કૂલંટ પંપનું બંધ થઈ જવું

28 Jan 2021 15:29:45

અત્યાર સુધી આ લેખમાળામાં આપણે મશીન ચાલુ ન થવું, લ્યુબ્રિકેટિંગ તેલનું સ્તર સંતોષજનક ન હોવું, લ્યુબ્રિકેટિંગ તેલનું દબાણ ઓછું હોવાના પરિણામ અને ચક નિષ્ક્રિય રહેવા અને ટેલસ્ટૉક સંબંધી ઉદ્ભવનારી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી છે.

ડિસેમ્બર 2020 ના અંકમાં આપણે ટરેટ હોમ સ્થાન પર અથવા સુરક્ષિત સ્થાન પર (સેફ પોઝિશન) ન હોવાના તથા ટરેટ મોટરનું તાપમાન વધતા ઉદ્ભવતી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી. આ લેખમાં, આપણે શીતક (કૂલંટ) પંપ બંધ થવાની સમસ્યા પર ધ્યાન આપીશું.


1_1  H x W: 0 x

હાઈડ્રૉલિક તથા શીતક મોટરનું તાપમાન વધવાનો પરિણામ
પંપની મદદથી મશીનમાં જરૂરી સ્થાનો પર શીતક અને તેલનો પુરવઠો કરવામાં આવે છે. એ માટે બે અલગ અલગ મોટરોનો ઉપયોગ કરવામાં આવે છે. મોટરની સુરક્ષા માટે મોટર પ્રોટેક્શન સર્કિટ બ્રેકર (MPCB) અને પૂરક સ્વિચ આપેલી હોય છે. આ MPCB માં યોગ્ય તાપમાન તથા ઍમ્પિયરનું સેટિંગ કરેલું હોય છે. જો બન્નેમાંથી કોઈ એક પૅરામીટર નિયત સીમાની બહાર જાય, તો MPCB તરત જ ટ્રિપ થઈ જાય છે. આ રીતે, જો શીતકનું તાપમાન વધી જાય તો સ્વિચ કાર્યાન્વિત થઈ જાય છે અને એલાર્મ વાગવા લાગે છે. સ્વિચ સક્રિય થવાના કારણો નીચે મુજબ છે.
1. પંપ ગરમ થઈ જાય છે.
2. પંપમાંથી પસાર થનારા શીતકના પ્રવાહમાં અવરોધ ઉદ્દભવે તો તાપમાન વધી જાય છે.
3. શીતકની ટાંકીમાં કચરો જમા થવાથી શીતકને ખેંચવા માટે પંપને વધુ જોર લગાડવું પડે છે, જેને કારણે પણ તાપમાન વધી શકે છે.
4. પંપ પર જો વધુ લોડ આવે તો મોટર ગરમ થઈ જાય છે. કેમકે મોટર વધુ માત્રામાં વીજળી ખેંચવા લાગે છે.
5. જો કોઈ વાયર ખરાબ થવાને કારણે બે ફેઝ જ કામ કરી રહ્યાં હોય, તો મોટરનું તાપમાન વધી જાય છે.

શીતકની ટાંકીમાં કચરો જમા થઈ જવાનું કારણ છે યોગ્ય સમયે ટાંકી સાફ ન થઈ હોય. એ જ પ્રમાણે ફિલ્ટર પણ સાફ કરવામાં નથી આવતા. દર છ મહિને જૂના ફિલ્ટર બદલીને નવા ફિલ્ટર લગાડવા જરૂરી હોય છે. શીતક ટાંકીની સારી રીતે અને યોગ્ય સમયે દેખભાળ કરવામાં આવે, તો મોટર પરનો ભાર વધી જઈ સ્વિચ બંધ થવાની ઘટના નથી થતી.

હવે ટોટલ પ્રૉડક્ટિવ મૅનેજમૅન્ટ (TPM) પ્રણાલીનો ઉપયોગ કરનારી કંપનીઓમાં મશીન બંધ થવાનો સમય તથા એનું કારણ, બન્ને સ્વચાલિત રીતે નોંધાઈ જાય છે. મશીન દ્વારા મળનારી આ માહિતી (ડાટા) અત્યંત ઉપયોગી હોય છે. મશીન બંધ થવાનું કારણ કમ્પ્યુટરમાં નોંધાઈ જાય છે. ઉદાહરણ તરીકે:
1. મોટર ગરમ થઈ ગઈ.
2. મશીન શરુ થતું નથી.
3. લ્યુબ્રિકેટિંગ તેલનું સ્તર સંતોષજનક નથી.
4. મોટરનો વાયર ખરાબ છે.

મશીન બંધ થવાનું કારણ અને સમય, બન્ને બાબતોનો રેકોર્ડ હોવો અત્યંત જરૂરી છે. આ જાણકારીની મદદથી જ યોગ્ય પગલાં લેવાયા પછી મશીન ફરી પૂર્ણ કાર્યક્ષમતા સાથે ઉપયોગમાં લેવું સંભવ છે.

આ લેખમાળામાં આપણે સી.એન.સી. લેથમાં કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે, એના કારણો અને એના નિવારણના ઉપાયો વિશે જાણવાનો પ્રયત્ન કર્યો છે. આપના કાર્યસ્થળે આ પ્રકારના મશીન હોય, તો આપે મેળવેલી આ જાણકારીની મદદથી એનું અધ્યયન કરો.

વાચકોની સુવિધા માટે આ લેખમાળામાં પ્રસ્તુત કરવામાં આવેલ તમામ સમસ્યાઓના નિવારણની એકત્રિત માહિતી આગળના કોષ્ટકમાં આપવામાં આવેલ છે.


Powered By Sangraha 9.0