વર્ટિકલ મિલિંગ મશીનમાં ખામી

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    02-Jul-2021   
Total Views |
 vcfgd_1  H x W:
 
એક કંપનીમાં 12 વર્ષ પહેલા સિંગલ કૉલમ સી.એન.સી. વર્ટિકલ મિલિંગ મશીન (ચિત્ર ક્ર. 1) બેસાડવામાં આવ્યું. એ અત્યંત સારી રીતે કામ કરી રહ્યું હતું અને સારું ઉત્પાદન પણ થઈ રહ્યું હતું. અમુક સમય બાદ કૅરેજ ઉપરની દિશામાં બરાબર જતું ન હોવાની સમસ્યા ઉદ્ભવી. ડ્રાઈવ મોટર પર વધારાનો ભાર (લોડ) આવવાને કારણે એ વારંવાર ટ્રિપ થયા કરતી હતી.

vcfgd_1  H x W:
ચિત્ર ક્ર. 1 : વર્ટિકલ મિલિંગ મશીન
ધાતુકામના પાછલા અંકમાં પ્રકાશિત લેખમાં આપવામાં આવેલ નિર્દેશો અનુસાર મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓએ મશીનની તપાસ શરુ કરી. એમણે પાવર સપ્લાય કાર્ડ, ડ્રાઈવ, સર્વો મોટર, લિનિયર સ્કેલ, ટૅકો વગેરે ભાગોની તપાસ કરી. એ સાથે જ યાંત્રિક ભાગોની ઉંજણ પ્રણાલી, વેજ, બૉલ સ્ક્રૂ, બૉલ નટ તથા એમના સાંધાઓની તપાસ પણ કરી, જેમાં એમને કોઈ ખામી ન જણાઈ. પણ વર્ટિકલ સ્લાઈડ પર એમને અમુક ઘસરકા (સ્ક્રૅચ) જોવા મળ્યા અને સ્લાઈડમાં એમને થોડો ઘણો ઘસારો પણ દેખાયો. મેન્ટેનન્સ કર્મચારીઓએ એવું અનુમાન બાંધ્યું કે મશીન 12 વર્ષ જૂનું છે એટલે હવે એનું રિકંડિશનિંગ કરવું અત્યંત જરૂરી છે અને એમણે એ વિશે મૅનેજમેન્ટને જણાવી પણ દીધું.
મૅનેજમેન્ટે વર્ટિકલ સ્લાઈડનું ગ્રાઇન્ડિંગ, સ્ક્રેપિંગ, એનું કૅરેજ સ્લાઈડ સાથે મૅચિંગ (રનિંગ ફિટ ટૉલરન્સ હેઠળ) તથા બૉલ સ્ક્રૂ, બૉલ નટ બદલવો વગેરે કાર્યો કરવાની મંજૂરી આપી. રિકંડિશનિંગ કરવાવાળી કંપનીના હિસાબે આ કામોનો ખર્ચ કુલ દસ લાખ રૂપિયા જેટલો હતો અને એ માટે લાગનાર સમયગાળો કુલ 6 સપ્તાહ હતો. મૅનેજમેન્ટે આ કાર્ય માટે આ ક્ષેત્રના એક અનુભવી સલાહકારનો અભિપ્રાય પણ માંગ્યો.
 
સલાહકારે મશીનની ચકાસણી કરી અને મેન્ટેનન્સ કર્મચારીઓ સાથે ચર્ચા કરી. ખામીનું કારણ શોધવા માટેના એમના પ્રયાસોની પ્રશંસા કરી, પણ સાથે સાથે એ બાબત તરફ પણ એમનું ધ્યાન ખેંચ્યું કે એમણે વર્ટિકલ કૅરેજની કાઉન્ટર બૅલન્સ ભાર પ્રણાલીની ચકાસણી નથી કરી. વર્ટિકલ મોટર પર ઉદ્ભવતા ભારને હળવો કરવા કાઉન્ટર બૅલન્સ ભાર લગાડવામાં આવે છે. મશીનમાં કાઉન્ટર બૅલન્સ આપવા માટે નીચે વર્ણવેલ વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે
• લોખંડનું વજન
• હાયડ્રૉલિક પિસ્ટન સિલિન્ડર
• ન્યૂમૅટિક પિસ્ટન સિલિન્ડર
 
આ મશીનમાં વર્ટિકલ કૅરેજની સાથે એક સાંકળ જોડવામાં આવી હતી, જે એક સ્પ્રૉકેટની ઉપરથી પસાર થતી હતી. એના બીજા છેડે એક વજન લગાડવામાં આવ્યું હતું, જે કૉલમની અંદરના પોલાણમાં ઉપર નીચે થતો હતો. મેન્ટેનન્સ એન્જિનિયરે સલાહકારને જણાવ્યું કે એમને કાઉન્ટર બેલેન્સ સાંકળ (ચિત્ર ક્ર. 2) ક્યારેય ઢીલી થઈ હોવાનું જણાયું ન હતું અને કૉલમની ઉપર લગાડવામાં આવેલ સૉકેટમાંથી એમને કોઈ દિવસ કોઈ અવાજ સંભળાયો ન હતો. એટલે, એમના મતે કાઉન્ટર બૅલન્સ પ્રણાલીમાં કોઈ દોષ ન હતો. તેમ છતાં સલાહકારે સ્પ્રૉકેટ બેઅરિંગ તથા પૂરી સાંકળ તપાસવાનો નિર્ણય કર્યો. એ માટે કૅરેજને આધાર આપવામાં, સાંકળ મુક્ત કરીને એની સાથે વજન પણ કૉલમની બહાર કાઢવાનું કહ્યું.

ujhfgd_1  H x W
ચિત્ર ક્ર. 2 : કાઉન્ટર બૅલન્સ પ્રણાલી
કાઉન્ટર બૅલન્સ ભારને ક્રેનની સહાયતાથી બહાર કાઢવામાં આવ્યો. ભાર અને સાંકળને એકબીજા સાથે જોડનારી પિન પર બેસાડવામાં આવેલ સરક્લિપ તૂટી જવાને કારણે એ પિન નીકળીને બહાર આવી ગઈ હોવાનું જણાયું. આ પિન કૉલમની આંતરિક સપાટી સાથે ઘસાઈ રહી હતી જેથી ભાર ઉપર નીચે થતી વખતે એમા અવરોધ પેદા થતો હતો. એના પરિણામે કૅરેજની હિલચાલમાં અવરોધ ઉદ્દભવી રહ્યો હતો.
 
નવી પિન બેસાડવામાં આવી અને આ પિન પર સરક્લિપ માટે જરૂરી ઊંડાઈવાળો ખાંચો બનવવામાં આવ્યો. પિન પરના આ ખાંચામાં સરક્લિપ બેસાડી પૂર્ણ પ્રણાલીને ફરીથી જોડવામાં આવી. મશીન ફરી શરુ કરવામાં આવતા એ ફરી સરળતાથી ચાલવા લાગ્યું, રિકંડિશનિંગ કરવાની જરૂર જ ન પડી.
 
 
અનિલ ગુપ્તે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં લગભગ 53 વર્ષનો અનુભવ ધરાવે છે.
ટાટા મોટર્સમાં મેન્ટેનન્સ તથા પ્રોજેક્ટ સંબંધિત પ્લાન્ટ એન્જિનિયરિંગમાં તેમને બહોળો અનુભવ છે.
હાલમાં આપ ટેકનિકલ સલાહકાર છો.
9767890284
@@AUTHORINFO_V1@@