લૉકડાઉન પછી, વિશ્વભરની કંપનીઓમાં વ્યવસાયિક કામગીરી માટે વાસ્તવિક માનવીય વ્યવહારો પર પ્રતિબંધ હોવાને કારણે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ બધે વધ્યો છે. આપણા કારખાનાની અંદર પ્રક્રિયાઓનું ડિજટલાયઝેશન કરવાની દ્રષ્ટીએ ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાય પદ્ધતિનું નવેસરથી આયોજન કરવું જરૂરી થયેલ છે. આ કેવી રીતે કરી શકાય તેના માર્ગો ઓળખીને, તેનો અભ્યાસ કરીને, ઉત્પાદકતા વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વેબ હોસ્ટિંગમાં કામ કરતી IT સર્વિસેસ કંપની ‘એન્ડ્યુરન્સ ઇન્ટરનૅશનલ ગ્રૂપ’ દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર, 30% MSME કંપનીઓએ લૉકડાઉન દરમિયાન વેબસાઇટ્સ અથવા ઇ-કૉમર્સને પસંદગી આપી છે, જ્યારે 50% કરતા વધારે MSME વિડિઓ કૉન્ફરન્સિંગ ટૂલ્સ અને વ્હૉટ્સઍપ દ્વારા બિઝનેસ સાતત્ય જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિવિધ ઉદ્યોગસાહસિકો સાથે ચર્ચા કર્યા પછી આ બાબતની નોંધ લેવામાં આવી છે, કે એકધારી ઉત્પાદકતા ફરી મેળવવા માટે નવા ફેરફારો સાથે ઉદ્યોગ ક્ષેત્ર હવે સજ્જ થયું છે. મોટાભાગના ઉદ્યમીઓની કાર્ય સૂચિમાં તકનીકી અપગ્રેડેશન મોખરે હતું.
તકનીકી અપગ્રેડેશન માટે સમયસર માર્ગદર્શન મેળવવું એ એક મહત્વપૂર્ણ બાબત છે, તેમાં કોઈ શંકા નથી. ભારત સરકારે
ideas.msme.gov.in આ નામથી MSME આઇડિયાઝ પોર્ટલ પણ શરૂ કર્યું છે. કોઈપણ વ્યક્તિ આ પોર્ટલ પર ઉદ્યોગ માટે વિવિધ બઁકિંગ યોજનાઓ, નવા વિચારો, ઇનોવ્હેશન અને સંશોધન પરની માહિતી અપલોડ કરી શકે છે. તે સાથે આ પોર્ટલ વ્હેન્ચર કૅપિટલ અને વિદેશી સહયોગમાં (કોલૅબરેશન) પણ મદદ કરે છે.
MSME ક્ષેત્રને નવી ઉંચાઈ પર લઈ જવા માટે સ્ટાર્ટઅપ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તકનીકીમાં કુશળ એવા સ્ટાર્ટઅપ્સમાં બજારના ગણિતમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા હોય છે. સ્ટાર્ટઅપ્સ અને MSME વચ્ચેના સહયોગને હાલના સંદર્ભમાં ગેમ-ચેન્જર તરીકે જોઇ શકાય છે. આજે, નાના-મધ્યમ કારખાનાઓમાં દરેક તબક્કે ઇનોવ્હેશનનો સમાવેશ કરવાની તાતી જરૂરિયાત છે. એવી ચર્ચા છે કે મોટાભાગની વિદેશી કંપનીઓ ભારતમાં કારખાનાઓ સ્થાપવાની વિચારણા કરી રહી છે. તેથી, ભારતીય MSME કંપનીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક, શ્રેષ્ઠ પ્રયાસો (બેસ્ટ પ્રૅક્ટિસેસ) અને ઉત્પાદનો બનાવવાની જરૂર છે. કુશળતા અને સ્વદેશી તકનીકીના વિકાસ માટે નવીનતાને પ્રોત્સાહન આપવું જોઈએ. વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે આનાથી સારો સમય બીજો ક્યારેય નહોતો.
સ્પર્ધાત્મક અને સર્વમાન્ય ઉત્પાદન બનાવવાના દૃષ્ટિકોણથી વૈશ્વિક બજારમાં MSME સાહસિકોને જોડવા માટે જરૂરી જ્ઞાન અને માહિતી પ્રદાન કરવાનો અમારો હંમેશા પ્રયત્ન હોય છે. ધાતુકામના સુપર ફિનિશિંગ વિશેના આ વિશેષ અંકમાં, આપને ‘નવું ઉત્પાદન’ આ વિભાગમાં CMTI દ્વારા પ્રાયોગિક વિચારસરણીથી વિકસાવેલી ટેકનોલોજી અને AFFM-150D મશીન વિશે ઉદાહરણ સાથે જાણવા મળશે. ‘સ્વચાલન’ વિભાગમાં, અમે TAL દ્વારા વિકસિત બ્રૅબો રોબો અને ઑટોમેશનના કેટલાક ઉદાહરણો વાચકો માટે પ્રસ્તુત કર્યા છે. લૅપિંગ યા મશીનિંગ પ્રક્રિયાની વિગતવાર માહિતી આપનાર લેખ ‘સી.એન.સી.’ વિભાગમાં શામેલ છે. ‘પ્રક્રિયામાં સુધાર’ આ વિભાગમાં ધાતુને કાપવાની મૂળભૂત પ્રક્રિયા વધુ સરસ રીતે કરવા માટેની વૉટરજેટ કટિંગ તકનીકી, તેમજ સુપર ફિનિશિંગ માટે વપરાતી પ્લૅટૂ હોનિંગ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી છે. ‘ટૂલિંગ’ વિભાગમાં સપાટી ફિનિશ કરવાની તકનીકમાં રોલર બર્નિશિંગ પ્રક્રિયાના ફાયદા અને લાભો વિશે વિગતવાર સમજાવતો લેખ તમારા માટે ઉપયોગી થશે. અમે ધાતુકામ પરિવાર સાથે જોડાયેલા દરેક માટે સપ્ટેમ્બરથી 'યંત્રગપ્પા' નામના વેબિનરનું આયોજન કરીએ છીએ. અમારા વાચકો માટે સપ્ટેમ્બર મહીનાના વેબિનારનો સારાંશ એક ઇન્ટરઍક્ટિવ લેખ દ્વારા આ અંકમાં રજૂ કરીએ છીએ. જીગ્સ અને ફિક્શ્ચર્સ ઉપરાંત, સી.એન.સી. પ્રોગ્રામિંગ, ટૂલિંગ સુધારણા, મશીન મેન્ટેનન્સ વિગેરે લેખમાળા આપના રોજિંદા કાર્યમાં ચોક્કસ ઉપયોગી થશે.
આશા છે કે દિવાળીનો પ્રકાશ વૈશ્વિક મંદી, કોવિડ 19 વાયરસ એ સંકટોથી આપણા સમગ્ર જીવન પર આવેલો અંધકાર ચોક્કસપણે દૂર કરશે. અમારા બધા વાચકો, જાહેરાતકર્તાઓ, લેખકો અને અન્ય મિત્રોને દશેરા અને દિવાળી સાથે નવા વર્ષની શુભકામના!
દીપક દેવધર
deepak.deodhar@udyamprakashan.in