સંપાદકીય

14 Oct 2021 17:27:04
ફોર્ડ આ અમેરિકન કંપનીએ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં જાહેરાત કરી હતી કે, તેઓ ચેન્નઈ (તમિલનાડુ) અને સાણંદ (ગુજરાત) ખાતેના તેમના વાહન ઉત્પાદન પ્રોજેક્ટ બંધ કરશે. અમેરિકન ઑટો કંપનીઓ માટે ભારતમાં તેમની ફૅક્ટરીઓ બંધ કરવી એ નવી વાત નથી. અગાઉ, જનરલ મોટર્સ, હાર્લી-ડેવિડસન અને UM મોટરસાયકલ આ કંપનીઓએ પણ ભારતમાં ઉત્પાદન બંધ કરી દીધું હતું. તેમજ, માન નામની જર્મન ટ્રક કંપનીએ પણ તેમનું કામકાજ બંધ કરી દીધું હતું. હવે તે યાદીમાં ફોર્ડનો ઉમેરો થયો છે. આના કારણો શું હોઈ શકે? ભારતીય બજારને સમજવામાં વ્યૂહાત્મક ભૂલો, મોંઘી વેચાણ પછીની સેવા, ભારતીય ગ્રાહકોને આકર્ષિત કરે એવા નવા મૉડેલો બજારમાં લાવવામાં નિષ્ફળતા અને દરેક જગ્યાએ સ્પેઅરપાર્ટસ ઉપલબ્ધ ન હોવા વગેરે કારણો ઑટોમોટિવ ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યા છે. ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રનો વિચાર કરીયે તો ભારતમાં નાની ગાડીયો વધારે ચાલે છે. આ આધારે, મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇ ભારતમાં મોટો બિઝનેસ કરી રહ્યા છે. ભારતમાં વેચાતી ટૉપ 10 કારમાં માત્ર મારુતિ અને હ્યુન્ડાઇ આ બે કંપનીની ગાડીયોનો જ સમાવેશ થાય છે. ફોર્ડ એવું કોઈ વાહન લાવી શક્યું નથી કે જે આ બજાર પર પકડ લઈ શકે અને અહીં જ ફોર્ડ ચૂકી ગયો! એક સમયે જ્યારે કિયા મોટર્સ જેવી અન્ય વાહન કંપનીઓ દર 2-3 વર્ષે ભારતીય બજારમાં એક સસ્તું, નવું મૉડલ લાવી રહ્યા હતા, ત્યારે ફોર્ડ 15 વર્ષ જૂના વાહનો પર નિર્ભર હતા. આ બજારના પ્રવાહ સાથે જે ચાલ્યા, તે જ ટકી શક્યા, બાકીની કંપનીઓ ગોતા ખાવા લાગી. ફોર્ડ સાથે પણ એવું જ થયું!
 
આ કંપનીઓ શા માટે બહાર ગઈ તેના કારણો ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે, પરંતુ ઑટોમોટિવ ઉદ્યોગ પર આધારિત નાના, મધ્યમ ઉદ્યોગોની સધ્ધરતા, એટલું જ નહિ અસ્તિત્વ પર તેની લાંબા ગાળાની અસર પડે છે. ધંધો નાનો હોય કે મોટો, ઉદ્યોગસાહસિક માટે બજારની માંગ, વલણો ,વેચાણ પછીની સેવા, ઉત્પાદનોમાં સુધારા, જેવા અત્યંત મૂળભૂત પરંતુ આવશ્યક મુદ્દાઓનો ગંભીરતાથી અભ્યાસ કરવો મહત્વપૂર્ણ છે. કોરોના સમયગાળા દરમિયાન ઉભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે, તેમની હાલની કાર્યપદ્ધતિઓમાં બિનકાર્યક્ષમતાનું કારણ બને તેવા પરિબળોને દૂર કરીને ઉત્પાદનને આગળ વધારવા માટે, ઇન્ડસ્ટ્રી 4.0 જેવી ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરવો એ ઉદ્યોગો માટે હિતાવહ છે. આ ટેક્નોલૉજીના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ઉત્પાદકો, સપ્લાયરો અને ગ્રાહકો વચ્ચે વધુ સારી રીતે સંવાદ થઈ શકે છે. બીજી નવી વાત એ છે કે, ઇંધણની વધતી કિંમતોને જોતા, છેલ્લા 5-6 મહિનામાં ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં વધારો જોવા મળ્યો છે. સાહસિકો માટે આ બજારના વલણને સમયસર ઓળખવું અને તે મુજબ તેમના વ્યવસાયનું સ્વરૂપ બદલવું મહત્વપૂર્ણ છે. જો કે વ્યવસાયમાં આ બદલ આવતા થોડો સમય લાગશે, પરંતુ તેનું અગાઉથી આયોજન કરવાથી નુકસાનનું જોખમ ઘટાડી શકાય છે.
 
બજારના વલણને ઓળખીને પોતાને બદલવાનું જેમ મહત્વનું છે, તેમજ બાહરની પ્રતિકૂળ પરિસ્થિતિથી નાસીપાસ થયા વગર આપણી પાસેના ઉપલબ્ધ સંસાધનો અને ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરવો, એ પણ એટલું જ અગત્યનું છે. તાજેતરની પૅરાલિમ્પિક ગેમ્સમાં ભારતીય ટીમે જીતેલા મેડલથી આ વાતનો પુરાવો મળે છે. ઉણપો પર માત કરીને પોતાના લક્ષ્યોને હાંસલ કરવા માટે જરૂરી, અખંડ ઇચ્છાશક્તિ અને યોગ્ય પ્રયત્નોનું સંયોજન આપણા ખેલાડીઓને વિશ્વ રેકોર્ડ બનાવવા માટે સક્ષમ બનાવે છે. કોરોના પછીના યુગમાં, આપણે તેમનું અનુકરણ કરવાની જરૂર છે.
 
અમે ‘ધાતુકામ’ મૅગેઝિન દ્વારા આવા પ્રયાસોને ટેકનિકલ સપોર્ટ આપવા માટે કામ કરી રહ્યા છીએ. ‘નવા ઉત્પાદનો’ આ વિભાગમાં આપને WED મશીનો અને યંત્રણ વિશે વિગતવાર માહિતી મળશે. ‘નવું તંત્ર’ વિભાગમાં આપને પ્રિમો પ્રોબ્સ, ગિયર યંત્રણ માટેના સ્ટાન્ડર્ડ મશીન અને ટૂલ વિશે ઉદાહરણ સાથે વિગતવાર માહિતી મળશે. મિલિંગ યંત્રણ દરમિયાન પેદા થતા કંપનોનું નિવારણ કેવી રીતે કરવું તેની તકનીકી વિગતો દર્શાવતો લેખ ચોક્કસપણે તમારા માટે ઉપયોગી નીવડશે. થ્રેડિંગ, ઑઇલ કોઅલાયઝર વગેરે વિષય પરના લેખો ઉપરાંત ઓછા ખર્ચે સ્વચાલન, જીગ્સ અને ફિક્શ્ચર, સી.એન.સી. પ્રોગ્રામિંગ, ટૂલિંગમાં સુધાર વગેરે અમારી લેખમાળાના લેખો આપના જ્ઞાનમાં ચોક્કસ ઉમેરો કરશે.
 
 
સઈ વાબળે
exe.editor@udyamprakashan.in
Powered By Sangraha 9.0