આ બાબતનો ઉકેલ લાવવો પડશે.” પવારે કહ્યું.
વિજયે થોડી વાર વિચારીને પૂછ્યું, “મોહન, આ અઠવાડિયાનું તારું આયોજન શું છે?”
“સર, આગળના સપ્તાહમાં અમારી સર્વિસ ટ્રેનિંગ છે. એની તૈયારી ચાલી રહી છે. પણ હું આજે બપોરે પુણેમાં વર્સેટાઈલ જઈ અને પછી કાલે સવારે બંગળુરુ જઈ શકું છું. હું પ્રવાસ દરમિયાન ટ્રેનિંગ મટિરિયલ વાંચી લઇશ.” મોહને કહ્યું.
“સરસ” કહીને વિજયે અનંતરાવને ફોન કર્યો.
“હૅલો વિજય, હું જાણતો હતો કે તમે 4 કલાક સુધીની વાત કરી હતી પણ તમારો કૉલ 3 કલાકની અંદર આવશે. બોલો, શું કરવું છે?” ઠાકુરે કહ્યું.
“સર, મોહન કાલે સવારે બંગળુરુ આવશે.”
“ખૂબ સારું, મને લાગે છે કે આ બાબત શક્ય તેટલી વહેલી તકે ઉકેલવી પડશે. હું લક્ષ્મણને કહીશ કે મોહનને એરપોર્ટથી સીધા ફૅક્ટરીમાં લઈ આવે.”
મોહને બપોરના વર્સેટાઇલ એન્જિનિયરિંગમાં ડ્રૉઇંગ, યંત્રણ અને તપાસણીની પદ્ધતિ સમજી લીધી. સવારની પહેલી ફ્લાઇટથી તે બંગળુરુ પહોંચ્યો. બાલાજી ઇન્ડસ્ટ્રીઝના ક્વાલિટી મૅનેજર લક્ષ્મણ તેમની રાહ જોઈ રહ્યા હતા. વચ્ચે ઈડલી અને કૉફીનો વિરામ લઈને બંને ફૅક્ટરી તરફ ચાલ્યા.
“મોહન તમે સવારની ફ્લાઇટથી આવ્યા એ ઘણું સારું કર્યું. કારણ કે એકવાર સવારનો ટ્રાફિક બેંગલુરુમાં શરૂ થાય એ પછી એરપોર્ટથી ફૅક્ટરી પહોંચવામાં 3:30 કલાક લાગે છે. હમણા આપણે દોઢ કલાકમાં જ પહોંચી જશું. જો તમને વાંધો ન હોય, તો ઠાકુર સાહેબને ફક્ત નમસ્કાર કરીને, આપણે સીધા અમારી લૅબમાં જઈશું. કારણ કે મને લાગે છે કે આ સી.એમ.એમ. ની સમસ્યા નથી. અને જો આ તમામ ગિયરબૉક્સ નામંજૂર કરવામાં આવ્યા તો તેમને પાછા મશીનિંગ માટે પુણે મોકલવા પડશે. એમાં ઘણો સમય વેડફાશે. અમારા કનસાઇનમેન્ટની તારીખ નજીક છે તેથી બધા ચિંતિત છે.” લક્ષ્મણે કહ્યું.
મોહને આ સ્વીકાર્યું અને ઔપચારિકતા પૂરી કર્યા પછી, બંને બાલાજી ઇન્ડસ્ટ્રીઝની લૅબમાં પહોંચ્યા. “આપણે તમારા દ્વારા લેવામાં આવેલા માપને એકવાર તપાસીએ અને વર્સેટાઇલના માપને પણ ચકાસીએ લઈએ.” મોહને સુચવ્યું. બંનેએ બધા માપ એકવાર ચકાસ્યા.
“વર્સેટાઇલ ગિયરબૉક્સનું રીડિંગ સામાન્ય રીતે એક રેંજમાં છે. આનો અર્થ એ છે કે તેમની કામગીરી અને કાર્યક્ષમતા બંને સારી છે. પરંતુ આ બધા રીડિંગ અને બાલાજીમાં લેવામાં આવેલા એક રીડિંગ વચ્ચે શું તફાવત છે?” મોહને પૂછ્યું.
“આ ગિયર બૉક્સના ફ્રન્ટ A ફેસ અને પાછળના B ફેસ પરના બાકીના રીડિંગ રેન્જમાં છે. પરંતુ આ બે થી સંબંધિત બોઅરનું કાટખૂણે માપ (આગળના ફેસ પરથી ચોરસતા) મર્યાદાની બહાર લાગે છે. A ફેસ ઉપર 400 મિમી. ના બોઅરનું જે બાહ્ય ફેસ છે, એ ફેસની સાથે B ફેસ પર સ્થિત 100 મિમી. બોઅરની સેંટર લાઈન (હોલ પોઝિશન), 60 માયક્રૉન ચોરસતામાં હોવી જોઈએ. આ રીડિંગ લગભગ 100 માઇક્રોન જેટલું દેખાય છે. આનો અર્થ એ કે ઑપરેશનમાં કેટલાક સુધારા કરવા પડશે.” લક્ષ્મણે કહ્યું.
“પાર્ટ ડ્રૉઇંગ મુજબ તમે બધા રીડિંગ લીધા છે, ખરું ને?” મોહને સી.એમ.એમ. ના ટેકનીશિયન રાજુને પૂછ્યું. “હાં સર, મેં આ પ્રિન્ટઆઉટ અને રીડિંગ દર્શાવતું કોષ્ટક પણ રાખ્યું છે.” રાજુએ જવાબ આપ્યો.
“શું આપણે એક ગિયરબૉક્સની ફરીથી ચકાસણી કરીએ?” મોહને સુચવ્યું, “આખો પ્રોગ્રામ એકવાર ફરીથી ચલાવીએ.”
ગિયર બૉક્સ સેટ કરીને થોડા જ સમયમાં, રાજુએ મશીન પર પ્રોબ લગાવ્યો અને આખું સ્કૅનિંગ શરૂ કરી દીધું. આશરે 30 મિનિટમાં ફરીથી તમામ માપ લેવાયા. મોહન આ બધું ધ્યાનથી જોઈ રહ્યો હતો. વચમાં તેના ધ્યાનમાં કંઈક આવ્યું, પણ તમામ માપનો થાય ત્યાં સુધી તે કંઈ બોલ્યો નહીં. માપનનો રિપોર્ટ લીધા બાદ તમામ લોકો ફરી એકઠા થયા. બધા રિપોર્ટ, પહેલાના રિપોર્ટ જેવા જ દેખાતા હતા.
પુનરાવર્તન સંબંધિત નાના તફાવતો સિવાય, અન્ય તમામ માપ કોષ્ટક નં. 2 સાથે મેળ ખાતા હતા.
કોષ્ટક ક્ર. 2
“તમે વચ્ચે પ્રોબ બદલતા નથી?” મોહને પૂછ્યું.
“ના. સર ગિયરબૉક્સ ઘણો મોટો છે અને મોટાભાગના રીડિંગ ફેસ A અને B પર જ છે. એટલા માટે અમે એક બાજુથી A ફેસના બધા રીડિંગ પૂરા કરીએ છીએ, સાઇડના નાના રીડિંગ લઈએ છીએ. પછી બીજી તરફથી ફેસ B નું રીડિંગ લઈને ચકાસણી રોકી દઈએ છે.“ રાજુએ કહ્યું.
“પરંતુ તમે હેડ ઇનપુટ ફેસ અને આઉટપુટ બોઅરની ચોરસતાને કેવી રીતે માપો છો?” મોહને પૂછ્યું.
“સર, A સાઇડના બધા ફેસ તથા બોઅરના રીડિંગ અને B સાઇડના બધા ફેસ તથા બોઅરના રીડિંગથી, પ્રોગ્રામમાંથી ચોરસતાની વૅલ્યુ મળી જાય છે.“ રાજુએ કહ્યું.
“મશીન પર લગાવેલો આ પ્રોબ લગભગ 150 મિમી. લાંબો છે. તમારી પાસે સૌથી લાંબા પ્રોબની લંબાઈ કેટલી હશે?” મોહને પૂછ્યું.
“અમારી પાસે સૌથી લાંબા પ્રોબની લંબાઈ 250 મિમી. છે.” લક્ષ્મણે કહ્યું.
ચિત્ર ક્ર. 2 : નાના પ્રોબ સાથે માપન
“આ ગિયરબૉક્સની પહોળાઈ 400 મિમી. છે. આપણને ઓછામાં ઓછા 400 મિમી. ના પ્રોબની જરૂર છે. ક્યાં મળશે?” મોહને પૂછ્યું.
“આ ઔદ્યોગિક ઇસ્ટેટમાં જ રેલવે ઉદ્યોગ માટે પાર્ટ બનાવવામાં આવે છે. તેમની પાસે મોટું સી.એમ.એમ. અને પ્રોબ છે. ઠાકુર સાહેબ, જો તેમના કોઈ મિત્રને ફોન કરે અને તેમને પૂછે, તો મળી શકે છે. પરંતુ આટલો મોટો પ્રોબ કેમ? તેના પર ખૂબ કંપન થશે.” લક્ષ્મણે કહ્યું.
“આપણે પહેલા લાંબા પ્રોબ સાથે ટ્રાયલ લઈએ, જોઈએ શું થાય છે.” મોહને સુચવ્યું.
“હું સર સાથે વાત કરું છું અને પ્રોબની વ્યવસ્થા કરું છું. બપોર સુધીમાં કદાચ મળી જાય. ત્યાં સુધીમાં આપણે જમી લઈએ.” લક્ષ્મણે કહ્યું.
જમીને બધા પાછા આવ્યા. ત્યાં સુધીમાં નવા પ્રોબનું બૉક્સ ટેબલ પર હતું.
“ઠાકુર સાહેબના મિત્રોને કારણે, કામ એક ક્ષણમાં થઈ જાય છે!” લક્ષ્મણે કહ્યું અને રાજુએ કાળજીપૂર્વક પ્રોબને પ્રોબિંગ સ્ટેશન પર બેસાડ્યું. મોહને તે બંને સાથે પરામર્શ કરીને કાર્યક્રમમાં જરૂરી ફેરફાર કર્યા.
“હવે પહેલા તમે લોકો પ્રોબ પહેલાના રીડિંગ તપાસો. તે પછી માત્ર 400 મિમી. બોઅરના ફેસના રીડિંગ લો અને એ પ્રોબને સીધું અંદર જવા દો. આગળના 100 મિમી. બોઅરની મધ્ય રેખા કાઢી અને તેની ચોરસતાનું રીડિંગ લો”. મોહને કહ્યું.
ચિત્ર ક્ર. 3 : લાંબા પ્રોબ સાથે ફેસનું માપન
“અરે, આ રીડિંગ તો એકદમ બરાબર છે. પહેલા શું થયું હતું?” રાજુએ આશ્ચર્યમાં પૂછ્યું. (કોષ્ટક ક્ર. 3 જુઓ)
કોષ્ટક ક્ર. 3
“આપણે રીડિંગના ત્રણ સેટ લઈશું અને પછી બેસીને વાત કરીશું.” મોહને કહ્યું.
કૉનફરન્સ રૂમમાં કૉફી પીતા પીતા મોહને કહ્યું, “સૌથી પહેલા આપળે આ ગિયરબૉક્સનું કામ સમજવું પડશે. આના A ફેસ પર જે 400 મિમી. નો બોઅર છે, એમાં પાવર ઇનપુટ બેસાડવામાં આવે છે. એમાં હાઉસિંગ બેઅરિંગ ઉપર સ્થિત આઉટપુટ શાફ્ટ અને એના પર 300 મિમી. નું એક મોટું ગિયર અને એની આગળ બે નાના ગિયર ફિટ કરેલા હોય છે. B ફેસ પર બનેલા 100 મિમી. ના બોઅરમાં આ આઉટપુટ શાફ્ટ એક બેઅરિંગની મદદથી ફીટ કરેલું હોય છે. આ રીતે A ફેસ પર ફિટ થનાર હાઉસિંગ અને શાફ્ટની અલાઇનમેન્ટ બરાબર થાય છે.”
“હા, આ બાબતની જાણકારી અમને છે.” લક્ષ્મણે કહ્યું.
“દરેક પાર્ટ, એનું વાસ્તવિક કામ ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલું હોય છે. પાર્ટને કેવી રીતે યંત્રણ કરવાનો છે તે નક્કી કરતી વખતે, ડ્રૉઇંગ અને ફૉર્મ ટૉલરન્સને સમજીને, મશીનિંગની પદ્ધતિ અને વિવિધ પગલા તે મુજબ નક્કી કરવામાં આવે છે. જ્યારે આપણે આ કરીએ છીએ, ત્યારે સૌપ્રથમ આપેલ ટૉલરન્સનો અર્થ અને હદ સમજવી જરૂરી છે. એના પછી જ પાર્ટનું યંત્રણ કરવામાં આવે છે. મોટાભાગના ઉદ્યોગોમાં આ કામ ‘મૅન્યુફૅક્ચરિંગ એન્જિનિયરિંગ’ વિભાગ દ્વારા કરવામાં આવે છે. ગઈ કાલે હું અહીં આવતા પહેલા વર્સેટાઈલ એન્જિનિયરિંગમાં ગયો હતો. ત્યાં યંત્રણ કરતી વખતે પણ, A ફેસ અને B ફેસ પર ગોળાકાર બોઅર થનારું યંત્રણ એક જ સેટઅપમાં કરવામાં આવે છે. ત્યાં, સી.એમ.એમ. પર પરીક્ષણ કરતી વખતે, લાંબા પ્રોબની મદદથી ચોરસતા માટે ચોક્કસ પરીક્ષણ થાય છે.” મોહને કહ્યું.
“પરંતુ અમે આ પ્રોગ્રામનો ઉપયોગ કર્યો કારણ કે અમારી પાસે તે લાંબો પ્રોબ ન હતો અને ટૂંકા પ્રોબ સાથે પરીક્ષણ કરવું શક્ય હતું. મારા મનમાં પ્રશ્ન એ છે કે આ બે વચ્ચેના તફાવતનું કારણ શું છે? નાના પ્રોબ વડે પણ ચોક્કસ ચકાસણી થઈ શકે છે અને તેમાં કંપન પણ નથી થતા.” લક્ષ્મણે કહ્યું.
“આ બે રીડિંગમાં જોવા મળતા તફાવતનું એક જ કારણ હોઈ શકે છે. નાના પ્રોબ વડે તમામ ચકાસણીઓ કરતી વખતે, રીડિંગની અનિશ્ચિતતા સહેજ વધે છે કારણ કે તે પ્રોબ પાર્ટની આસપાસ ફરીને પછી આગળના ફેસ પર જાય છે. લિનીયર રીડિંગમાં એની અસર એટલી નોંધનીય નથી, પરંતુ, જટિલ માપણીઓ કરતી વખતે આ અલગ અલગ પગલાના રીડિંગ અને કુલ અનિશ્ચિતતા ભેગી થવાથી માપન ખોટું થઈ શકે છે, એવું લાગે છે.” મોહને સમજાવ્યું.
“અરે વાહ!” પાછળથી અવાજ સંભળાયો. અનંતરાવ ઠાકુરની હાજરી કોઈના ધ્યાનમાં આવી નહોતી. “એનો મતલબ છે કે બધા ગિયરબૉક્સ બરાબર છે!” એમને કહ્યું.
“હવે આપણે પહેલા 400 મિમી. નો પ્રોબ મંગાવીએ અને વર્સેટાઈલ લોકોને પણ કહી દો કે તેમના કામમાં કોઈ સમસ્યા નથી.”
ચિત્ર ક્ર. 4 : મોટા પ્રોબ સાથે બોઅરનું માપન
“યસ સર, હું આજે જ આ કામ કરું છું. મોહન અહીં આવવાથી ટૂંક સમયમાં મામલો ઉકેલાઈ ગયો. એક સમયે અમને એવું પણ લાગ્યું હતું કે અમારું સી.એમ.એમ. વિદેશી છે અને વર્સેટાઈલનું અભિનવ પાસેથી લીધેલું છે, એટલે તો શું માપનમાં કોઈ ભૂલ નથી ને? પરંતુ હવે તે શંકાઓ દૂર થઈ ગઈ. તે ખૂબ સારું થયું.” લક્ષ્મણ મોહન તરફ જોઈને હસ્યા અને કહ્યું.
“સર, હું કાલે સાંજે પાછો જવાનો હતો પણ હવે મામલો ઉકેલાઈ ગયો છે તો શું હું આજે રાત્રે કે કાલે સવારે પાછો જઈ શકું?” મોહને પૂછ્યું.
“અલબત્ત, કોઈ સમસ્યા નથી. હું આજે જ વિજય દેશમુખને ફોન કરીને કહું છું કે હું આજે જ તમારો હીરો પાછો મોકલી રહ્યો છું. અહીંના ઔદ્યોગિક ઈસ્ટેટમાં પાંચ થી છ જગ્યાએ સી.એમ.એમ. નો ઉપયોગ થાય છે. ભવિષ્યમાં ક્યારેક અમે તે બધાની એક બેઠકનું આયોજન કરીશું અને તેમાં તમે તમારા અનુભવના આધારે ટ્રેનિંગ આપશો...ઠીક છે?”
“જરૂર સાહેબ...આભાર” મોહને નમ્રતાપૂર્વક કહ્યું. એક જટિલ સમસ્યાનો ઉકેલ શોધ્યાનો સંતોષ તેના ચહેરા પર દેખાતો હતો.
(ટેકનિકલ જાણકારી : મોમીન એ. વાય., ઍપ્લિકેશન ઍન્ડ ટ્રેનિંગ હેડ, ઍક્યુરેટ ગેજિંગ ઍન્ડ ઈન્સ્ટ્રુમેન્ટ પ્રા. લિ.)
9764955599
achyut.medhekar@gmail.com
અચ્યુત મેઢેકર મેકૅનિકલ એન્જીનિયર છે અને ઉત્પાદન તથા ક્વાલિટી કંટ્રોલ ક્ષેત્રનો લગભગ 42 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.