ડ્રિલિંગ જિગ ફિક્શ્ચર : 5

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    23-Nov-2021   
Total Views |
જિગ્જ અને ફિક્શ્ચર્સને સમર્પિત આ લેખમાળાના આ પુષ્પમાં ટર્નઓવર ડ્રિલિંગ જિગ ફિક્શ્ચરની વિગતવાર માહિતી વાંચવા મળશે.
Drilling jig fixtures: 5_
 
ઑક્ટોબર 2021 ના લેખમાં આપણે પૉટ ટાઈપ જિગ વિશે અભ્યાસ કર્યો. આ લેખમાં આપણે એક બાજુથી બીજી બાજુ ફેરવવાના એટલે કે ટર્નઓવર ફિક્શ્ચરનો અભ્યાસ કરશું.
 
ધારી લો કે કાર્યવસ્તુમાં આપણે 4 મિમી. અને 6 મિમી. વ્યાસના બે છિદ્ર, X તથા Y બે દિશામાં કરવા છે. કાર્યવસ્તુનો D વ્યાસ H7 ટૉલરન્સમાં નિયંત્રિત કરવામાં આવ્યો છે. એટલા માટે આ જ વ્યાસ પર કાર્યવસ્તુ લોકેટ કરેલી છે. કાર્યવસ્તુનો આકાર નાનો હોવાથી આ ફિક્શ્ચર પણ નાનું છે. એની સાથે, મોટા છિદ્રનો વ્યાસ 6 મિમી. હોવાથી જિગ હાથેથી પકડીને યંત્રણ કરી શકાય છે. આનાથી જિગ ક્લૅમ્પિંગની જરૂરત નથી પડતી.
 
ચિત્ર ક્ર. 1 માં ટર્નઓવર ફિક્શ્ચર દેખાડવામાં આવ્યું છે. આપણે તેના વિવિધ ભાગોના કાર્ય અને તેની જરૂરિયાતો વિશે જાણીશું. ધ્યાનમાં રાખો કે ડ્રૉઈંગ કરતી વખતે કોઈપણ ભાગ કે લાઈન બિનજરૂરી હોતી નથી/હોવી પણ ન જોઈએ.
 
1. લોકેટર
ચિત્ર ક્ર. 1 માં આપ લોકેટર જોઈ શકો છો. આ લોકેટર અને કાર્યવસ્તુમાં H7/G6 ફિટ છે, જેને ગાઈડ ફિટ પણ કહેવાય છે. આ લોકેટરને કેસ હાર્ડનિંગ અને ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. આનું કઠણપણું (હાર્ડનેસ) લગભગ 60+/- 2HRC રાખવું જોઈએ. એના માટે કેસ હાર્ડ થનારા મટિરિયલનો (20MnCr5 અથવા 16MnCr5) ઉપયોગ કરવો જોઈએ. આને કેસ હાર્ડ કેમ કરવામાં આવે છે? જો એને પૂરેપૂરું હાર્ડ કરવામાં આવે તો,

Turnover fixtures_1 
 
ચિત્ર ક્ર. 1 : ટર્નઓવર ફિક્શ્ચર
 
1. બંને બાજુના આંટા કઠણ બનશે, જેના કારણે તેમાં ક્રૅક પડી શકે છે. આ ક્રૅકની આપણને જાણ પણ થતી નથી. એટલા માટે આંટા ધરાવતા ભાગ કઠણ કરવા હોય, તો કેસ હાર્ડ અથવા ફ્લેમ હાર્ડ કરવા જોઈએ. ફ્લેમ હાર્ડ કરતી વખતે જે ભાગ પર કઠણપણું જરૂરી છે, એટલો ભાગ જ કઠણ કરવો જોઈએ. આંટાવાળા ભાગને ફ્લેમ હાર્ડ કર્યા વગર નરમ જ રાખવો જોઈયે.
 
2. કઠોર આંટાથી ક્લૅમ્પિંગ નટનો ઘસારો વધુ થાય છે. એટલા માટે આંટા નરમ રાખવામાં આવે છે. તે એક સામાન્ય સંકેત છે કે આંટા બનાવતી વખતે જ તે ભાગને સખ્ત બનાવવો જોઈએ. લોકેટરનો વ્યાસ (g6) નિયંત્રિત થાય છે કારણ કે કાર્યવસ્તુ D વ્યાસ પર બેસાડેલી છે. આનાથી 4 અને 6 મિમી. વ્યાસના છિદ્ર, D વ્યાસ સાથે (ચિત્ર ક્ર. 2) સમકેન્દ્રિય હશે. સાથે જ, કાર્યવસ્તુની સપાટી લોકેટર X1 સપાટીને અડાડીને ક્લૅમ્પ કરવાથી 40.00 +/-0.05 મિમી. નું સચોટ માપ મળે છે. વ્યાસ d1 અને D આ બંને સમકેન્દ્રિય અને X સપાટીના સમકોણે છે.

Work item_1  H
 
ચિત્ર ક્ર. 2 : કાર્યવસ્તુ
 
2. C વૉશર
પૂર્વ લેખમાં આપણે C વૉશરનું કામ જાણી લીધું છે. આનો મોટો વ્યાસ, ફિક્શ્ચર/જિગ બૉડીના આંતરિક વ્યાસ કરતા ઓછો હોવો જરૂરી છે. નટને થોડો ઢીલો કરવાથી વૉશર નીકળી જાય છે અને કાર્યવસ્તુ સરળતાથી બહાર કાઢી શકાય છે.
 
3. હેક્સ નટ
આ જગ્યાએ આપણે હેક્સ નટ અથવા પામ ગ્રિપ વાપરી શકીએ છીએ. નટ થકી કાર્યવસ્તુ કસીને પકડવામાં આવે છે. પરંતુ આ કાર્યવસ્તુમાં બનાવેલા છિદ્રોનો વ્યાસ 4 અને 6 મિમી. હોવાથી, પામ ગ્રિપનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. કેમકે છિદ્ર કરતી વખતે ઓછું બળ લાગે છે, પાનાનો (સ્પૅનર) ઉપયોગ ટાળી શકાય છે.
 
4. ઓરિએન્ટેશન પિન
ખાસ (સ્પેશલ) બુશને એક વિશેષ દિશામાં બેસાડવા માટે આ પિન આપેલી હોય છે. આને જિગ બૉડીમાં દબાણ સાથે (પ્રેસ ફિટ કરીને) બેસાડવામાં આવે છે. સાથે જ, પિનના વ્યાસ પર f7 ટૉલરન્સ રાખવામાં આવે છે. ટૉલરન્સ f7 જ કેમ? એ તમે જાણી જ ગયા હશો. આ જગ્યાએ આપણે પ્રમાણિત ડૉવેલનો ઉપયોગ કરી શકીએ છીએ.
 
5. ખાસ બુશ
આ કાર્યવસ્તુમાં 4 અને 6 મિમી. વ્યાસના છિદ્ર એટલા નજીક છે, કે બે બુશ એક સાથે બેસાડવા શક્ય નથી. એટલા માટે એક જ બુશમાં બન્ને છિદ્ર કરવામાં આવ્યા. આ ખાસ બુશ (ચિત્ર ક્ર. 3) જિગમાં બેસાડ્યા પછી બંને છિદ્ર લોકેટરના અક્ષ સાથે સમાંતર થવા માટે, બુશના કૉલર પર સ્લૉટ આપેલો છે.
 
આ બુશ કઠણ (હાર્ડન) અને ગ્રાઈંડ કરેલું છે. સ્ક્રૂની મદદથી બુશને જિગ બૉડીમાં બેસાડવામાં આવેલ છે. બંને છિદ્રમાંથી એક પણ ખરાબ થાય તો બુશ બદલવું પડે છે. આ રીતે વારંવાર બુશ બદલવાથી, જિગ બૉડી પર બુશ માટે બનાવેલ છિદ્ર ખરાબ થઈ શકે છે. આ ટાળવા માટે લાયનરનો ઉપયોગ કરવામાં આવે છે. બુશમાં 4 અને 6 મિમી. વ્યાસનું ટૉલરન્સ G7 છે.

Special Bush_1  
 
ચિત્ર ક્ર. 3 : સ્પેશલ બુશ
 
6. સ્ક્રૂ
ખાસ બુશને જિગ બૉડીમાં બેસાડવા માટે સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવેલ છે અને આ બુશ ખરાબ થયા પછી એને બદલવા માટે લાયનરમાં સ્લાઇડ ફિટ (H7/g6) બેસાડવામાં આવે છે.
 
7. ફિક્શ્ચર બૉડી
આ જિગનો સૌથી મહત્વનો ભાગ છે. આને પણ કેસ હાર્ડ થનારા મટિરિયલથી બનાવવામાં (20MnCr5 અથવા 16MnCr5) આવે છે, જેના કારણો આગળ આપેલા છે.
 
અ. સપાટી B1, B2, A1, A2 કઠણ કર્યા પછી ગ્રાઇન્ડ કરવામાં આવેલા છે.
બ. જો વ્યાસ d1 અને લાયનર માટેના છિદ્ર હાર્ડનિંગ કર્યા પહેલા બનાવાયા, તો ઉષ્ણતોપચાર પ્રક્રિયા પછી તેમાં વિરૂપણ (ડિસ્ટૉર્શન) થાય છે.
ક. જિગ બૉડીમાં સ્ક્રૂ અને ઓરિએન્ટેશન પિન માટે કરવાના છિદ્ર, હાર્ડનિંગ અને ગ્રાઇન્ડિંગ કર્યા પછી જ બનાવવાના હોય છે. એટલા માટે એ ભાગને નરમ જ રાખવો જરૂરી છે. આમાંથી ઓરિએન્ટેશન પિન માટે કરવામાં આવેલ છિદ્ર સચોટ હોવું જરૂરી છે.
 
X દિશાથી લાયનર બેસાડવા માટે કરેલું છિદ્ર, A1 પ્લેનથી લંબરૂપ હોવું જરૂરી છે. કારણ કે X દિશામાં ડ્રિલિંગ કરતી વખતે આપણે કાર્યવસ્તુ A પ્લેનને અડાડીને યંત્રણ કરીયે છે. આનાથી 4 અને 6 મિમી. ના છિદ્ર X1 પ્લેનના સમાંતર મળશે. છિદ્ર ત્રાંસુ હોય તો યંત્રણ કરતી વખતે ડ્રિલ ટૂટી શકે છે. એ જ રીતે, Y દિશામાં લાયનર બેસાડવા માટે બનાવેલ છિદ્ર A2 પ્રતલથી (પ્લેન) લંબરૂપ હોવું જરૂરી છે. d1 વ્યાસ X2 પ્રતલ સાથે લંબરૂપ કરવું જરૂરી છે, એટલે D વ્યાસ પણ X2 પ્રતલ સાથે લંબરૂપ રહેશે. કારણ કે d1 વ્યાસ અને D વ્યાસ બન્ને સમકેન્દ્રિય છે.
 
જિગ બૉડીમાં, ઓરિએન્ટેશન પિન પ્રેસ ફિટ કરવા માટે છિદ્ર આપેલુ છે. પિન ટૂટે તો તેને બહાર કાઢવાનું સરળ રહે, તે માટે આ છિદ્ર આરપાર હોય છે. જિગ બૉડીના બધા બાહ્ય ખૂણાઓ પર આપેલી ગોળાઈ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે જો તીક્ષ્ણ ખૂણા હોય તો, કર્મચારીઓ તેમના સંપર્કમાં આવીને ઘાયલ થઈ શકે છે. જિગ/ફિક્શ્ચર દોરતી વખતે સલામતીની કાળજી કેવી રીતે લેવામાં આવે છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
 
8. વૉશર, હેક્સ લૉક નટ
લોકેટરને જિગ બૉડીમાં બેસાડવામાં માટે વૉશર અને હેક્સ લૉક નટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે લોકેટરની કૉલર, કૅપ સ્ક્રૂની મદદથી પણ બેસાડી શકીયે છે, પરંતુ આમ કરવાથી લોકેટર અને જિગનો આકાર મોટો થઈ જાય છે અને એની સાથે બુશ અને કાર્યવસ્તુ વચ્ચેનો અંતર (L) વધે છે. આ અંતર વધવાથી 4 મિમી. નો ડ્રિલ ત્રાંસો થઈને ટૂટવાની શક્યતા હોય છે, કારણ કે આપણે કાર્યવસ્તુના ગોળાકાર ભાગ ઉપર ડ્રિલ કરી રહ્યા છે.
 
9. લાયનર
હેડલેસ પ્રકારનું આ લાયનર સંપૂર્ણપણે કઠણ કરેલું હોય છે. આને જિગ બૉડીમાં પ્રેસ ફિટ કરીને બેસાડવામાં આવે છે. આ કાર્યવસ્તુના 4 અને 6 મિમી. ના છિદ્ર માત્ર X અને Y દિશામાં છે. જો આ છિદ્ર 6 દિશામાં હોય, તો ષટકોણીય જિગ બૉડીનો ઉપયોગ કરવામાં આવે છે. જિગ બૉડી બધી 6 સપાટીયોને અડે, ત્યારે બુશની ઉપરની સપાટી, પૂરી રીતે જિગ બૉડીની સપાટીની અંદર હોવી ફરજિયાત છે. આગળના લેખમાં આપણે અલગ અલગ પ્રકારના ડ્રિલિંગ ફિક્શ્ચર/જિગ વિશે જાણકારી મેળવીશું.
 
9011018388
અજિત દેશપાંડેને જિગ અને ફિક્શ્ચરના ક્ષેત્રમાં 36 વર્ષથી વધુ અનુભવ છે. તેમણે કિર્લોસ્કર, ગ્રીવ્ઝ લોમ્બાર્ડિની લિ., ટાટા મોટર્સ જેવી અલગ અલગ કંપનીઓમાં વિવિધ પદો પર કામ કર્યું છે. ઘણી એન્જીનિયરિંગ કૉલેજોમાં આપ અતિથી પ્રાધ્યાપક છો. 
@@AUTHORINFO_V1@@