ડીઝલ પ્રાયમિંગ પંપ ટેસ્ટિંગ મશીન
કોઈપણ ઉત્પાદન કરતી વખતે, દરેક ઉત્પાદિત વસ્તુનું પરીક્ષણ કરવું અત્યંત જરૂરી છે અને એ પરીક્ષણ ન કરવાથી વસ્તુ અસ્વીકૃત (રિજેકશન) થવાની માત્રા વધી શકે છે. ડીઝલ પર ચાલનારા ટ્રકમાં પ્રાઈમિંગ કરવા માટે એક પંપ હોય છે. એન્જિનમાં ડીઝલના માર્ગમાં જ્યારે હવા અટકી જાય છે ત્યારે આ પંપની મદદથી એ કાઢવામાં આવે છે. આ પંપ હાથેથી સંચાલિત કરવામાં આવે છે. જયારે પ્રોડકશન લાઈનમાં આ પંપ બને છે, ત્યારે દરેક પંપનું પરીક્ષણ કરાય છે. આ પરીક્ષણ માટે પુણે સ્થિત અમારી ‘ફૅબેક્સ એન્જિનિયર્સ’ કંપનીએ ગ્રાહકોની જરૂરિયાત અનુસાર ‘ડીઝલ પ્રાઈમિંગ પંપ ટેસ્ટિંગ મશીન’ બનાવ્યું. આ લેખમાં આપણે એ મશીન વિશે જાણકારી મેળવીશું.
જૂની પદ્ધતિ
પ્રાઈમિંગ પંપનું ઉત્પાદન કરનારી એક ફેકટરીમાં સામાન્ય રીતે પ્રતિ મિનીટ એકના હિસાબે દરરોજ 300 થી 400 સુધી ડીઝલ પ્રાઈમિંગ પંપ બને છે. આ પંપ 3 થી 4 પ્રકારના હોય છે. દરેક પ્રકાર માટે અલગ અલગ સેટઅપ જરૂરી હોય છે. ઉત્પાદિત બધા પંપનું પરીક્ષણ કરવું જરૂરી હોય છે. પહેલા આ પરીક્ષણ મૅન્યુઅલી કરવામાં આવતું હતું. એમાં સમય અને મહેનતનો મેળ બેસતો ન હતો. આ પ્રક્રિયામાં, હકીકતમાં કેટલું ડીઝલ પંપની બહાર આવે છે, એ તપાસવા માટે ઑપરેટરે 25 સ્ટ્રોક હાથેથી લગાડવા જરૂરી હતા. એના પછી એને સક્શન આપવામાં આવતું હતું. આ પ્રક્રિયામાં ઘણું ડીઝલ છલકાઇને બહાર આવી જતું હતું. ઑપરેટર એમાં જ વ્યસ્ત રહેતો હતો. આ કામ સમય સાથે જટિલ થતું જતું હતું. આ કારણે પુનરાવર્તનક્ષમતા (રિપિટેબિલિટી) તથા સાતત્યતા અને ચોકસાઈ મળતી નહતી.
જૂની પદ્ધતિનો પ્રક્રિયા પ્રવાહ ચાર્ટ
આ પૂર્ણ પ્રક્રિયામાં 5 મિનીટનો સમય લાગતો હતો.
ગ્રાહકોની માંગણી
• 3-4 પ્રકારના 300 થી 400 પંપની તપાસ, પ્રતિ મિનીટ એકના દરે નિરંતર ચોકસાઈથી થવી જોઈયે.
• ઑપરેટરને થાક ન લાગવો જોઈયે.
• એ તપાસ કરવી અત્યંત જરૂરી છે કે પંપના હેડથી, 25 સ્ટ્રોકમાં, 500 મિલી. ડીઝલ +/- 30 મિલી. ની અપેક્ષિત માત્રામાં બહાર આવે છે કે નહિ. બીજા શબ્દોમાં ગ્રાહકોની મુખ્ય માંગણી એ હતી કે પંપના દરેક સ્ટ્રોકમાં ડીઝલ પંપ કરવાની ક્ષમતાનું પરીક્ષણ થવું જોઈએ.
નવી પદ્ધતિ
• દરેક પ્રકારના પંપ માટે મશીનના ખાંચામાં બરાબર બેસી જાય તેવુ એક ફિક્શ્ચર બનાવવામાં આવ્યું.
• ફિક્શ્ચરને ઇનલેટ અને આઉટલેટ સાથે જોડવા માટે ન્યુમૅટિક વ્યવસ્થા કરવામાં આવી.
• ડીઝલ પંપ કરવાની ક્ષમતા ચકાસવા માટે ઈલેક્ટ્રોનિક ફ્લો મીટરનો ઉપયોગ કરવામાં આવ્યો.
• એક સેન્સર બેસાડીને હવા બહાર નીકળી જાય ત્યાર બાદ સ્ટ્રોક ગણીને એમાંથી આવતા ડીઝલનું માપન શરું કર્યું.
કૅસેટ પ્રકારનું ફિક્શ્ચર
આ પ્રક્રિયામાં ઉદ્દભવતી તકલીફોનો સામનો કરવા માટે કેટલીક ઈલેક્ટ્રિક તથા ન્યુમૅટિક પ્રણાલીનો ઉપયોગ કરીને આપમેળે જ એનું સમારકામ થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી.
નવી પદ્ધતિનો પ્રક્રિયા પ્રવાહ ચાર્ટ
લાભ
• આ પૂર્ણ પ્રક્રિયાને ન્યુમૅટિક તથા સ્વચાલિત કરવાથી આપણને એક મિનીટથી પણ ઓછો (52 સેકંડ) અપેક્ષિત આવર્તન સમય (સાયકલ ટાઈમ) બરાબર રીતે મળવા લાગ્યો.
• આ નવી પ્રક્રિયામાં માત્ર એક જ ઑપરેટર હોય છે. જેણે મૅન્યુઅલી કોઈપણ કામ કરવું પડતું નથી. આ ચકાસવાની પ્રક્રિયા પર નજર રાખવા સિવાય ઑપરેટર પર બીજી કોઈ જવાબદારી હોતી નથી.
• પ્રક્રિયા સ્વચાલિત હોવાથી માનવીય ભૂલોની શક્યતા નથી રહેતી.
• ફ્લોમીટરનો ઉપયોગ કરવાથી ચોકસાઈ તથા પુનરાવર્તનક્ષમતા બન્ને બાબત નિશ્ચિત થઈ ગઈ.
• પોકોયોકે પ્રણાલીને કારણે આ મશીન પર લાઈનથી આવનાર અસ્વીકૃત પંપ આ સ્થાને આપમેળે ઝડપાઈ જાય છે. દા.ત. જો 25 સ્ટ્રોકમાં 400 મિલી. ડીઝલ ન આવે, તો પંપ પર પંચિંગ નથી થતું. અને પંચિંગ ન થાય તો એનો અર્થ એ કે પંપ ઠીક નથી.
• આ મશીનની મદદથી કોઈપણ અલગ અલગ પંપની ગમે તેટલી વાર ચકાસણી કરી શકાય છે.
9422086165
પ્રસન્ન અક્કલકોટકર મેકૅનિકલ એન્જિનિયર છે અને એમને આ ક્ષેત્રનો 25 થી પણ વધુ વર્ષોનો અનુભવ છે.