નાણાકીય વર્ષ 2019-20 ઘણી રીતે અભૂતપૂર્વ હતું. આ વર્ષે માનવ વર્તનની પદ્ધતિમાં સંપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. વિશ્વના ઘણા ઉદ્યોગોએ આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક પરિમાણોમાં સૌથી નીચલો સ્તર અનુભવ્યો. હૉટેલો, પર્યટન, મુસાફરી જેવા ઉદ્યોગો હજી ખાડામાં જ છે. ભારતમાં પણ ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બધે નકારાત્મક સ્થિતિ જોવા મળી હતી, પરંતુ જૂનના અંતમાં ધીમે ધીમે શરુ થયેલ ઉદ્યોગ અને વ્યાપારે આગળ જઈને સારો એવો જોર પકડ્યો અને પરિણામે, માર્ચ 2021 માં જીએસટી ચુકવણી 1.24 લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચી ગઈ હતી. નાણાકીય વર્ષ 2019-20 માં કુલ વાર્ષિક ચુકવણી, રૂપિયા 12 લાખ 22 હજાર 119 કરોડ રૂપિયા હતી. તેની તુલનામાં, નાણાકીય વર્ષ 2020-21 માટેનો કુલ આંકડો 11 લાખ 36 હજાર 803 કરોડ રૂપિયા હતો. એટલે આપણને ફક્ત 7 ટકાનો કુલ ઘટાડો જોવા મળ્યો છે. ભારત સરકારના જણાવ્યા મુજબ, 2020-21 માં ભારતીય અર્થવ્યવસ્થા 8% ઘટવાની ધારણા હતી. પરંતુ તેની સાથે, એક આર્થિક સર્વે મુજબ 2021-22 માં ભારતીય અર્થવ્યવસ્થામાં 11 ટકાનો વિકાસ થવાનો અંદાજ છે. તેને વિશ્વ બઁકના અંદાજ (જેમાં 10.1 ટકા વિકાસ હોવાનો અંદાજ છે) દ્વારા પુષ્ટિ મળી છે.
વૈશ્વિક સ્તરે ટેક્નોલૉજી, સંશોધન અને સલાહકાર ક્ષેત્રમાં કામ કરતી કંપની ટેક્નોવિયો દ્વારા કરાયેલા સર્વે અનુસાર, આગામી 4-5 વર્ષમાં ભારતના મશીન ટૂલ માર્કેટમાં દર વર્ષે 13 ટકાનો વિકાસ થવાની ધારણા છે. તેને અપેક્ષા છે કે 2025 સુધીમાં આ ઉદ્યોગ 1.9 અબજ ડૉલર વધશે. કોરોના યુગના પરિણામે હાલમાં ઉદ્યોગ થોડો સુસ્ત છે, તેમ છતાં, ઇંડસ્ટ્રી 4.0 ની વધતી લોકપ્રિયતા અને કૉમ્પ્યુટરાઇઝ્ડ મૅન્યુફૅક્ચરિંગ સિસ્ટમ્સ તરફનો વલણ બજારને જરૂરી ગતિ આપશે. તમામ ઉદ્યોગોમાં ઑટોમેશનમાં વધારો, ઉત્પાદન પ્રક્રિયામાં સખ્તાઈ અને ચોકસાઈની વધતી જરૂરિયાત, સી.એન.સી. આધારિત મશીન ટૂલ્સની વધતી માંગને પૂરક બનશે. અલબત્ત, દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં ઑટોમોટિવ ઉદ્યોગ માટેના મોટા ઉત્પાદન કેન્દ્ર તરીકે ભારત પોતાનું સ્થાન બનાવી રહ્યું છે, એ વાતની એમાં મોટી અસર છે. ઑટોમોટિવ ઉદ્યોગની સાથે, રેલ્વે, બાંધકામ, શિપ બિલ્ડિંગ, ઉડ્ડયન અને વિન્ડ પાવર જેવા ઉદ્યોગોમાં અપેક્ષિત વૃદ્ધિ પણ મશીન ટૂલ ઉદ્યોગને પૂરક બનાવવાની આગાહી છે.
આ બધી આગાહીઓથી એક વાત તો પાકી રીતે જોઈ શકાય છે કે જો ભવિષ્યમાં ટકી રહેવુ અને વિકસિત થવું હોય તો, આપણી ઉત્પાદન પ્રક્રિયામાં આધુનિક તકનીકીનો સહભાગ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી.
આજ સુધીના ‘ધાતુકામ’ ના અંકોમાંથી, અમે નાના અને મધ્યમ ઉદ્યોગોમાં કાર્યરત ટેકનિશિયન અને ઉદ્યોગસાહસિકો માટે નવી તકનીકીઓ, નવી પ્રક્રિયાઓ રજૂ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. આ અંકમાં પણ અમે સી.એન.સી. ટર્નિંગમાં સ્થાપિત થઈ રહેલ મલ્ટિ-સ્પિન્ડલ સ્વિસ ટેકનોલૉજી પર એક માહિતીપ્રદ લેખ આપ્યો છે. કદમાં નાના યંત્રભાગોનું જથ્થાબંધ ઉત્પાદન કરતા હોય, એવા ઉત્પાદકોને આ તકનીકી ચોક્કસપણે અપીલ કરશે. છેલ્લાં 40 વર્ષથી ભારતીય મશીનરી ઉદ્યોગને ગુણવત્તાયુક્ત ચક પૂરી પાડતી કંપનીનો એક લેખ, આપણને લેથ પર ચકની જાળવણી કેવી રીતે કરાય, તે અંગે ચોક્કસ માર્ગદર્શન આપશે. પ્રક્રિયા સુધારણા વિભાગમાં ઉત્પાદકતામાં વધારો કરવાના વિવિધ પ્રયત્નો પરના લેખો શામેલ છે, જ્યારે ટૂલિંગ વિભાગમાં ડબલ ક્લૅમ્પિંગ અને થ્રૂ-કૂલંટ ક્ષમતા ધરાવતા ટૂલ હોલ્ડર સાથે ડ્રિલ અને ડ્રિલિંગ ડિઝાઇનમાં નવી ભૂમિતિ પરના લેખો આપનું ધ્યાન ખેંચશે. અમારું માનવું છે, કે જિગ્સ અને ફિક્શ્ચર, સી.એન.સી. પ્રોગ્રામિંગ, મશીન મેન્ટેનન્સ જેવી લેખમાળા હંમેશની જેમ આપના કાર્યમાં સમસ્યાઓ હલ કરવામાં ઉપયોગી નીવડશે.
દીપક દેવધર