ઉદ્યમ પ્રકાશન દ્વારા સામયિકોનું પ્રકાશન શરૂ થતાં સાડાત્રણ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. અત્યાર સુધી પ્રકાશિત થયેલા અંકોમાંથી, 450 થી વધુ લેખ વાચકો સુધી પહોંચ્યા છે. આ લેખોમાંથી નવા ઉત્પાદનો, આધુનિક તકનીક, ફેક્ટરી અને પ્રક્રિયા સુધારણા એવા વિવિધ વિષયો અંગેની માહિતી અને જ્ઞાન વાચકો સુધી લાવવાનો પ્રયાસ અમે કર્યો છે. આશા છે કે, ભવિષ્યમાં પણ અમે અવનવા વિષયોની ગુણવત્તાપૂર્ણ માહિતી વાચકો માટે લાવવાનું કામ ચાલુ રાખીશું. સામયિકમાંથી મળેલી માહિતી વાચકોને તેમના કાર્યમાં ઉપયોગી પડે છે, આવા સકારાત્મક પ્રતિસાદ અમને અને લેખકોને પણ મળ્યા છે. એવું પણ અનુભવ્યું છે કે, વાચકો લેખમાં વર્ણન કરેલી સુધારણા અથવા ઉત્પાદનો વિશે પૂછપરછ કરવા માટે સીધો લેખકોનો સંપર્ક કરે છે. વિવિધ ઉદ્યોગસાહસિકો માટે અમારા સામયિકો તેમના ઉત્પાદનો તેમજ નવી તકનીકીઓ ગ્રાહકોની સામે યોગ્ય રીતે મૂકવાનું એક મંચ બની ગયું છે. અમારું મેગેઝિન એન્જિનિયરિંગ વર્કશોપ્સમાં કામ કરતા દરેક માટે છે અને મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ તથા ઉત્તર ભારતમાં મરાઠી, ગુજરાતી, હિન્દી અને કન્નડ ભાષાઓમાં પ્રકાશિત થાય છે. નાના અને મધ્યમ ઉદ્યોગપતિથી માંડીને સામાન્ય કર્મચારી સુધી, દરેકને આમાંથી વાંચવા યોગ્ય કંઈક આપવા માટે અમે પ્રયત્નશીલ છીએ.
આ સામયિકોમાં પોતાના અનુભવના આધારે લખેલા લેખો પ્રકાશિત કરવાની અપેક્ષા અમે રાખીએ છીએ. વર્કશૉપમાં કામ કરતી વખતે કેટલીક વિશિષ્ટ ઉત્પાદન તકનીકોનો ઉપયોગ કર્યો હોય, કેટલાક નવીન વિચારોનો ઉપયોગ કરીને ઉત્પાદન ખર્ચ ઘટાડ્યો હોય, સમાન કાચા માલમાંથી વધુ ઉત્પાદન લીધું હોય, આવી ઘણી ઘટનાઓ આપની ફેક્ટરીઓમાં બની હશે. શૉપ ફ્લોઅર પર કામ કરતી વખતે અનેક રમુજી ઘટનાઓ બને છે. કામ કરવાની સાચી પદ્ધતિ ખબર ન હોય અથવા એ અંગે ગેરસમજણ હોય, એ એની પાછળના કારણો હોઈ શકે છે. પરંતુ આ બધા કિસ્સાઓમાં, આપણને થોડુંક શિક્ષણ અને નવા અનુભવો મળે છે. તે અનુભવ તેમજ આપના નવા ઉત્પાદન અને તકનીકી વિશેની માહિતી, 50,000 થી વધુ કંપનીઓના વાચકો સાથે શેર કરવાનું અમને ગમશે.
આપણે તો ઇજનેરો કે ફેક્ટરી કામદારો છીએ અને લેખન આપણો વિષય નથી, એ એક મોટી ગેરસમજ છે. જો આપ ખરેખર કશું કહેવા માંગતા હો, તો તે વ્યક્ત કરવાની ઘણી રીતો છે. આપ જે માહિતી આપવા માંગતા હો, તે આપને સરળ લાગે તે ભાષામાં લખી અને મોકલી શકો છો, અથવા આપ આપના ફોનમાં રેકોર્ડ કરીને પણ અમને મોકલી શકો છો. અમારી ઑફિસના સહકારીઓ આપના કાચા ડ્રાફ્ટ પર કામ કરશે અને ડ્રાફ્ટને છાપવા યોગ્ય બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે. અમે સુધારેલો ડ્રાફ્ટ આપને આપની મંજૂરી માટે મોકલીશું.
આપણી કાર્ય સંસ્કૃતિને વધુ ફળદાયી અને જ્ઞાન આધારિત બનાવવા માટે શરુ કરેલ આ અભિયાનમાં દરેક જણ ભાગ લે તેવી અપેક્ષા રાખીએ છીએ. આપની પાસેથી વિવિધ પ્રકારની અને સારી ગુણવત્તાવાળી માહિતી મળશે, એવી અમને ખાતરી છે. કૃપા કરી નીચેના ટેલિફોન નંબર અથવા ઇમેલ પર અમારો સંપર્ક કરો.
ટેલિફોન નં. + 91 9359104060
ઈમેલ : subeditor@udyamprakashan.in