હંમેશા જરૂરી હોય તે વિભિન્ન ઘટકો

23 Dec 2020 12:29:04

પાછલા લેખમાં આપણે જિગ તથા ફિક્શ્ચરમાં હંમેશા ઉપયોગમાં લેવાતા પાર્ટ વિશે જાણકારી મેળવી હતી. આ લેખમાં આપણે સામાન્ય રીતે વપરાતા ઘટકો વિશે માહિતી મેળવીશું. હંમેશા ઉપયોગમાં લેવાતા ઘટકોનું માનકીકરણ (સ્ટઁડર્ડાયઝેશન) કરવાથી થનારા લાભો આગળ આપ્યા છે.
 
1. ડિઝાઈન કરવામાં વિશિષ્ટ સમન્વય અને શિસ્ત જળવાઈ રહે છે. નવા એન્જિનિયરોને પણ આલેખન (ડ્રૉઇંગ) કરવું સરળ થઇ જાય છે. પરંતુ માનકીકરણમાં બેદરકારી થઇ જાય, તો એક જ ભાગનું આલેખન, અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, અલગ અલગ રીતે કરવામાં આવે છે. આમ વધતી જતી ભિન્નતાને કારણે પાર્ટની ઇન્વેન્ટરી વધે છે. સાથે જ, આલેખન કરવા માટે વધુ સમય લાગે છે અને ખર્ચો પણ વધારે થાય છે.
2. માનકીકૃત પાર્ટનું એક સાથે વિપુલ પ્રમાણમાં નિર્માણ કરી સંગ્રહ કરી શકાય છે. આમ વિપુલ જથ્થામાં પાર્ટ બનવાને કારણે એ સસ્તા પડે છે અને જ્યારે જોઈયે ત્યારે મળે છે.
3. આ કારણે જાળવણીની ગુણવત્તા વધે છે. ખરાબ થઇ ગયેલ અને ખામીયુક્ત પાર્ટ તરત જ બદલી શકાય છે, આમ દેખભાળ તરત થઈ શકે છે સાથે જ તેના માટે થતો ખર્ચો અને લાગતો સમય પણ ઓછો થાય છે.

હંમેશા ઉપયોગમાં લેવાતા પાર્ટ
• સ્પ્રિંગ પ્લંજર
• જૅક (આધારનો ઉપર અને નીચે થનારો હિસ્સો)
• આઈ બોલ્ટ લિફ્ટર
• ટૉમી સ્ક્રૂ તથા થ્રસ્ટ પૅડ
• સ્ક્રૂ અને પામ ગ્રિપ
• નર્લ નૉબ/નટ
• પાકો આધાર : કાસ્ટિંગ અને ફોર્જિંગ માટે
• હાર્ડ બટન

સ્પ્રિંગ પ્લંજર
એનો ઉપયોગ અલગ અલગ જગ્યાઓ પર, અલગ અલગ હેતુથી કરવામાં આવે છે, જેમ કે
1. પાર્ટ લોકેટ કરવો
2. પાર્ટ સરકાવવો
3. પાર્ટ સરકાવીને બહાર કાઢવો
4. ખાંચામાં (V ગ્રૂવ, ડિમ્પલ) અવરોધ

1_1  H x W: 0 x
 
ચિત્ર ક્ર. 1 અ માં પિન ટાઈપ સ્પ્રિંગ પ્લંજર દર્શાવવામાં આવેલ છે. પાછલી બાજૂ સેટ સ્ક્રૂ 1 અંક દ્વારા સૂચવવામાં આવે છે. આ સ્ક્રૂને આગળ પાછળ સરકાવી, પિનનું બળ ઓછું વધતું કરી શકાય છે.

M8 ના પ્લંજર દ્વારા 7 થી 29 N નું બળ મેળવી શકાય છે અને એ પિન 3 મિમી. સુધી આગળ પાછળ થઇ શકે છે.

M16 ના પ્લંજર દ્વારા 45 થી 100N નું બળ મેળવી શકાય છે અને એ પિન 5 મિમી. સુધી આગળ પાછળ થઇ શકે છે.

ચિત્ર ક્ર. 1 બ માં બૉલ ટાઈપ પ્લંજર દર્શાવવામાં આવેલ છે. આવા પ્રકારના પ્લંજરમાં સ્પ્રિંગ દ્વારા બૉલ પર નિર્માણ થતું બળ બદલી શકાતું નથી.

2_1  H x W: 0 x

ચિત્ર ક્ર. 2 જોઈને આપ સમજી શકશો કે આ પ્લંજર કેવી રીતે બેસાડવામાં આવે છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. પ્લંજરનો બૉલ બે ગ્રૂવમાં ફસાઈ જાય છે એટલે શાફ્ટ આગળ પાછળ થઇ શકે છે, પણ એક નિશ્ચિત જગ્યાએ આવે ત્યારે સ્થિર થઇ જાય છે. ઑપરેટરને એનો અંદાજ આવી જાય છે. મોટરના ગિઅર બૉકસમાં પણ આ રીતના જ જોડાણો હોય છે.

અસેમ્બ્લી ફિક્શ્ચરમાં બુશ પ્રેસ કરતી વખતે બુશ પાયલટ ડાયમીટર પર પકડી રાખવા માટે આ પ્રકારના પ્લંજરનો ઉપયોગ કરવામાં આવે છે.

જૅક: ઉપર નીચે થતો આધાર
આનો ઉપયોગ જિગ અને ફિક્શ્ચરમાં વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. એનું આલેખન અલગ અલગ રીતે કરી શકાય છે. એમાંથી એક અહીં ઉદાહરણ રૂપે દર્શાવવામાં આવેલ છે. એ સૈદ્ધાંતિક રીતે કેવી રીતે કાર્ય કરે છે તે જોઇયે.

3_1  H x W: 0 x
 
ચિત્ર ક્ર. 3 અ માં ઉપર નીચે થનાર આધારનો હંમેશા વપરાતો એક પ્રકાર બતાવેલ છે. જ્યારે 5 નંબર નો સ્ક્રૂ ઢીલો કરવામાં આવે છે, ત્યારે 1 નંબર દ્વારા દર્શાવેલ સ્પ્રિંગના બળને કારણે 2 નંબરની આગળ પાછળ થનારી સ્લાઇડિંગ પિન, જમણી બાજૂ ખસે છે. એનાથી 7 નંબરની સપોર્ટ (આધાર આપનારી) પિન નીચે આવે છે. જ્યારે કાર્યવસ્તુ ફિક્શ્ચર પર નક્કર આધાર પર રાખવામાં આવે છે, ત્યારે 7 નંબરની સપોર્ટ પિન નીચે જ હોય છે. જ્યારે 5 નંબર સ્ક્રૂથી 2 નંબરની પિન આગળ ખસેડવામાં આવે છે, ત્યારે સ્પ્રિંગ દબાઈ જાય છે અને 7 નંબરની સપોર્ટ પિન ઉપર આવી જાય છે અને કાર્યવસ્તુને સ્પર્શ કરે છે અને એને આધાર આપે છે. એ જ એનું કાર્ય છે. ચિત્ર ક્ર. 3 બ જુઓ. 6 નંબર નો ડૉગ પૉઈન્ટ સ્ક્રૂ 2 નંબરની સ્લાઇડિંગ પિનના ખાંચામાં ફસાઈને બેસી જાય છે, જે કારણે આ પિન પોતાની ચારે તરફ ફરી શકતી નથી અને આના કારણે 7 નંબરની સપોર્ટ પિન યોગ્ય રીતે ઉપર તથા નીચે તરફ સરકે છે. જો 2 નંબરની પિન ફરે તો સપોર્ટ પિન યોગ્ય રીતે ઉપર નીચે નહિ ફરી શકે. ઘણી વાર મશીનિંગ (યંત્રણ) કરતી વખતે ટૂલના બળથી કાર્યવસ્તુ દબાય છે અથવા તો વાંકીચુકી થઇ જાય છે. આ સમયે એને આધાર આપવાથી કાર્યવસ્તુનું યંત્રણ ખૂબ સરસ રીતે થાય છે.

4_1  H x W: 0 x

ચિત્ર ક્ર. 4 અ અને 4 બ માં આ પ્રકારની કેટલીક ડિઝાઈન દર્શાવવામાં આવી છે. એનો અભ્યાસ જરૂર કરો. આપણે આપણી જરૂરીયાત પ્રમાણેનું આલેખન કરી શકીએ છીએ. પરંતુ જો આપણે એનું માનકીકરણ કરીએ તો જેમ અગાઉ કહેવાયું છે, નિશ્ચિત રૂપે લાભ થશે.

આઈ બોલ્ટ લિફટર
આ પ્રકારના લિફ્ટરનો ઉપયોગ મધ્યમ આકારના જિગ તથા ફિક્શ્ચરને ઉપાડવા માટે કરાતો હોય છે.

સુરક્ષાના દ્રષ્ટિકોણથી વિચારીએ તો ભારે વસ્તુઓ ઉપાડતી વખતે યોગ્ય સાવધાની ન રાખવાથી ગંભીર જોખમ ઉદ્ભવી શકે છે. એટલા માટે યોગ્ય લિફટરનો ઉપયોગ કરવાનો કર્મચારી તથા વ્યવસ્થાપકો બંનેએ આગ્રહ રાખવો જોઇયે. નહિતર અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવો પડશે.

ચિત્ર ક્ર. 5 અ માં આ પ્રકારનો આઈ બોલ્ટ લિફ્ટર દર્શાવવામાં આવેલ છે. આ લિફટર ફોર્જિંગ દ્વારા બનાવાયેલ છે. દરેક લિફ્ટર પર એ બાબતની નોંધ હોય છે કે એ કેટલું વજન ઊંચકી શકે છે.

5_1  H x W: 0 x

દા. ત. M10 નું લિફ્ટર 230 કિગ્રા. વજન ઊંચકી શકે છે, તથા M24 નું લિફ્ટર 2000 કિગ્રા. વજન ઊંચકી શકે છે. જેટલો ભાર ઊંચકવા માટે એની ભલામણ કરવામાં આવી હોય તેના કરતા વધુ ભાર ઊંચકવો એ ગુના જેવું છે.

ચિત્ર ક્ર. 5 બ માં લિફ્ટરનો ઉપયોગ દર્શાવાયો છે. વર્ષમાં એક વાર આ સાધનોની માન્યતાપ્રાપ્ત સંસ્થાઓ દ્વારા તપાસ કરાવડાવી અને એનું પ્રમાણપત્ર પોતાની પાસે રાખવું જરૂરી હોય છે. જો તપાસની તારીખ પસાર થઇ જાય, તો એ ઉપકરણોનો ઉપયોગ અટકાવી દેવો જોઈએ. જો આ નિયમોનો અમલ કરવામાં નહિ આવે, તો સંભવ છે કે તમારે અનિચ્છનીય પરિણામોનો સામનો કરવો પડે.

ટૉમી સ્ક્રૂ તથા થ્રસ્ટ પૅડ ( ચિત્ર ક્ર. 6 અ, 6 બ)

6_1  H x W: 0 x
આમાં અલગ અલગ ભાગોને જોડવામાં આવ્યા હોય છે, એ છે ટૉમી (એક નાનો બાર), વિશેષ રૂપે બનાવાયેલ સ્ક્રૂ અને થ્રસ્ટ પૅડ. થ્રસ્ટ પૅડને સ્ક્રૂ પર અથવા પિન અથવા સરક્લિપની મદદથી બેસાડવામાં આવે છે અને એ સ્ક્રૂ પર મુક્ત પણે હલનચલન કરી શકે છે. આ કારણે કાર્યવસ્તુ અસરકારક રીતે કસીને પકડવામાં આવે છે.

આ રીતે વિભિન્ન સ્ક્રૂના આકારના (d1) તથા વિભિન્ન લંબાઈના (I5) પાર્ટ બનાવીને રાખવામાં આવે છે અને જરૂરત પ્રમાણે એનો ઉપયોગ કરી શકાય છે. આ સ્ક્રૂ હાથથી ચઢાવવામાં આવતા હોવાથી એના વડે કાર્યવસ્તુ મર્યાદિત બળથી પકડવામાં આવે છે.

સ્ક્રૂ અને પામગ્રિપ (ચિત્ર ક્ર. 7 અ, 7 બ, 7 ક)

7_1  H x W: 0 x

પામ ગ્રિપ ઍલ્યુમિનિયમ અથવા પ્લાસ્ટિકની બનેલ હોય છે. સ્ક્રૂના માપ અનુસાર એકબીજામાં બેસી જાય, એવી રીતે યંત્રણ કરી તૈયાર કરવામાં આવેલ પાર્ટ સ્ટોઅરમાં રાખવામાં આવે છે. પામ ગ્રિપ મોટા પ્રમાણમાં વાપરવામાં આવે છે. પામ ગ્રિપ, ટૉમીની જેમ કામગારના હાથોમાં ભોંકાતી નથી. એ વાપરવાથી કાર્યવસ્તુ ક્યારે પણ પ્રમાણિત બળથી વધુ બળનો ઉપયોગ કરી પકડાતી નથી. ટૉમીને પાઈપ જોડીને વધુ બળ વાપરી શકાય છે, પરંતુ એમ કરવાથી કાર્યવસ્તુ ખરાબ થઈ શકે છે.
 
નર્લ નૉબ/નટ

8_1  H x W: 0 x
ચિત્ર ક્ર. 8 અ અને 8 બ માં એ પાર્ટ દર્શાવવામાં આવ્યો છે. આમાં પણ સ્ક્રૂ બેસાડી કાર્યવસ્તુ પકડી શકાય છે. આમાં પણ યોગ્ય અને પ્રમાણિત માત્રાથી વધુ બળનો ઉપયોગ નથી કરી શકાતો. પરંતુ જો કામની વારંવારતા વધુ હોય તો કર્મચારીઓને આંગળીઓમાં ઝણઝણાટી અથવા પીડા થઇ શકે છે.

ઉપર આપેલ ટૉમી સ્ક્રૂ, પામ ગ્રિપ, નર્લ નૉબ/નટ આ ત્રણેય પદ્ધતિઓનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવામાં આવે છે. એક મહત્ત્વનો લાભ એ છે કે સ્પૅનરનો (પાનાનો) ઉપયોગ ન કરાતો હોવાથી કાર્યવસ્તુ પકડવામાં લાગતા સમયમાં બચત થઇ શકે છે.

પાકો આધાર : કાસ્ટિંગ અને ફોર્જિંગ માટે (ચિત્ર ક્ર. 9)

9_1  H x W: 0 x
સામાન્ય રીતે આ પ્રકારના આધારનો ઉપયોગ કાર્યવસ્તુ પર પ્રથમ યંત્રણ કરતી વખતે કરાતો હોય છે. આ પ્રકારના આધારની ઉપરી સપાટી ખરબચડી (ડાયમંડ સરેશનવાળી) હોય છે. આ ખરબચડી સપાટીને કારણે કાર્યવસ્તુ કસીને પકડી શકાય છે અને એ પોતાની જગ્યા પરથી ખસી શકતી નથી. આ પાર્ટ કઠણ બનાવવામાં આવ્યા હોય છે.

હાર્ડ બટન (ચિત્ર ક્ર. 10)

10_1  H x W: 0
હાર્ડ બટનનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ખાસ કરીને ઈન્સ્પેક્શન ફિક્શ્ચર પર લગભગ 100% આ જ પ્રકારના બટન લગાડવામાં આવતા હોય છે. ફિક્શ્ચરના નીચેના ભાગની પ્લેટ નરમ હોવાને કારણે, નીચલી સપાટી ખરાબ થઇ ગઈ હોય તો ઇન્સ્પેકશન ફિક્શ્ચરનું કૅલિબ્રેશન બરાબર થઇ શકતું નથી. આવા બટનના ઉપયોગથી આવી સપાટી સુરક્ષિત રહે છે. સ્ક્રૂની મદદથી બૉટમ પ્લેટની નીચે આ બટન લગાડવામાં આવતા હોય છે.

લિફ્ટિંગ હઁડલ
લિફ્ટિંગ હઁડલ ઓછા વજન વાળા ફિક્શ્ચર માટે ઉપયોગમાં લેવાતા હોય છે. ચિત્ર ક્ર. 11 અ માં ધાતુનું હઁડલ દર્શાવવામાં આવ્યું છે, જે બે સ્ક્રૂ અને વૉશરની મદદથી બેસાડવામાં આવે છે. એની ઊંચાઈ (h) તથા લંબાઈ (l), એ રીતે નિશ્ચિત કરવામાં આવે છે, કે જેથી કર્મચારીની આંગળીઓ સહેલાઈથી અને સરળતાથી અંદર જઈ શકે.

11_1  H x W: 0
 
ચિત્ર ક્ર. 11 બ માં પ્લાસ્ટીકનું હઁડલ દર્શાવવામાં આવ્યું છે. આ મોટેભાગે કાળા રંગનું હોય છે. કેમકે એ પ્લાસ્ટિકનું હોય છે, હાથોમાં વાગવાની શક્યતાઓ ઘટી જાય છે. ટેમ્પ્લેટ, હાથેથી મુકવામાં આવતી જિગ પ્લેટ, નાના ઇન્સ્પેકશન ફિક્શ્ચર વગેરે વસ્તુઓ માટે બન્ને પ્રકારના હઁડલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

Powered By Sangraha 9.0