છેલ્લા 2 મહિનામાં ઉદ્યોગમાં ઘણા સકારાત્મક વિકાસ જોવા મળ્યા છે. એક તો ઑક્ટોબર મહીનામાં કેન્દ્ર સરકારે જમા કરેલો જીએસટી ટૅક્સ પહેલી જ વાર 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગયો હતો. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આમાં 10 ટકાનો વધારો છે. ઉત્પાદનના આંકડા પણ આ નિવેદનની પુષ્ટિ કરે છે. કારખાનાના ટર્નઓવરની ગણતરી ‘મૅન્યુફૅક્ચરિંગ પરચેઝિંગ મૅનેજર ઇન્ડેક્સ’ દ્વારા કરવામાં આવે છે. ઑક્ટોબરમાં આ ઇન્ડેક્સ 58.9 હતો. છેલ્લા દાયકામાં આ સૌથી વધુ વધારો છે. બીજું, જુલાઇમાં ભારત સરકારે શરૂ કરેલા ‘ઉદ્યમ નોંદણી’ ના નવા ઑનલાઇન સિસ્ટમ પર 11 લાખથી વધુ નવા MSME ઉદ્યોગો નોંધાયા છે, જેમાંથી 3.72 લાખ ઉદ્યોગો ઉત્પાદન ક્ષેત્રે નોંધાયેલા છે.
જ્યારે નવા ઉદ્યોગો સ્થાપિત થાય છે, ત્યારે બજારની આગાહી અને ભાવિ તકો ધ્યાનમાં લઈ, તેમાં નવી તકનીકીઓનો સમાવેશ થશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. હવે પછીનો આર્થિક વિકાસ સંપૂર્ણપણે હાઇ ટેક, ભવિષ્યવાદી હશે. આ ઉપરાંત, 'ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ' હવે અપેક્ષા નહિ, પણ બજારની આવશ્યકતા બની છે. ગુણવત્તાવાળા ઉત્પાદન માટે, આપણે કાર્યપદ્ધતિમાં કેટલીક પરંપરાગત પ્રથાઓને બદલીને નવી કાર્ય સંસ્કૃતિ (વર્ક કલ્ચર) અપનાવવાની તીવ્ર જરૂર છે. ઉદાહરણ તરીકે, 'પ્રેડિક્ટેબલ બિહેવિયર' એટલે અનુમાનિત વર્તન. આપણા ઉદ્યોગમાં આ સંસ્કૃતિ હજી ઓછી જોવા મળી રહી છે. જાપાન અને જર્મનીની વર્ક કલ્ચરનો વારંવાર વિવિધ સ્તરો પર ઉલ્લેખ કરવામાં આવે છે, ખાસ કરીને ઉદ્યોગમાં. કારણ કે અમુક કામ નિયત સમયે જ થશે અને તે થવું જ જોઇએ, એવી માનસિકતા ત્યાંના લોકોના લોહીમાં જ છે. બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે માહિતીનું જતન અને સંરક્ષણ કરવામાં આપણે ભારતીયો ઘણા પાછળ છે. કોઈ ઉત્પાદન બની ગયા પછી, તે અંગેની બધી માહિતીનું યોગ્ય રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવતું નથી. તેથી આ સંદર્ભમાં કોઈપણ માહિતી આગામી પેઢીને વ્યવસ્થિત રીતે આપવામાં આવતી નથી. તેનાથી ઉલટું, જાપાન અને જર્મની જેવા દેશોમાં, તેમના પ્રયોગો, ઉત્પાદનો, તેમની સફળતાઓ કે અસફળતાઓ, એ બધાનું સમયસર અને વિગતવાર રેકોર્ડ રાખવામાં આવે છે, તેથી માણસો બદલાઈ જાય, તો પણ તેમના ઉત્પાદનમાં બહુ ફરક પડતો નથી. આપણે ત્યાંની કાર્ય સંસ્કૃતિમાં આ કેટલાક મહત્વપૂર્ણ પરિવર્તન અપેક્ષિત છે.
આ મહિનાનો ધાતુકામનો અંક માપન અને ગેજિંગ સાથે સંબંધિત છે. ઉપર જણાવ્યા મુજબ, ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટે, બજારને 'ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ' જોઈએ છે, તેમજ પરીક્ષણ સાધનો આધુનિક ટેકનોલોજી પર આધારિત હોવા આવશ્યક છે. જો ડિજિટલ ઉપકરણોથી મેળવેલી માહિતીનો ઉપયોગ વ્યવસ્થિત અને યોગ્ય રીતે કરવામાં આવે, તો તેનાથી થતાં ફાયદા ખૂબ જ ઊંચા સ્તરના હોય છે. આ અંકમાં, અમે ગુણવત્તાના દૃષ્ટિકોણથી માપન ક્ષેત્રના નવા ઉત્પાદનો અને નવી તકનીકો વિશેની માહિતી પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો છે. ‘નવું ઉત્પાદન’ વિભાગમાં મારપૉસ દ્વારા રજૂ કરાયેલા iWave2 યાંત્રિક બોઅર ગેજ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. યંત્રભાગોની 100% ચકાસણીને બદલે નમૂના પરીક્ષણ કરવાના વિચાર સાથે ટ્રાયમૉસની એર ઇલેક્ટ્રોનિક ગેજિંગ અને ઑનલાઇન SPC પદ્ધતિ વિકસિત કરવામાં આવી છે. તેના પર ઉદાહરણ સાથે ઉંડાણપૂર્વકની ટિપ્પણી, આપણને ઉપયોગી નીવડશે. સ્વચાલન વિભાગમાં QVI દ્વારા વિકસિત LFOV તકનીક પર આધારિત મશીન પરનો લેખ શામેલ કરવામાં આવ્યો છે. સી.એન.સી. મશીનમાં અક્ષીય હિલચાલ પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવાતા બૉલ સ્ક્રૂની રચના સમજાવતા લેખમાં, આપને બૉલ સ્ક્રૂના ઉત્પાદનમાં સામેલ પડકારો અને સંશોધન વિશેની માહિતી પણ મળશે ‘દીપક ઇં 32’ નામના ભારતીય સી.એન.સી. લેથ મશીનની માહિતી આપને નાના કાર્યવસ્તુઓ પર કામ કરવા માટે ઉપલબ્ધ વિકલ્પો આપશે. ‘યંત્રગપ્પા’ વેબિનારના બીજા સત્રમાં 'સ્પિન્ડલ્સ કેમ ખરાબ થાય છે' આ વિષય પર થયેલ ચર્ચાની સમીક્ષા કરતો લેખ ધાતુકામના વાચકો માટે આપવામાં આવ્યો છે. તે સિવાય, જીગ્સ અને ફિક્શ્ચર, સી.એન.સી. પ્રોગ્રામિંગ, મશીન મેન્ટેનન્સ, ટૂલિંગમાં સુધારા જેવી નિયમિત લેખમાળા હેઠળના લેખો આપના રોજિંદા કાર્યમાં ઉપયોગી થશે તેની અમને ખાતરી છે.
અમારા બધા વાચકો, લેખકો અને જાહેરાતકારોને મેરી ક્રિસમસ!
દીપક દેવધર
deepak.deodhar@udyamprakashan.in