મેકૅનિકલ એન્જિનિયરિંગમાં પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી, વિવિધ કંપનીયોમાં અલગ હોદ્દા પર કામ કરતા કરતા, ત્યાંનો વરિષ્ઠ મૅનેજમેન્ટ અને ટેક્નો-વ્યવસાયિક કાર્યનો અનુભવ લઈને મેં પુણેમાં 2004 માં પ્રોટૉન મેટલક્રાફ્ટ્સ પ્રા. લિ. કંપનીની સ્થાપના કરી. 2006 માં અમે કંપનીનું પ્રથમ મશીનિંગ સેન્ટર આયાત કર્યું અને અમારો ધંધાનો શુભારંભ થયો. કંપનીની સ્થાપનાથી લઈને આજ સુધી, અમે વિવિધ પ્રકારના યંત્રભાગોનું (ઉદાહરણ તરીકે, ટોયોટા કારના ભાગો, લશ્કરી રણગાડીઓ માટે રબરાઇઝ્ડ રોડ વ્હીલ્સનો વિકાસ અને ઉત્પાદન) ઉત્પાદન કરીને અમે તેમને સ્થાનિક બજાર સહિત, જર્મની, નેધરલૅન્ડ, ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ કરી રહ્યા છીએ.
અમારી પાસે વિવિધ પ્રકારના યંત્રભાગ (ચિત્ર ક્ર. 1) વિકાસ અને ઉત્પાદન માટે સતત આવતા હોય છે. ઑટોમોબાઈલની ઇલેક્ટ્રૉનિક અસેમ્બ્લીમાંનો એક બુશ (ચિત્ર ક્ર. 2) નામનો ઘટક વિકાસ માટે અમારી પાસે આવ્યો. અમે આ બુશ સાથે 13 વધુ પ્રકારના યંત્રભાગ જર્મનીમાં નિકાસ કરીએ છીએ.
બુશનો અંદરનો વ્યાસ (ID) અને બહારનો વ્યાસ (OD) એ બે મહત્વપૂર્ણ પરિબળો છે. આ બંનેના માપ માટે ટૉલરન્સ ખૂબ ઓછો છે. બંને વ્યાસની સમકેન્દ્રિતતા (કૉન્સેન્ટ્રિસિટી) 30 માયક્રૉનની અંદર હોવી જોઈએ. ઉપરાંત, સપાટીનો ફિનિશ Rz 6.3, એટલે 0.8 Ra ની આસપાસ હોવો જોઈએ, એવી ગ્રાહકની માંગ છે. અંદરનો વ્યાસ 16 મિમી. છે અને તેનો ટૉલરન્સ 18 માયક્રૉન છે. બાહ્ય વ્યાસ 19 મિમી. છે અને તેનો ટૉલરન્સ 21 માયક્રૉન છે.
પહેલાની પદ્ધતિ
પહેલાની પદ્ધતિમાં, અમે આ બુશનું યંત્રણ 2 સેટઅપમાં (ચિત્ર ક્ર. 3) માં કરતા હતાં. પ્રથમ સેટઅપમાં, બાહ્ય વ્યાસનું યંત્રણ, તેમજ એક બાજુ પર એક નાના છિદ્રનું ડ્રિલિંગ અને બોઅરિંગ કરાતું હતું. બીજા સેટઅપમાં, બુશને બહારના વ્યાસ પર પકડીને, બીજી બાજૂનું કાઉન્ટર બોઅર અને ફ્લઁજનું યંત્રણ કરવામાં આવતું હતું. શરુઆતના કેટલાક બુશના યંત્રણ પછી, અમે નોંધ્યું છે કે તેમાં કોઈ સમકેન્દ્રિતતા નથી. કાર્યવસ્તુના બાહ્ય વ્યાસને પકડી રાખતી વખતે ચકના દબાણ અને દિવાલની જાડાઈ ઓછી હોવાને કારણે બુશ લંબગોળાકાર (ઓવ્હલ) બની રહ્યું હતું. તેમાં ચકની પુનરાવર્તિતતા (રિપીટૅબિલિટી) 30 માયક્રૉનની હોવાથી એ સમસ્યા વધતી હતી.
નવી પદ્ધતિ
ભૌમિતિક ટૉલરન્સ અને લંબગોળાકારિતાની સમસ્યાને કેવી રીતે દૂર કરવી તે અંગે, જો આ કાર્યવસ્તુનું યંત્રણ 2 સેટઅપની જગ્યાએ એક જ સેટઅપમાં થઈ શકે, તો... એમ વિચારણા કરતી વખતે આ વિકલ્પ સામે આવ્યો. આ યંત્રણ એક જ સેટઅપમાં કરવા માટે અમે બૅક ટર્નિંગ ટૂલ (ચિત્ર ક્ર. 4) અમારા કારખાનામાં જ વિકસાવ્યું. આ ટૂલ એક જ સેટઅપમાં સંપૂર્ણ બુશનું યંત્રણ કરવા માટે ડિઝાઇન કરેલ છે. કાર્યવસ્તુને તેના બાર રૂપના ભાગ પર જ પકડવામાં આવે છે અને ફ્લઁજનું યંત્રણ પાછળની બાજુથી કરી શકાય એવી જોગવાઈ તેમાં કરવામાં આવી છે. તેથી સંપૂર્ણ યંત્રણ કાર્ય ન્યૂનતમ ઓવરહેંગ સાથે એક જ સેટઅપમાં થઈ શકે છે. આ પ્રક્રિયા જોવા માટે સાથેના QR કોડ પર ક્લિક કરો.
નવી પદ્ધતિના ફાયદા
આ નવું ટૂલ વાપરીને બુશ સૉલિડ બાર ઉપર જ પકડી શકાયું અને સમકેન્દ્રિતતાની સમસ્યા દૂર થઈ ગઈ. તેમજ લંબગોળાકારિતાની સમસ્યાનું પણ નિરાકરણ થઈ ગયું.
• આવર્તન સમય (સાયકલ ટાઇમ) અને લીડ ટાઇમ 30% ઘટી ગયો.
• ટર્નિંગનું એક ઑપરેશન બચી ગયું.
• બે મશીનનો ઉપયોગ કરીને કાર્યવસ્તુનું યંત્રણ કરવાને બદલે, તે એક જ મશીન પર થવા લાગ્યું.
• સુધારેલ ઉત્પાદકતા અને ગુણવત્તા. હાલમાં પ્રતિ કલાક 20 બુશનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને દર મહિને 3-5 હજાર બુશ જેટલી ગ્રાહકની માંગ છે.
• ટૂલના નિર્માણ માટે કોઈ ખર્ચ કરવો
પડ્યો નહિ.
ગજાનન લુપણે, પ્રોટૉન મેટલક્રાફ્ટ પ્રા. લિ. કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ છે અને યંત્રણના ક્ષેત્રમાં 40 થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે.