હાલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે, એવામાં નવા સંશોધનો કરી ઓછા સમયમાં વધુ કામ કરે તેવા, ઝડપી અને અચૂક CNC મશીનો વિકસાવવામાં આવ્યા છે. આજકાલ CAD/CAM નો ઊપયોગ વધ્યો છે. તેની અંદર 2 પદ્ધતિથી CNC નિયંત્રણ માટેના પ્રોગ્રામ બનાવી શકાય, એ તો તમે જાણતા જ હશો.
1. મૅન્યુઅલ પ્રોગ્રામ ઇનપુટ : આમાં પ્રોગ્રામર પોતાની આવડત પ્રમાણે જાતે વિચારીને પ્રોગ્રામ લખે છે અને મશીનની કંટ્રોલ સિસ્ટમમાં દાખલ કરે છે.
2. કૉમ્પ્યુટરની મદદથી ઉત્પાદન (કૉમ્પ્યુટર એડેડ મૅન્યુફૅક્ચરિંગ CAM) : અત્યાધુનિક સૉફ્ટવેઅર દ્વારા કૉમ્પ્યુટરમાં યંત્રભાગનું મૉડેલ બનાવાય છે, ત્યાર પછી તેના યંત્રણ માટે કેટલીક માહિતી (ડેટા) દાખલ કરીને કૉમ્પ્યુટર દ્વારા ગણતરી કરવામાં આવે છે અને પ્રોગ્રામ બનાવવામાં આવે છે.
આ બન્ને પદ્ધતિ ખૂબ પ્રચલિત છે અને બધા સી.એન.સી. વપરાશકર્તાઓ આ જ પદ્ધતિ વાપરે છે. આમ જોઈયે તો મૅન્યુઅલ પ્રોગ્રામ ઇનપુટ પદ્ધતિમાં ઘણી ગણતરીઓ કરવી પડે છે. સમય પણ વધારે લાગે છે અને એક નાની ભૂલ પણ ખતરનાક સાબિત થઈ શકે છે, જેના પરિણામે મશીનમાં અકસ્માત પણ થઈ શકે છે.
મૅજિક (મૅક્રો) પ્રોગ્રામ કેવી રીતે કામ સરળ બનાવે છે અને પ્રોગ્રામમાં મૅક્રો વેરિએબલનો ઉપયોગ કરીને ઓછા સમયમાં અને સરળતાથી પ્રોગ્રામ કેમ બનાવી શકાય, તે હવે આપણે જાણીશું. મૅજિક પ્રોગ્રામ બીજું કંઈ નથી પરંતુ તે મૅક્રો પ્રોગ્રામ જ છે.
મૅક્રો પ્રોગ્રામિંગ
મૅક્રો પ્રોગ્રામિંગ એ પ્રોગ્રામિંગ તકનીકનો જ એક ભાગ છે, જે પ્રમાણભૂત સી.એન.સી. પ્રોગ્રામિંગ પદ્ધતિઓમાં વધારાના નિયંત્રણ અને સુવિધાઓ ઉમેરીને વધુ શક્તિ અને સુગમતા લાવે છે. બધી સી.એન.સી. સિસ્ટમો માટે મૅક્રો એ પ્રોગ્રામિંગની એક ભાષા આધારિત પદ્ધતિ છે. સી.એન.સી. સિસ્ટમમાં સામાન્ય રીતે C++ અથવા વિઝ્યુઅલ બેઝિક જેવી ઉચ્ચ સ્તરની ભાષાઓ, તેમના અનેક પ્રકાર અને ડેરિવેટિવનો ઉપયોગ કરાય છે. વિવિધ કૉમ્પ્યુટર ઍપ્લિકેશનો માટે અથવા અત્યાધુનિક સૉફ્ટવેઅર વિકસાવવા માટે કૉમ્પ્યુટર સૉફ્ટવેઅર વ્યાવસાયિકો તેમનો બધે ઉપયોગ કરે છે. ફાનુક મૅક્રો એ માત્ર અચૂક વ્યાખ્યા ધરાવતી ભાષા છે, એટલું જ નહિ તો એ ફક્ત સી.એન.સી. મશીનો પર ખાસ હેતુ માટે વપરાતું (સ્પેશલ પર્પજ) સૉફ્ટવેઅર છે. જો કે, ઉચ્ચ સ્તરીય કૉમ્પ્યુટર ભાષાઓમાં જોવા મળતી ઘણી લાક્ષણિકતાઓનો ઉપયોગ સી.એન.સી. મૅક્રો પ્રોગ્રામમાં થાય છે.
લાક્ષણિકતાઓ
ફાનુક મૅક્રોમાં જોવા મળતી લાક્ષણિકતાઓ નીચે મુજબ છે :
1. અંકગણિત અને બીજગણિત પર આધારિત ગણતરી
2. ત્રિકોણમિતિ પર આધારિત ગણતરી
3. વેરિએબલ ડેટા સ્ટોરેજ
4. લૉજિકલ ઑપરેશન
5. લૂપિંગ
6. ભૂલ તપાસ
7. એલાર્મ જનરેશન
8. ઇનપુટ અને આઉટપુટ અને અન્ય ઘણી લાક્ષણિકતાઓ
મૅક્રો પ્રોગ્રામ અમુક હદ સુધી માનક સી.એન.સી. પ્રોગ્રામ જેવો જ દેખાય છે, પરંતુ તેમાં ઘણી લાક્ષણિકતાઓ શામેલ છે, જે નિયમિત પ્રોગ્રામિંગમાં નથી જોવા મળતી. મૂળ રૂપે, મૅક્રો પ્રોગ્રામ એક નિયમિત સબપ્રોગ્રામ તરીકે ડિઝાઇન કરેલો હોય છે. તે તેના પોતાના પ્રોગ્રામ નંબર (O) હેઠળ સંગ્રહિત કરવામાં આવે છે અને તેને મુખ્ય પ્રોગ્રામ દ્વારા અથવા બીજા મૅક્રો દ્વારા G -કોડ (સામાન્ય રીતે G65) નો ઉપયોગ કરીને કૉલ કરવામાં આવે છે. જો કે ખૂબ જ સરળ સ્વરૂપમાં મૅક્રો લાક્ષણિકતાઓ ઉપયોગ પ્રોગ્રામમાં મૅક્રો કૉલ વિના પણ કરી શકાય છે.
જરૂરી કુશળતા
કોઈપણ માનવ પ્રયત્નોની જેમ, સફળ કસ્ટમ મૅક્રો પ્રોગ્રામિંગ માટે યંત્રશાળામાં (મશીન શૉપ) કામ કરવાનો અને સંબંધિત તકનીકી ક્ષેત્રનો અનુભવ તો જોઈયે જ, પણ તેનાથીએ વધારાની કુશળતા આવશ્યક હોય છે. જ્યારે મૅક્રો પ્રોગ્રામિંગની તુલના પરંપરાગત સી.એન.સી. પ્રોગ્રામિંગ સાથે કરવામાં આવે છે, ત્યારે પ્રમાણભૂત સી.એન.સી. પ્રોગ્રામિંગ માટે જરૂરી બધી જ કુશળતાની જરૂર પડશે, ઉપરાંત ઘણી અન્ય કુશળતા પણ હોવી આવશ્યક છે. માનક સી.એન.સી. પ્રોગ્રામિંગ માટે પ્રોગ્રામરે યંત્રશાળાના વાતાવરણની પહેલાથી ઉલ્લેખિત બધી વસ્તુઓ ઉપરાંત ઘણી નવી બાબતોને સમજવી આવશ્યક છે. કાર્ય અનુભવ એ એક અણમોલ સંપત્તિ છે. મૅક્રો પ્રોગ્રામની શરૂવાત કરવા માટે જરૂરી કુશળતાની સૂચિ નીચે ટુંકમાં આપી છે.
1. સી.એન.સી. મશીન અને કંટ્રોલ - કંટ્રોલ ઑપરેશન પ્રોગ્રામિંગ
2. યંત્રણ કુશળતા - કેવી રીતે યંત્રણ કરવું?
3. મૂળભૂત ગણિતી કુશળતા - ગણતરી, સૂત્રો
4. પ્રોગ્રામ સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કુશળતા - સુવિધા અને સુસંગતતા
5. ઑફસેટ અને ટૂલ કૉમ્પેન્સેશન ઍપ્લિકેશન કુશળતા - વિવિધ ગોઠવણો
6. ફિક્સ સાઇકલો - તે કેવી રીતે કાર્ય કરે છે, તેની વિગતવાર માહિતી
7. સબપ્રોગ્રામ્સ, જેમાં મલ્ટિ નેસ્ટિંગ પદ્ધતિનો સમાવેશ થાય છે
8. સિસ્ટમ પૅરામીટર, તેમનો હેતુ અને કાર્યો
સફળ સી.એન.સી. કસ્ટમ મૅક્રો પ્રોગ્રામર બનવા માટે કૉમ્પ્યુટર ભાષાની ઉચ્ચ સ્તરની કાર્ય કુશળતા એકદમ જરૂરી નથી, પરંતુ તેની પ્રાથમિક માહિતી જરૂરી છે. અગાઉ ઉલ્લેખિત ભાષાઓ જેમ કે વિઝ્યુઅલ બેઝિક, C++, ઓલ્ડ પાસ્કલ ડેલ્ફી, લિસ્પ ટી-ઇન અને ઑટોકેડ અને અન્ય ઘણી ભાષાઓનું જ્ઞાન, મૅક્રો શીખવા માટે ઉત્તમ પ્લેટફોર્મ આપે છે.
G કોડ અને M કોડનું પૂરું જ્ઞાન હોવું એ એક પ્રાથમિક જરૂરિયાત છે, સબપ્રોગ્રામ્સનું ઉચ્ચ સ્તરનું જ્ઞાન હોવુ ખૂબ જરૂરી છે. સબપ્રોગ્રામ્સ મૅક્રો વિકાસમાં પ્રથમ તાર્કિક પગલું છે.
શું આપણી પાસે મૅક્રો વિકલ્પ ઇન્સ્ટૉલ કરેલો છે, તે તપાસી જુઓ?
આપ ભલે મૅક્રો એટલે શું એના વિશે પૂરેપૂરું જાણતા ન હો, તો પણ મૅક્રો પ્રોગ્રામ લખતા પહેલા એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપ જે કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યાં છો તેમાં મૅક્રો વિકલ્પ ઇન્સ્ટૉલ કરેલો છે કે નહીં. તે શોધવા માટે એક ખૂબ જ સરળ રીત છે અને તેના માટે કોઈ વિશેષ પ્રોગ્રામની જરૂરિયાત નથી. સી.એન.સી. મશીનને MDI મોડ (મૅન્યુઅલ ડેટા ઇનપુટ) પર સેટ કરો અને નીચેનો આદેશ (કમાંડ) ટાઇપ કરો : #101 = 1
જ્યારે આપ સાયકલ સ્ટાર્ટ બટન દબાવશો, ત્યારે બે શક્યતાઓમાંથી એક બનશે. જો કંટ્રોલ સિસ્ટમ (?) અથવા એરર એવી સ્થિતિ આપ્યા વિના સિન્ટૅક્સનો આદેશ સ્વીકારે, તો તેનો અર્થ એ છે કે મૅક્રો વિકલ્પ ઇન્સ્ટૉલ કરેલો છે. બીજી બાજુ જો કંટ્રોલ સિસ્ટમ અલાર્મ (એરર) સંદેશ (સામાન્ય રીતે ‘સિન્ટૅક્સમાં ભૂલ’ અથવા ‘ઍડ્રેસ નૉટ ફાઉંડ’ એવો મેસેજ હોય છે) આપે, તો તે કંટ્રોલમાં મૅક્રો વિકલ્પ ઇન્સ્ટૉલ કરેલો નથી. હવે ખાતરી કરી લો કે ઉપરની કમાંડમાં બતાવ્યા પ્રમાણે ડેટા દાખલ કરેલો છે. તેમાં # સિમ્બૉલનો સમાવેશ કરેલો છે. તે ઉપરાન્ત ચલ (વેરિએબલ) અને તેનું મૂલ્ય બરાબર હોવું જોઈયે. તેમાં સ્પેસ અથવા અન્ય કોઈપણ ભૂલ નથી. અમે મૅક્રો તપાસવાનો એક સરળ માર્ગ બતાવ્યો છે.
# ના ચિન્હને ચલ (વેરિએબલ) કહેવામાં આવે છે.
મૅક્રો વેરિએબલના પ્રકાર
બધી ફાનુક પદ્ધતિઓમાં (મૉડેલ) કોષ્ટક ક્ર. 1 માં આપેલ મૅક્રો વેરિએબલ કામ કરે છે, તેને કુલ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે.
મૅક્રો વેરિએબલ તેમની પ્રારંભિક સોંપણીમાં (અસાઇનમેન્ટ) અથવા મૅક્રો બૉડીની અંદર તેમના ઉપયોગમાં કસ્ટમ મૅક્રોજનું સૌથી મહત્વપૂર્ણ ફીચર છે. કસ્ટમ મૅક્રો વેરિએબલ પર આધારિત હોય છે, તેથી વેરિએબલ એટલે શું તેના પર એક નજર રાખવી હિતાવહ છે. વેરિએબલની વ્યાખ્યા ગણિતની ભાષામાં આવી રીતે કરી શકાય છે. વેરિએબલ એ એક ગાણિતિક જથ્થો છે, જે તેની સોંપેલ (અસાઇન્ડ) રેંજ અને ફૉરમૅટમાં કોઈપણ મૂલ્ય ધારણ કરી શકે છે.
કોષ્ટક ક્ર. 1 : વેરિએબલના પ્રકાર
ગણતરી, લૂપ, કાર્ય, બૂલિયન અને ફૉરમૅટ કોષ્ટક ક્ર. 2 માં દર્શાવ્યા છે.
કોષ્ટક ક્ર. 2 માં બતાવ્યા પ્રમાણે પ્રોગ્રામ મૅક્રોનો ઉપયોગ કરીને ફૉરમૅટ લખી શકાય છે, જે વાપરીને ઘણી અલગ ગણતરીઓ, લૂપ અને લૉજિકલ ઑપરેશન કરી શકાય છે.
મેન્યુઅલ પ્રોગ્રામ અને મૅક્રો પ્રોગ્રામની સરખામણી અને મૅક્રો પ્રોગ્રામના ફાયદા.
પ્રોગ્રામ A1 તરીકે બતાવેલ, સી.એન.સી. લેથ પર 15 મિમી. રફ ફેસિંગ (ચિત્ર ક્ર. 1) કરવા માટે જરૂરી મૅન્યુઅલ ફેસિંગ પ્રોગ્રામ 74 બ્લૉકનો થાય છે. તેમાં વધુ લખાણ કરવું પડે છે અને તેનો આવર્તન સમય (સાયકલ ટાઇમ) પણ વધુ છે. જ્યારે મૅક્રો પ્રોગ્રામમાં (પ્રોગ્રામ B1) થોડી ગણતરી કરીને અને એક લૂપ બનાવીને એ જ કામ ઓછા લખાણમાં અને આવર્તન સમયમાં કરી શકાય છે.
ચિત્ર ક્ર. 1 : નમુના યંત્રભાગ
એટલું જ નહીં પરંતુ એ જ પ્રોગ્રામમાં 4 થી 5 લાઇનમાં સુધાર કરી તેનો ઉપયોગ બીજા યંત્રભાગ માટે પણ કરી શકાય છે. નવા પ્રોગ્રામના લાંબા લખાણની જગ્યાએ આ એક પ્રોગ્રામ કૉપી કરી અને તેની થોડીક લાઇનમાં સુધારો કરી આજ ફેસિંગ પ્રોગ્રામ આપણે બીજા યંત્રભાગ માટે વાપરી શકીયે છે. માત્ર અલગ અલગ આકારના (સાઇજ) માપ તેમાં ઇનપુટ કરીને ઝડપી એક નવો પ્રોગ્રામ કરી શકાય છે. ફેસિંગ પ્રોગ્રામનું આ એક ઉદાહરણ છે.
આવી જ રીતે બધા અલગ અલગ ઑપરેશન માટે થોડી ગણતરી અને લૂપ, ફોરમૅટ અને ફંક્શન શામેલ કરી થોડા લખાણે વધુ કામ કરી શકાય છે. ઉપર આપેલ મૅક્રો પ્રોગ્રામમાં માત્ર #110, #111, #112 અને #113 માં ફેરફાર કરી અને અલગ યંત્રભાગ માટે આ જ ફેસિંગ પ્રોગ્રામ વડે યંત્રણ કરી શકાય છે.
કોષ્ટક ક્ર. 2 : મૅક્રોજમાં વપરાતા ફૉરમૅટ
કોષ્ટક ક્ર. 3 : મૅન્યુઅલ અને મૅક્રો પ્રોગ્રામ
કોષ્ટક ક્ર. 4 માં આપેલ સરખામણી અને મૅક્રો પ્રોગ્રામના ફાયદા જોયા પછી આપણે મૅક્રો પ્રોગ્રામને મૅજિક પ્રોગ્રામ કહી શકીયે છે.
કોષ્ટક ક્ર. 4 : મૅન્યુઅલ પ્રોગ્રામ અને મૅક્રો પ્રોગ્રામની સરખામણી
સાવચેતી
1. મૅક્રો પ્રોગ્રામ બનાવવા માટે કે તેને કામમાં લેવા માટે તેને સમજવું ખૂબ જરૂરી છે.
2. મશીન પૅરામીટર સમજીને જ એમાં બદલ કરવા.
3. મૅક્રોની શરુઆત કરતા પહેલા તેને સમજો અને કોઈ સલાહકાર પાસે તમારું મૅક્રો પ્રોગ્રામ ચેક કરાવો.
4. મૅક્રોમાં ગણતરી કરતી વખતે ધ્યાન રાખો.
5. તમારા મશીન નિર્માતાની સલાહ લો અને તેમને મૅક્રો વિશે પૂછો અને બરાબર જાણી લો.
આટલું ધ્યાનમાં રાખીને આપ સરસ મૅજિક (મૅક્રો) પ્રોગ્રામ બનાવી શકો છો.
9662417334
[email protected]
પ્રજેશ આર. જોલાપરા સી.એન.સી. પ્રોગ્રામિંગ અને યંત્રણનો 10 વર્ષનો અનુભવ ધરાવે છે. હાલમાં તેઓ પૅરામાંઉન્ટ પિસ્ટન, જામનગર (ગુજરાત) ખાતે સી.એન.સી. મશીન શૉપ ઇન ચાર્જ તરીકે કાર્યરત છે.