દીપક દેવધર : જોશી સર, આપના વિદેશી અને સ્થાનિક ગ્રાહકો પાસેથી આપ  કઈ ગુણવત્તાની અપેક્ષા કરો છો? તે અપેક્ષાઓમાં આપ કયા ફેરફારો જોશો?
વિવેક જોશી : આપે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા પહેલા, મને લાગે છે કે આપણે ગુણવત્તા શું છે તેની ચર્ચા કરવી જોઈએ. દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણમાં ગુણવત્તાનું પ્રમાણ જુદું જુદું હોય છે. ગ્રાહક બદલાતાની સાથે ગુણવત્તાના માપદંડમાં ફેરફાર થાય છે. જો આપની પાસે કોઈ ગ્રાહક દ્વારા નિર્ધારિત માપદંડ અનુસાર ઉત્પાદન હશે, તો તે ઉત્પાદન તે ગ્રાહકની નજરમાં યોગ્ય ગુણવત્તાનું છે. બીજા ગ્રાહકની દ્રષ્ટીએ, જે કોઈ વિશિષ્ટ કાર્ય માટે ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોય, અને જો તે કાર્ય વ્યવસ્થિત રીતે થઈ જતું હોય, તો ગુણવત્તા યોગ્ય છે. આ બે વ્યાખ્યાઓથી આગળ વધીને, હું એમ કહેવા માંગુ છું, કે જો તમારું ઉત્પાદન ફક્ત ગ્રાહક દ્વારા આપવામાં આવેલા સ્પેસિફિકેશન મુજબ હોય, તો તે પૂરતું નથી. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ઉત્પાદન એવું હોવું જોઈએ જે ગ્રાહકને આનંદ, વિશ્વાસ અને સંપૂર્ણ સંતોષ આપે.
ચાલો હવે વિચાર કરીએ કે સમય જતાં ગ્રાહકોની અપેક્ષાઓ કેવી બદલાઈ ગઈ છે. જ્યારે ગુણવત્તાના ક્ષેત્રમાં થતા બદલાવની વાત આવે છે, ત્યારે કાર મૅન્યુફૅક્ચરિંગનો દાખલો જોવા લાયક છે. શરૂઆતમાં એક વ્યક્તિ કારનું આખું એન્જિન અસેમ્બલ કરતો હતો અથવા 1-2 લોકોની ટીમ આખી કારને અસેમ્બલ કરતી હતી અને તેઓ ખૂબ જ ગર્વ સાથે તેમનું નામ કાર પર કોતરતા હતા. મારો મતલબ, તે સમયે, તેમનું પોતાનું નામ જ ગુણવત્તાની ઓળખ હતી. આખરે અસેમ્બલી લાઇન આવી. ઘણા લોકો એકઠા થયા અને તેમણે કારનો એક એક ભાગ (પાર્ટ) તૈયાર કરવાનું શરૂ કર્યું. તેથી તે તમામ સ્થળોએ ગુણવત્તા તપાસ એ સમગ્ર અસેમ્બલીનો એક ભાગ બની ગઈ. 
જે લોકો ભાગોનો પૂરવઠો કરતા હતા, તે શરૂઆતમાં જ કયા ભાગ સારા છે અને કયા સારા નથી તે મુજબ ભાગોનું સૉર્ટિંગ કરીને ભાગો મોકલતા હતા. તે પછી તેની અંદરની ખામીયોની ગણતરી કરવામાં આવતી હતી. આ ખામીનો દર પણ 2 ટકા, 5 ટકા, 10 ટકા એવી રીતે ગણવામાં આવતો હતો. ધીરે ધીરે ગ્રાહકોએ એવી અપેક્ષાઓ વ્યક્ત કરી, કે ખામીનું પ્રમાણ ટકામાં નહિ પણ PPM માં (પાર્ટ પર મિલિયન) બતાવો. આનો અર્થ એ થયો કે 10 લાખમાંથી, ગ્રાહકને કેટલા ભાગ ખામીયુક્ત મળ્યાં તે માપવામાં આવશે અને તે આકારણીથી ગ્રાહક ઉત્પાદકને ગુણવત્તાનું રેટિંગ આપશે. ડેમલર, વોલ્વો જેવી કંપનીઓના દૃષ્ટિકોણથી, તેમને દોષરહિત ભાગોની (ઝીરો ડિફેક્ટ) સપ્લાય એ જ સાચી ગુણવત્તા છે. વર્તમાન ગ્રાહકને 'ઝીરો ડિફેક્ટ' જ નહિ, પણ 'ઝીરો ઇફેક્ટ ટુ એનવ્હાયરનમેન્ટ’ એટલે પર્યાવરણ પૂરક ‘ઈકે- ફ્રેન્ડલી' ઉત્પાદનો જોઇયે છે. હવે આ વાત વધુ તીવ્રતા સાથે વ્યક્ત કરવામાં આવે તેવું લાગે છે. ભવિષ્યમાં ગ્રાહકની આવી રીતની અપેક્ષાઓ વધતી જ જશે. 
વિક્રમ સાળુંખે : હું માપવાના સાધનોના (મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) ધંધામાં છેલ્લા 30 વર્ષોથી છું. હું જ્યારે આ વ્યવસાયમાં આવ્યો, ત્યારે જર્મનીમાં બનાવેલ ઉત્પાદન વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવતું હતું. તે સમયે, જાપાનમાં બનાવેલ ઉત્પાદનની ગણતરી જર્મની પછી કરવામાં આવી હતી. સમય બદલાતાં, જાપાનના ઉત્પાદનોને અગ્રણી ઉત્પાદનોમાં ગણવા માંડ્યા. વિવેક જોશીજીએ જણાવ્યું તેમ, ગ્રાહકની અપેક્ષાઓનો યોગ્ય અને ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને ગુણવત્તાની સાથે ગ્રાહકોની સંતોષ પર પણ કેવી રીતે ભાર મૂકાય છે, તે અમે જાપાની ઉત્પાદનોમાં જોઇએ છે. મને લાગે છે કે તે ગુણવત્તા એ એક અખંડ યાત્રા છે. દરેક દેશમાં આ યાત્રાના અલગ અલગ માઇલસ્ટોન હોય છે. આપણા દેશમાં ઑટોમોટિવ ઉદ્યોગમાં મારુતિનું આગમન એ એક મોટો માઇલસ્ટોન હતો. ત્યારથી, આપણા દેશમાં ગુણવત્તાના માપદંડોમાં ધરખમ ફેરફાર થયા છે.
ગુણવત્તા વિશે દરેકના જુદા જુદા મંતવ્યો હોય છે. દરેક માટે ગુણવત્તા માટેના માપદંડ જુદા હોય છે. આપણે બધાએ જોયું છે કે છેલ્લા 20-25 વર્ષોમાં ઑટોમોટિવ ઉદ્યોગમાં ગુણવત્તાના માપદંડ કેવી રીતે બદલાયા છે. ઇક્વિપમેન્ટ સપ્લાયર તરીકે અમે પણ આ બધી યાત્રામાં ઘણા બધા ફેરફારો જોયા છે. શરૂઆતના દિવસોમાં, ઉદ્યોગોમાં પાર્ટનો પુરવઠો કરતા પહેલા અંતિમ નિરીક્ષણ સમયે કોઈ એક મેજરિંગ ઇક્વિપમેંટ વાપરીને સંપૂર્ણ કાળજી સાથે ગુણવત્તાના તમામ માપદંડોનું નિરીક્ષણ અને અંતિમ વર્ગીકરણ કરવામાં આવતું હતું. હવે તે પેટર્ન બદલાઈ ગઈ છે. જે ખરેખર ઉત્પાદન કરે છે, ગુણવત્તા તેની જવાબદારી બની ગઈ છે. આજકાલ તમામ પૂરક સાધનો જે તે મશીન પર ઑપરેટરને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગુણવત્તા નિયંત્રણ, ગુણવત્તા ખાતરીની વ્યાખ્યાઓ સમય જતાં બદલાઈ ગઈ છે. સાથે સાથે, આપણા દેશના તમામ સપ્લાયર્સના બજારો પણ બદલાયા છે.
દીપક દેવધર : જોશી સર, જ્યારે આપ આપણી ભારતીય સંસ્કૃતિનો વિચાર કરો, ત્યારે અમારી કંપનીઓમાં એક વિશિષ્ટ સંગઠનાત્મક વર્તણૂક (ટિપિકલ ઑર્ગનાયઝેશનલ બિહેવિયર) હોય છે. વૈશ્વિક ગ્રાહકોના સપ્લાયર તરીકે, આપ માંગની દ્રષ્ટિએ આ સંસ્કૃતિનો અનુભવ કેવી રીતે કરો છો? શું આપ અપેક્ષા કરો છો કે આપની કંપનીમાં અથવા આપના સપ્લાયરની કંપનીમાં આ વર્તણૂક બદલાશે? આપને આ માટે શું પ્રતિસાદ મળે છે તે વિશે અમને કહો
વિવેક જોશી : આ એક ખૂબ સારો પ્રશ્ન છે. કારણ કે જેમ જેમ આપણે વૈશ્વિકરણ તરફ આગળ વધીએ છીએ, ત્યારે અમે વિવિધ દેશોમાં અમારા બનાવેલા પાર્ટ એક મેન સપ્લાયર તરીકે આપીએ છીએ. એવા સંજોગોમાં, અમારા સપ્લાયરની ગુણવત્તાની અસર અમારા અંતિમ ઉત્પાદન પર પડતી હોય છે. તેના માટે, આપણે વૅલ્યુ ચેન અથવા વૅલ્યુ સિસ્ટમ જુદી રીતે બદલવી પડશે. આપે આ માટે 'સંસ્કૃતિ' આ એક ખૂબ જ સારા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આપણે સંસ્કૃતિ અને સંગઠનાત્મક વર્તણૂકનું સુંદર સંયોજન બનાવી શકીએ છીએ, જે શરૂઆતથી જાપાન દ્વારા મૂકવામાં આવ્યું છે. કોઈપણ ઉદ્યોગની શરૂઆતથી જ આપ તેમના ઉત્પાદનો અને પ્રક્રિયાઓ પર તેમના પ્રાકૃતિક મૂલ્યો અને સંસ્કૃતિનો પ્રભાવ જોઈ શકો છો. પ્રક્રિયા અને ઉત્પાદનોની દ્રષ્ટીએ આપણને જે અનન્ય બનાવે છે તે છે મૂલ્ય વ્યવસ્થા, આપણી ધાર્મિક આસ્થા, આપણી પાસેની વિવિધતા. આપણે આ બધી બાબતોને સર્જનમાં સમાવી શકીએ છીએ.
તે અમારી પરંપરા રહી છે કે જો આપણે કંઇક આધુનિક કરવું હોય, તો આપણે પશ્ચિમી દેશો પાસે દોડી જતા હતાં. જાપાન, યુરોપ અથવા અમેરિકાથી વસ્તુઓની નકલ કરતા હતા. પણ હવે તે સમય ગયો. આજના સ્પર્ધાના યુગમાં, ઉત્પાદન ક્ષેત્રે કૉપી પેસ્ટ કામ કરતું નથી. ટેક્નોલૉજીની કૉપી કરી શકાય છે, તેમાં તમારી ઇચ્છા પ્રમાણે ફેરફાર કરી શકાય છે, પરંતુ જે કામની સંસ્કૃતિ છે, તેની નકલ આપ કરી શકતા નથી.
ઉત્પાદન ક્ષેત્રમાં મારા ગુરુ છે, સી. નરસિંહન સાહેબ. તેમણે પોતાનું એક પુસ્તક 'ઇંડિયન પ્રોડક્શન સિસ્ટમ' પણ પ્રકાશિત કર્યું છે. તેમની સાથેની ઘણી ચર્ચાઓથી, મને સમજાયું કે આપણે ભારતીય ઉત્પાદન સંસ્કૃતિ વિકસાવી જોઈએ. શ્રી સાળુંખેજીએ કીધું તે મુજબ, જો ઉત્પાદન બનાવતી વખતે જ દરેક જણ તેની યોગ્ય અને સંપૂર્ણ ચકાસણી કરે, તો ત્યાં અલગ ગુણવત્તા નિયંત્રણ, અલગથી ચકાસણી કરવાની જરૂર રહેશે નહિ. પણ આ તબક્કે પહોંચતા પહેલા, આપણે ઘણા પરિવર્તનો લાવવા પડશે. સંગઠનાત્મક વર્તણૂકનો એક મહત્વપૂર્ણ ભાગ એ છે કે અમારા જેવી મોટી કંપનીઓએ સ્થાન મુજબ, પ્લાન્ટ મુજબ એકમોની રચના કરવી જોઇયે. એકમોની અંદર લાઇન, લાઇનની અંદર સેલ, સેલની અંદર મશીન એવું વર્ગીકરણ કરવું જોઇયે. આમ કરવાથી ખૂબ જ માઇક્રો લેવલ પર કામને મોનિટર કરતા ફાવશે.
જો આપણે ફંક્શન્સનું વૅલ્યુ એડેડ અને નૉન-વૅલ્યુ એડેડ તરીકે વર્ગીકરણ કરીને નૉન-વૅલ્યુ એડેડ ફંક્શન્સને ઘટાડીએ, તો આપણા ઉત્પાદનની ગુણવત્તા અને કિંમત બંનેમાં ચોક્કસ સુધારો થશે. ઉત્પાદન સમયસર કરવા પર નિયંત્રણ પણ લાવી શકાશે.
માનવીય શક્તિની ઉપલબ્ધતા, માનસિકતા અને વૃત્તિના સંદર્ભમાં ભારતને વિશ્વભરમાં સકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે છે. પરંતુ આપણે ભારતીય અનુમાનિત વર્તનમાં (પ્રેડિક્ટેબલ બિહેવિયર) પાછળ રહીએ છીએ અને એ આપણી સૌથી મોટી ખામી જે, એમ અન્ય દેશો અન્ય દેશો હંમેશા રેખાંકિત કરે છે. આનો અર્થ એ છે કે સમયસર કંઇક કામ થાય છે, ધાર્યા પ્રમાણે જથ્થો હશે, અપેક્ષિત ગુણવત્તા પ્રાપ્ત થશે, ચોક્કસ સમયે તમારો માલ પહોંચશે, ઉત્પાદન ચોક્કસ દિવસે શરૂ થશે, આ બાબતોમાં આપણે સંમત શરતો મુજબ કામ કરવામાં પાછળ રહીયે છે, એવી આપણા દેશની છાપ પડી છે. આપણે આપણી સુસંગતતા, વિશ્વસનીયતા અને પ્રેડિક્ટૅબિલિટીને વધારવાની જરૂર છે.
ઉત્પાદન દરમિયાન ઘણી સમસ્યાઓ આવે છે. તેનો ઉકેલ લાવવા માટે ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે. મૂળભૂત રીતે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આપણે ભારતીય 'ડેટા ઓરિએન્ટેડ' છીએ? આપણું ધ્યાન ડેટા અને સમસ્યાનો સ્ટ્રક્ચર ઓરિએંટેડ હલ કરવા પર હોવું જોઈએ. તર્ક અથવા ધારણાને આધારે કોઈ ફેરફાર ન થવો જોઈએ. આપણી પાસેના કર્મચારી વર્ગની, ટીમના સભ્યોની, ઇજનેરોની કુશળતા વધારવાની જરૂરીયાત છે. સાથે જ, સ્વચાલન દ્વારા મશીન પ્રોસેસિંગની અંદર માનવીય કુશળતાની જરૂરિયાત ઘટાડવી જોઈએ. ભવિષ્યમાં માહિતી તકનીકનો ઉપયોગ યોગ્ય રીતે કરવું અગત્યનું રહેશે. જો સતત સુધારણાની સંસ્કૃતિને પોષવામાં આવે તો ગુણવત્તામાં વધારો થશે, ઉત્પાદન ખર્ચ ઘટશે. જો આપણે આપણી મૅન્યુફૅક્ચરિંગ સિસ્ટમમાં આવા ઘણાં સાંસ્કૃતિક પરિવર્તન, સંગઠનાત્મક પરિવર્તન લાવી શકીએ, તો આપણે સારી ગુણવત્તાવાળા ઉત્પાદનો બનાવીને વિશ્વની અગ્રણી કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકીશું, અને આ શક્ય છે.
જો તમને કોઈ સમસ્યા હોય, તો સામાન્ય રીતે માલિક અથવા વરિષ્ઠ અધિકારીની પહેલી પ્રતિક્રિયા હોય છે, કે ‘આ સમસ્યા માટે કોણ જવાબદાર છે?’ આ પ્રશ્ન આપણી સંસ્કૃતિનો ભાગ બની ગયો છે. તેના બદલે આપણે 4W અને 1 H પર આધારીત, કેવી રીતે, ક્યાં અને ક્યારે આ સમસ્યા આવી તેનું વિશ્લેષણ કરવું જોઈએ. કોઈપણ કાર્મચારી, જે કંપનીના ગેટ પર આવે છે, ક્યારેય એવો વિચાર કરીને આવતો નથી કે કંપનીમાં આજે હું કંઇક ખોટું કરીશ. તે વિચારે છે કે હું આજે કંઇક સારું જ કરીશ. દરેક કાર્મચારીને પોતાનું કાર્ય વધુ સારું બનાવવા માટે જરૂરી સિસ્ટમ્સ પૂરી પાડવી તે અમારા ઉપરી અધિકારીઓનું કાર્ય છે. આનો અર્થ એ છે કે જો કામમાં કોઈ સમસ્યા આવતી હોય, ખામીયુક્ત પાર્ટ બનાવવામાં આવી રહ્યા હોય, ઉત્પાદન અવાર નવાર બંધ પડતું હોય, તો તેની પાછળનું કારણ શોધવા માટે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમ વડે ડેટા એકત્રિત કરવાનું સરળ બને છે. આના માટે જાપાની કંપનીઓએ 'TEI એટલે ટોટલ એમ્પ્લૉયી ઇન્વ્હૉલ્વમેન્ટ' ની પદ્ધતિ અપનાવી છે.
દીપક દેવધર : સાળુંખે સર, મોટી અને નાની કંપનીઓ આપના ગ્રાહકો છે. વિવેક જોશીજીના કહેવા મુજબના સાંસ્કૃતિક પરિવર્તન ફેક્ટરીમાં લાવવા માટે નાની કંપનીઓનો પ્રતિસાદ કેવો હોય છે? જ્યારે ઇક્વિપમેન્ટની વાત આવે છે ત્યારે શું નાની કંપનીઓ તમારી પાસેથી કંઇક જુદી અપેક્ષા રાખે છે?
વિક્રમ સાળુંખે : ભલે કોઈ કંપની મોટી હોય કે નાની, હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં બહુ ફરક રહ્યો નથી. 20 વર્ષ પહેલા જ્યારે સી.એન.સી. મશીન બજારમાં આવ્યું, ત્યારે એવું માનવામાં આવતું હતું કે ફક્ત મોટી કંપનીઓ જ આ સી.એન.સી. મશીનો ખરીદશે અને વસાવી શકશે. નાની કંપનીઓ ફક્ત મૅન્યુઅલ લેથ્સ અથવા મિલિંગ મશીનો પર જ કામ કરશે. પરંતુ આજે એવી પરિસ્થિતી નથી. પછી ભલે તે નાનો ઉદ્યોગસાહસિક હોય અથવા સ્ટાર્ટઅપ, તેમની પાસે પહેલું મશીન સી.એન.સી. જ હોય છે. વિવેક જોશીજીના કહેવા મુજબ, મોટાભાગની મોટી કંપનીઓમાં ડેટા આધારિત સિસ્ટમ્સ હોય છે. તો નાની કંપનીઓમાં અનુભવ પર વધુ ભાર હોય છે. કોવિડના સમયમાં, તમારા કારખાનાની બધી સિસ્ટમોને નવી રીતે જોવાનો સમય આવ્યો છે. આપણી નાની કંપનીઓમાં મિસિંગ લિંક એ છે, કે ત્યાં ડેટા તૈયાર થાય છે, પરંતુ તેને અસરકારક રીતે ઉપયોગમાં લેવામાં આવતો નથી. ઘણી જગ્યાએ પરંપરાગત કૅલિપર્સને બદલે ડિજિટલ કૅલિપર્સનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગની કંપનીઓમાં CMM હોય છે. આ તમામ ઉપકરણોનો ડેટા જ્યાં માપવામાં આવે છે, તે જ સ્ટેશન પર પડ્યો રહે છે. તેને બદલે, ડેટા પાર્ટ સાથે આગળની પ્રક્રિયામાં આગળ વધવો જોઈએ. હાલમાં નાના કારખાનાઓમાં એવું થતું હોય તેવું લાગતું નથી.
થોડા સમય પહેલાં, કલ્યાણી ફોર્જના ચેઅરમન અને ડિરેક્ટર બાબાસાહેબ કલ્યાણી અમારી પાસે આવ્યા હતા. તેમણે તેમના ભાષણમાં "મીડિયા બ્રેક્સ" આ એક સુંદર પારિભાષિક શબ્દનો ઉપયોગ કર્યો. તેમના અનુભવ પરથી, તેમણે કહ્યું, "પાર્ટ પહેલા જાય છે અને પછી ડેટાનો પ્રવાસ થાય છે." હકીકતમાં, આપણે બધા જાણીએ છીએ કે ડેટા એ સૌથી ઝડપી ચાલતું ટૂલ છે. પરંતુ આ મીડિયા બ્રેક્સના કારણે, તે ડેટા અમુક મશીન પર, કોઈ પુસ્તકમાં, કેટલાક રેકોર્ડમાં અટવાયેલો હોય છે. જ્યારે પણ કોઈ સમસ્યા હોય ત્યારે આપણે તેને આપણા ભારતીય પોલીસ સિસ્ટમની જેમ શોધવું પડે છે. પરંતુ જો તે જ ડેટા પર સમયસર કાર્યવાહી કરવામાં આવે અને તેના યોગ્ય રેકોર્ડ રાખવામાં આવે, તો તે ચોક્કસપણે ફાયદાકારક થઈ શકે છે.
ઑટોમોટિવ ઉદ્યોગમાં આપણે હંમેશા સાંભળીએ છીએ કે કારોને પાછા બોલાવવામાં આવે છે. આવા સમયે તમારા OEM માટે ટ્રેસેબિલિટી ખૂબ મહત્વની છે. હવે જ્યારે BS 6 એ નવું સ્ટઁડર્ડ આવ્યું છે, તેની ઘણી જરૂરિયાતો આ ટ્રેસેબિલિટી પર આધારિત છે. આ માટે, શૉપ ફ્લોર પર વિવિધ પ્રક્રિયાઓના ડેટાને કનેક્ટ કરવો, તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, ડેટા આધારિત નિર્ણય લેવા, આ પ્રકારની કામગીરી મોટી કંપનીઓમાં કરવામાં આવે છે. આ જ સંસ્કૃતિ હવે આપણા દેશની તમામ નાની, મધ્યમ, લધુ કંપનીઓમાં ઠસાવવી જોઈએ. હવેથી જો ભારત વિશ્વના ઑટોમોટિવ ક્ષેત્રે અગ્રણી સ્થાન પર આવવા માંગતો હોય, જો ચાયનાનો એક વિકલ્પ તરીકે વિશ્વમાં દૃઢતાથી ઉભા રહેવું હોય, તો આપણે આ અંગે ખૂબ મહેનત કરવાની જરૂર છે.
દીપક દેવધર : આપણે વ્યક્તિગત અને સંગઠનાત્મક વર્તણૂકની દ્રષ્ટિએ આ ફેરફારો વિશે વાત કરી. જો મશીન પર કામ કરનાર કામદાર, જે તે પાર્ટની ગુણવત્તા માટે 'અકાઉંટેબલ' (જવાબદાર) હોય, તો જ તે ગુણવત્તા આગળ વધતી રહેશે. આ પરિસ્થિતિમાં કંપનીએ તકનીકી દૃષ્ટિકોણથી કેવી રીતે વિચારવું જોઈએ? આજની પરિસ્થિતિમાં, શું MSME માટે આધુનિક સાધનો જરૂરી બની ગયા છે? આપ આ વિશે શું વિચારો છો?
વિવેક જોશી : મને લાગે છે કે, ઝીરો ડિફેક્ટ ... શૂન્ય ખામી. .. દોષરહિત ઉત્પાદન એ હવે ગ્રાહકની મૂળભૂત અપેક્ષા છે. ઉત્પાદનની સાથે પ્રક્રિયામાં પણ કોઈ ખામી હોવી જોઈએ નહિ. જેમ જેમ ઇંડસ્ટ્રી 4.0 અથવા ક્વાલિટી 4.0 ની યાત્રા ચાલુ રહેશે, તેમ ઉત્પાદન ક્ષેત્રમાં ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજીનો પ્રવેશ વધતો જશે, તે એક જરૂરીયાત બની જશે. હું તો એમ કહીશ કે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આ એક સુવર્ણ તક છે. કારણ કે મોટી કંપનીઓમાં 2000-3000 મશીનો હોય છે, અને તેમને એક બીજા સાથે કનેક્ટ કરવાના હોય છે. તેના બદલે નાની ફેક્ટરીમાં અથવા શૉપ ફ્લોર પર 10-12 મશીનોના સેટઅપને ઇંડસ્ટ્રી 4.0 માં રૂપાંતરિત કરવામાં ઓછો સમય લાગશે અને તેનો અમલ ઝડપથી શરૂ થશે. આ માટે, ભાવિ ગુણવત્તાના આગળના 7 માપદંડ હોવા જોઈએ,
1. વ્યક્તિગત ગુણવત્તા (ક્વાલિટી ઑફ અ પર્સન): પોતાની, કારીગરોની, અધિકારીઓની ગુણવત્તા. કુશળતા (સ્કિલ), જ્ઞાન (નૉલેજ) અને વૃત્તિ (ઍટિટ્યૂડ) આ ત્રણ માપદંડ પર ગુણવત્તાના દૃષ્ટિકોણથી દરેક વ્યક્તિ માટે કાર્ય થવું જોઈએ.
2. કંપનીની અંદરની સિસ્ટમો: ગુણવત્તાવાળી સિસ્ટમો પર ભાર મૂકવાની ગરજ છે. કાચો માલ આવે ત્યારથી અંતિમ ઉત્પાદનનું પૅકેજીંગ કરીને તે બહાર જાય ત્યાં સુધી દરેક જગ્યાએ ગુણવત્તાવાળી સિસ્ટમ હોવી આવશ્યક છે. પ્રક્રિયા, પછી તે બૅચ હોય કે માસ પ્રૉડક્શન, કેવી રીતે કરવામાં આવે છે, અથવા તો ગ્રાહકને ઉત્પાદન પહોંચાડ્યા પછીની આફ્ટર સર્વિસ હોય, આ બધી સ્ટેજે સારી ગુણવત્તા હોવી જરૂરી છે.
3. મશીનની ગુણવત્તા (ક્વાલિટી ઑફ મશીન): મશીન ગમે તેટલું જૂનું કે નવું હોય, તે ગમે તેવા મેકનું હોય, આજે બજારમાં તમામ મશીનો સાથે જોડાઈ શકાય એવા વિવિધ સેન્સર આવી રહ્યા છે, જે કિંમતે સસ્તા હોય છે અને સારું કામ આપે છે. તેની સાથે કનેક્ટ થઈ શકે એવું હાર્ડવેર અને સૉફ્ટવેઅર પણ આજે ઉપલબ્ધ છે. મશીનનો પૂરેપૂરો ડેટા એકત્રિત કરીને તેના પર સૉફ્ટવેઅર દ્વારા પ્રક્રિયા કરીને તેને આપણી પાસે રાખવો હવે શક્ય છે. આનાથી બ્રેકડાઉન મેન્ટેનન્સ કરતા પ્રેડિક્ટિવ્હ મેન્ટેનન્સ કરવાનું સરળ બને છે. હજી આગળ જતાં, ડિસ્ક્રિપ્ટિવ્હ મેન્ટેનન્સ પ્રકારના મેન્ટેનન્સની વાત થાય, જેમાં મશીન પોતે જ કહે છે કે સમસ્યા ક્યાં આવવાની છે. જ્યાં કોઈ સમસ્યા છે ત્યાં શું બદલવું તે વિશેની બધી માહિતી સ્ક્રીન પર આવે છે. સૂચનો અનુસાર મેન્ટેનન્સ ટેકનિશિયન જરૂરી ફેરફાર કરી શકે છે. આ બધી માહિતી મશીન દ્વારા જ લેવામાં આવે છે અને તે એલાર્મ આપે છે, કે હવે આ ચોક્કસ ફેરફારો કરવાની જરૂર છે.
4. પ્રક્રિયા ગુણવત્તા (પ્રોસેસ ક્વાલિટી): પ્રક્રિયા ડેટા ઓરિએન્ટેડ હોવી જોઈએ. પ્રક્રિયામાં મૅન, મેથડ, મશીન, મટીરિયલ અને ટૂલ, એટલે 4 M અને 1 T નું ધ્યાન રાખવું જોઈએ.
5. નિરીક્ષણની ગુણવત્તા (ક્વાલિટી ઑફ ઇન્સ્પેક્શન): પ્રક્રિયા ઝીરો ડિફેક્ટ વાળી કેવી રીતે થાય તેના પર કાર્ય થવું જોઈએ. આવું કરતા પહેલાં, ગ્રાહકની જરૂરિયાતનું ધ્યાન રાખીને 100 ટકા ચકાસણી સમયસર થવી જ જોઈએ. ઍક્યુરેટ એ ભારતમાં ઑટો ગેજેસ બનાવતી પ્રથમ કંપની હતી. ઑટો ગેજ દ્વારા આશરે 150-170 પરિમાણો 40-45 સેકંડમાં તપાસવામાં આવતા હતા. તેના પરિણામો પણ 1 માઇક્રૉનની અંદરના હોય છે. તે ઉપકરણોની વિશ્વસનીયતા 100% છે અને 100% ઑનલાઇન કામ કરીને 'ઝીરો પરસેન્ટ પીપીએમ ટુ કસ્ટમર' એવું ઉત્પાદન મેળવી શકાય છે. આવી રીતે ગુણવત્તા વધારવી જોઈએ. પાર્ટની ટ્રેસેબિલીટી માટે આગળ જઇને આવશ્યક હોય તે માહિતી ભેગી કરીને સાચવવી પણ મહત્વપૂર્ણ છે.
6. ઉત્પાદનની ગુણવત્તા (ક્વાલિટી ઑફ પ્રૉડક્ટ): ઑનલાઇન ગેજિંગ, મશીનને સીધો ફીડબૅક, ઑનલાઇન SPC અને પ્રેડિક્ટૅબિલિટી.
7. પૅકેજિંગની ગુણવત્તા (ક્વાલિટી ઑફ પૅકેજિંગ): આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે, જેને ઘણીવાર ધ્યાનમાં લેવામાં આવતો નથી. આપણા બધા ઉદ્યોગસાહસિકોએ આપણે બનાવેલા ઉત્પાદનોના પૅકેજિંગ વિશે કાળજીપૂર્વક વિચારવું જરૂરી છે.
આ 7 માપદંડ આપના માટે ભાવિ ગુણવત્તા નક્કી કરી શકે છે. આજની પ્રગત તકનીકીને કારણે આજના વિશ્વમાં આ બાબતો સરળતાથી મળી રહે છે. તેથી MSME સાહસિકોને મારી વિનંતી છે કે તેનો યોગ્ય ઉપયોગ કરીને, આપ સમયસર, યોગ્ય વ્યક્તિ પાસેથી, યોગ્ય ગુણવત્તામાં અને યોગ્ય ભાવે આપનું ઉત્પાદન મેળવી શકો છો. મને લાગે છે કે આ તકનીકનો ઉપયોગ કરીને આપની પાસે મોટી કંપનીઓના સપ્લાયર બનવા માટે ઘણી તકો છે.
દીપક દેવધર : સાળુંખે સર, ગ્રાહકની બધી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આપ જે કોઈ સાધનો બનાવો છો, તેમાં શું આપે કોઈ એવું સાધન બનાવ્યું છે કે જે MSME ઉદ્યોગસાહસિકને અપીલ કરશે? જો આ ઉદ્યોગસાહસિક CMM આજે ખરીદી શકશે નહિ, તો શું આપ તેને કેટલાક વિકલ્પો આપી શકો છો? તે અંગે શું કોઈ ભાવિ પ્રોજેક્ટ આપના મનમાં છે? 
વિક્રમ સાળુંખે : પરફૉર્મન્સની દ્રષ્ટિએ સાધનસામગ્રી સૉફિસ્ટિકેટેડ હોય એ માત્ર એક શો નથી, હવે તેની જરૂર છે. ઉદાહરણ તરીકે, એક સાદુ કૅલિપર પરિમાણો તપાસે છે અને એ જ પરિમાણો અમે ડિજિટલ કૅલિપર સાથે પણ તપાસીએ છીએ. જો કે બંને કેલિપર્સ એકસરખા કામ કરે છે, અને જો કોઈ મને પૂછે કે બંનેના ભાવમાં કેમ તફાવત છે, તો આવી સ્થિતિમાં ડિજિટલ કૅલિપરને યોગ્ય ઠરાવવું મુશ્કેલ છે. પરંતુ ડિજિટલ કૅલિપરની અગત્યની વિશેષતા એ છે, કે તેમાંથી મેળવેલા ડેટાનો ઉપયોગ આગામી પ્રક્રિયામાં થાય છે અને જો તેના આધારે કેટલાક અગત્યના નિર્ણયો લેવામાં આવે, તો તેનું મૂલ્ય તે કૅલિપરની કિંમત કરતાં વધુ હશે.
તમારે ડિજિટલ ઇક્વિપમેન્ટમાંથી મળતા ડેટાનું વિશ્લેષણ કરવામાં સમર્થ થવું જોઈએ. તેનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. તેમાંથી પ્રેડિક્ટિવ્હ મેન્ટેનન્સ કરવું શક્ય હોય છે, ખર્ચ ઘટાડી શકાય છે. ડેટા વિશ્લેષણ એ આ બધાનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આવનારા સમયમાં આપણી માનવીય કુશળતામાં ઘણા પડકારો આવી રહ્યા છે. આપણને ડેટા સાથે કામ કરવાની ઘણી ટેવ નથી. હાલમાં આપણી મોટાભાગની ઊર્જા ડેટાને કલેક્ટ કરવામાં જ વપરાઇ જાય છે. તે પછી, તેના વ્યવસ્થાપનમાં સમય પસાર થાય છે અને સમય નીકળી ગયા પછી ગમે એટલું યોગ્ય વિશ્લેષણ હોય, હાથમાં કશું જ આવતું નથી. તકનીકી તમને તત્કાળ ડેટા પ્રાપ્ત કરવાની સગવડ આપે છે. પરંતુ તેનો ઉપયોગ કરવા માટે આપની સક્ષમતા હોવી જોઈએ.
જ્યારે ફોક્સવેગન કંપનીએ ચાકણમાં તેમની ફૅક્ટરી શરૂ કરી, ત્યાં સૌ પ્રથમ ક્વાલિટી રૂમ સ્થાપિત કરવામાં આવ્યો હતો. પ્લાન્ટના શરૂઆતના દિવસોમાં તેમના તત્કાલીન સીઈઓની ઑફિસ મેજરમેન્ટ રૂમમાં હતી. જો શૉપ ફ્લોર પર કોઈ સમસ્યા હોય, તો તેઓ તરત જ જવાબ નહિ આપે. પહેલા તેઓ CMM અહેવાલની જાતે તપાસ કરતા અને વિશ્લેષણ કરતા અને ત્યારબાદ આગળની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવતો. જ્યારે ઉચ્ચ હોદ્દો ધરાવનાર વ્યક્તિ ડેટા પર વધુ ભાર મૂકે છે, ત્યારે તે કંપનીમાં એક અલગ સંસ્કૃતિ સર્જાય છે, એ પાકી વાત છે!
દીપક દેવધર : ભાવિ ગુણવત્તાના માપદંડ અને તેના સંદર્ભમાં ઉત્પાદનોની ગુણવત્તા તેને અનુકૂળ થાય તે માટે શું કરવાની જરૂર છે તે વિશે આપણે વિગતવાર ચર્ચા કરી છે. જે તે ક્ષેત્રના નિષ્ણાતોને આમંત્રિત કરીને ઉદ્યમ પ્રકાશનના 'યંત્રગપ્પા' મંચના માધ્યમ દ્વારા આવા ઘણા ઘનિષ્ઠ વિષયો આપણા વાચકો માટે અનાવરણ કરવામાં આવશે. આ સત્રમાં આપની ભાગીદારી અને આ ચર્ચાને વધુ અર્થપૂર્ણ બનાવવા માટેના આપના સૂચનો આવકાર્ય છે.
(શબ્દરચના: સઇ વાબલે,
સહાયક સંપાદક, ઉદ્યમ પ્રકાશન પ્રા. લિ.