ધાતુકામના ઑગસ્ટ 2021 ના અંકમાં આપણે ઍન્ગલ પ્લેટ ટાઈપ જિગ અને બીજા બે અલગ પ્રકારના જિગ વિશે જાણકારી મેળવી હતી. સાથે જ આ જિગના મહત્વના ભાગોનું કામ પણ સમજી લીધું હતું. પહેલાના લેખમાં બતાવેલ આ બે જિગ, નાની કાર્યવસ્તુ માટે વાપરવામાં આવે છે. આ પ્રકારના જિગ મોટા યંત્રભાગો માટે પણ બનાવવામાં આવે છે, જેમ કે ક્લચ હાઉસિંગ, ફ્લાયવીલ હાઉસિંગ, વૉટર પંપનો ફૂટ માઉન્ટિંગ હોલ વગેરે. ઍન્ગલ પ્લેટ ટાઈપ જિગનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે કારણ કે આ જિગ ટેબલ ઉપર મજબૂતાઈથી પકડીને તેના પર કાર્યવસ્તુને લોડ કરવામાં આવે છે. જિગનું વજન વધવાથી કોઈ તકલીફ નથી થતી, કારણ કે તેને વારંવાર ઉપાડવું નથી પડતું. આ કારણે તેને આપણી ઈચ્છા અનુસાર મજબૂત બનાવી શકાય છે. આ લેખમાં આપણે ટમ્બલ પ્રકારના જિગ વિશે જાણકારી મેળવીશું.
ટમ્બલ પ્રકારના જિગ
ટમ્બલ એટલે ઊંધુ વળવું. ટમ્બલ ટાઈપ જિગ ચિત્ર ક્ર. 1 માં દર્શાવવામાં આવેલ છે અને એની વિગતવાર માહિતી નીચે આપેલી છે.
1. જિગના પગ (ફીટ) A
જિગનો આ ભાગ સખ્ત અને ગ્રાઈંડ કરેલો હોય છે. જિગને એક જ જગ્યાએ સ્થિર રાખવા માટે એના ચારેય પગના તળિયાને સમાન સ્તર પર ગ્રાઈંડ કરવામાં આવે છે. છિદ્રનું ડ્રિલિંગ કરતી વખતે જિગ આ પગ ઉપર જ ઊભું રહે છે, જેથી કાર્યવસ્તુની સપાટીના કાટખૂણામાં છિદ્રનું યંત્રણ થાય છે. આ પગ જિગ પર હેક્સ નટની મદદથી લગાડવામાં આવે છે. તેમનું માનકીકરણ કરી લેવું સારું છે.
ચિત્ર ક્ર 1 : ડ્રિલિંગ કરતી વખતે જિગની સ્થિતિ
2. જિગના પગ B
જિગનો આ ભાગ સખ્ત અને ગ્રાઈંડ કરેલો હોય છે. જિગને એક જ જગ્યાએ સ્થિર રાખવા માટે એના ચારેય પગના તળિયાને સમાન સ્તર પર ગ્રાઈંડ કરવામાં આવે છે. આ પગ પણ હેક્સ નટની મદદથી લગાડવામાં આવે છે. કાર્યવસ્તુને જિગમાં રાખીને મજબૂતીથી પકડવી હોય, તો જિગને ઊંધુ કરવાથી (ચિત્ર ક્ર. 2) આ કામ સરળ થઈ જાય છે. પગનું આ કામ જ છે. એટલે કાર્યવસ્તુને લોડ કરતી વખતે આ જિગને B પગ ઉપર રાખવું પડે છે. પરંતુ ડ્રિલિંગ કરતી વખતે કાર્યવસ્તુને A પગ ઉપર રાખીને જ ડ્રિલિંગ કરવામાં આવે છે. એટલે કે કાર્યવસ્તુ પર યંત્રણ કરતી વખતે જિગ દરેક વખતે ઊંધુ કરવું પડે છે, તેથી એને ટમ્બલ જિગ કહેવામાં આવે છે. ટ્રૂનિયન ટાઈપ ફિક્શ્ચરમાં આ જ તત્વનો ઉપયોગ થાય છે, જેની માહિતી આપણે આગળના અમુક લેખોમાં મેળવીશું.
ચિત્ર ક્ર. 2 : કાર્યવસ્તુ જિગમાં લોડ કરતી વખતે જિગની સ્થિતિ
3. જિગ બુશ
ઉપરના જિગમાં હેડેડ જિગ બુશ વાપરવામાં આવ્યું છે. કાર્યવસ્તુમાં ફક્ત 6 મિમી. વ્યાસના 4 છિદ્ર બનાવવાના છે, એટલા માટે હેડેડ બુશનો ઉપયોગ કર્યો છે. કાર્યવસ્તુની સપાટી અને બુશની વચ્ચે ઘણી ઓછી જગ્યા હોવાથી ચિપ, બુશમાંથી જ બહાર નીકળે છે. તેથી ઓછી લંબાઈવાળા ડ્રિલનો પણ ઉપયોગ કરી શકાય છે.
4. જિગ પ્લેટ
આ એક લંબચોરસ પ્લેટ છે, જેની બન્ને સપાટીઓ ગ્રાઈંડ કરેલી છે. કેમકે પ્લેટની એક સપાટી ઉપર કાર્યવસ્તુ વારંવાર રાખવામાં આવે છે, આ ભાગનું કેસ હાર્ડનિંગ કરવામાં આવે છે. એના પર જિગના પગ અને લોકેટર બેસાડવા માટે H7 ટૉલરન્સના છિદ્ર બનાવેલા હોય છે. આ છિદ્રની સપાટી નરમ હોવાથી આ પ્લેટનું કેસ હાર્ડનિંગ કરાય છે. પ્લેટ અને કાર્યવસ્તુની વચ્ચે હાર્ડ રેસ્ટ પૅડને સ્ક્રૂની મદદથી લગાડવું, એ તેનો બીજો વિકલ્પ છે. પણ તેનાથી ડ્રિલની લંબાઈ વધી જાય છે અને આવરદા ઓછી થઈ જાય છે. બન્ને વિકલ્પ પોત પોતાની જગ્યાએ યોગ્ય છે, વિકલ્પની પસંદગી આપણા ઉત્પાદનની માત્રા ઉપર નક્કી કરવાની હોય છે.
5. લોકેટર
લોકેટર કાર્યવસ્તુને જિગમાં એની યોગ્ય જગ્યા પર લગાડે છે. આ લોકેટર પ્લેટમાં ગાઈડ લઈને, કૅપ સ્ક્રૂની મદદથી લગાવેલા છે. પ્લેટના જે છિદ્રમાં લોકેટર લગાયેલ છે તેનો કેન્દ્ર બિંદુ અને ચાર બુશ છિદ્રોનો સહિયારો કેન્દ્ર બિંદુ એક જ એટલે સમકેન્દ્રી હોવા જરૂરી છે. આ લોકેટરની બીજી બાજુએ થ્રેડ બનાવેલા હોય છે. નટની મદદથી કાર્યવસ્તુ પકડવામાં આવે છે. આ થ્રેડ નરમ રાખવા પડે છે, એટલા માટે લોકેટરનું કેસ હાર્ડનિંગ કરવું પડે છે.
6. C વૉશર
આનું કાર્ય આપણે પાછળના લેખમાં જોયું છે. આ C વૉશર ઉપર વપરાયેલા નટનો વ્યાસ, કાર્યવસ્તુના આંતરિક વ્યાસ કરતા ઓછો હોવો જરૂરી છે. જો આવું ન હોય, તો કાર્યવસ્તુને જિગમાંથી બહાર કાઢવા માટે આખો નટ બહાર કાઢવો પડશે અને એ માટે નટ ઓછામાં ઓછો 8 થી 10 વખત ફેરવવો પડશે. આનાથી વધુ સમય વેડફાશે, ઑપરેટર પણ થાકી જશે અને C વૉશર વાપરવાનો કોઈ ફાયદો પણ નહીં થાય. લોકેટર ઉપરના થ્રેડની પસંદગી કરતી વખતે આ બધી વાતોનું ધ્યાન રાખવું
પડે છે.
આ પ્રકારના જિગ હાથેથી સીધા અને ઊંધા કરવાને કારણે એનું વજન 5 થી 7 કીલો સુધી સિમિત રાખવું પડે છે. નાની કાર્યવસ્તુઓના ડ્રિલિંગ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રિલિંગ દરમિયાન આવા જિગ હાથેથી પકડવામાં આવે છે, જિગ માટે અલગથી ક્લૅમ્પિંગ કરવાની જરૂરિયાત નથી હોતી. સામાન્ય રીતે, 6 થી 8 મીમી. વ્યાસના છિદ્રનું ડ્રિલિંગ કરતી વખતે જિગ હાથેથી પકડી શકાય છે. બન્ને બાજૂથી ડ્રિલિંગ કરવું હોય, તો પણ આ પ્રકારનું જિગ વાપરી શકાય છે.
9011018388
અજિત દેશપાંડેને જિગ અને ફિક્શ્ચરના ક્ષેત્રમાં 36 વર્ષથી વધુ અનુભવ છે. તેમણે કિર્લોસ્કર, ગ્રીવ્ઝ લોમ્બાર્ડિની લિ., ટાટા મોટર્સ જેવી અલગ અલગ કંપનીઓમાં વિવિધ પદો પર કામ કર્યું છે. ઘણી એન્જિનિયરિંગ કૉલેજોમાં આપ અતિથી પ્રાધ્યાપક છો.