અશોક સાઠે ... એક બધી રીતે શુદ્ધ ઇજનેર ઉદ્યોગસાહસિક!

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    18-Feb-2021   
Total Views |

1_1  H x W: 0 x
50 નો દાયકો એટલે ભારત માટે નવા સ્વપ્નો જોવાનો અને હાલમાં જ સ્વતંત્ર થયેલ દેશને વિશ્વના નકશા પર મૂકવાની ઉમંગવાળો સમય હતો. 1940 માં જન્મેલા અશોક સાઠે માટે શાળા અને કૉલેજ શિક્ષણનો સમયગાળો એ જ હતો. આ સમયગાળાની અસર અને તે સમયગાળા દરમિયાન તેમના મનમાં જે આદર્શવાદી સિદ્ધાંત દ્રઢ થયા તે તેમની કારકિર્દી માટે નિર્ણાયક પરિબળ હતું. 1960 માં પુણેના સી.ઓ.ઇ.પી. માંથી મેકૅનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી, તેમણે આઈઆઈટી મુંબઈથી મશીન ટૂલ ડિઝાઇનમાં એમ.ટેક. કર્યું. 1963 માં ભારતના એન્જિનિયરિંગ ઉદ્યોગને પૂરક કામ કરનાર બંગળુરુ સ્થિત સરકારી કંપની, CMTI માં અશોક સાઠે જોડાયા. ભારતીય એન્જિનિયરો દ્વારા વિશ્વ કક્ષાના મશીનરી ઉદ્યોગની પ્રગતિને સમજવાના હેતુથી અશોક સાઠે સાથે CMTI ના પાંચ યુવાન ઇજનેરોને ઝેકોસ્લોવાકિયા મોકલવામાં આવ્યા હતા.
તેમનું સ્વપ્ન હતું કે ભારતમાં આયાત કરવામાં આવતા તમામ ઉત્પાદનો ભારતમાં બનાવવામાં આવવા જોઈએ, આપણે આત્મનિર્ભર થવું જોઈએ. આ સ્વપ્નને ધ્યાનમાં રાખીને, તેમણે 1977-78 ની વચ્ચે CMTI છોડી દીધી અને 1978 માં પ્રગતિ ઑટોમેશન અને ત્યારબાદ 1979 માં એસ ડિઝાઇનર્સ આ બે કંપનીઓની સ્થાપના કરી. સૌ પ્રથમ FIE જૂથ માટે એસ.પી.એમ. બનાવવાથી 'પ્રગતિ' કંપનીનું કાર્ય આરંભ થયું. 1986 માં, તેમણે પ્રથમ ટરેટ બનાવ્યો. તે યુનિડાયરેક્શનલ ટરેટ હતું. ત્યાંથી, પ્રગતિના ટરેટનો પ્રવાસ ખરી રીતે શરૂ થયો. પ્રગતિનું પ્રથમ બાયડાયરેક્શનલ ટરેટ 1989 માં બનાવવામાં આવ્યું હતું. 1995 માં ‘પ્રગતિ’ ને જાપાનના પ્રખ્યાત ‘મિયાનો મશીન કંપની’ નો પહેલો સાચા અર્થે મોટો નિકાસ ઓર્ડર મળ્યો હતો.
“અમારો 70 ની દાયકામાં શરુ થયેલ સંવાદ તેમના છેલ્લા દીવસ સુધી પણ ચાલૂ જ હતો. શરુઆતમાં મશીન મૅન્યુફૅક્ચરર તરીકે થયેલ આદાન-પ્રદાન હોય કે હમણાનું ઉદ્યમ પ્રકાશનનું કાર્ય હોય, એમની અંદરનો એક જાણકાર ઇંજીનિયર અને જુદી રીતે વિચારનાર એક માણસ કાયમ સ્પષ્ટ રીતે જોવવા મળતો હતો.”
ભારત જોશી
ડિરેક્ટર, ઉદ્યમ પ્રકાશન
એમણે ક્યારેય નિકાસ માટે અને સ્થાનિક બજાર માટે બનાવેલ ઉત્પાદનની ગુણવત્તા વચ્ચે ભેદભાવ રાખ્યો ન હતો. ત્યારથી તેમની બધી કંપનીઓમાં ચાયનાનો ભાવ અને યુરોપિયન સ્તરની ગુણવત્તાના ધોરણનું પાલન કરવામાં આવ્યું છે. અશોક સાઠેએ ભારતીય ઉદ્યોગને કેવી રીતે આગળ વધારવું અને તેના માટે આપણે શું કરી શકીએ એનો વિચાર કાયમ મનમાં રાખ્યો અને તે પ્રમાણે કાર્ય કરવા પર ભાર મૂક્યો.
અશોક સાઠેની ઓછી કિંમત અને મોટા પાયે ઉત્પાદનની નીતિ અનુસાર, પ્રગતિએ 1992-93 માં ઑટોમેટિક ટૂલ ચેંજર (ATC) બનાવવાનું શરૂ કર્યું. આજે, દર મહિને 1 હજાર ATC બનાવવામાં આવે છે અને વિવિધ મશીન ઉત્પાદકોને પૂરા પાડવામાં આવે છે.
“સાઠે સાહેબ એટલે કુમાર ગંધર્વે ગાયેલ કબીરનું ભજન..... ગુરુજીને દિયા અમર નામ ગુરુ તો સરીખા કોઈ નહીં.”
પ્રદીપ ખરે
ડિરેક્ટર, એજી ગેજિંગ સિસ્ટિમ્સ અઁડ ઇક્વિપમેન્ટ્સ
અશોક સાઠે હંમેશા નવી વિભાવનાઓનો અમલ કરતા હતા, જે પોતાની અને તેમના સાથીઓની ક્ષમતાઓને પડકારતી હતી. 1997-98 માં, તેમણે સંપૂર્ણ સ્વદેશી સી.એન.સી. લેથ બનાવવાનો નિર્ણય લીધો. તેના માટે, અલબત્ત, સર્વો મોટર ડ્રાઇવ અને એન્કોડર પણ વિકસાવવામાં આવ્યા હતા. કોઈપણ નવી ખ્યાલને અમલમાં મૂકતી વખતે, તેના ભાગો વિકસિત કરતી વખતે, તે કોઈની સાથે કોઈ સહયોગ વિના તમામ કાર્ય જાતે કરવાનું તેમનું ધ્યેય હતું. તેથી તેમાં લાંબો સમય લાગતો હતો. પરંતુ તેમાંથી નિર્માણ થતું ઉત્પાદન સંપૂર્ણપણે સ્વદેશી હતું અને તેના વેચાણ પર કોઈ નિયંત્રણો નહોતા. 1990 થી દર વર્ષે, પ્રગતિ અને એસ ગ્રુપ વિદેશી પ્રદર્શનોમાં ભાગ લે છે. પ્રદર્શનમાં ભાગ લેવાનો હેતુ બજારમાં નવું શું છે તે શીખવાનો હતો.
ભારતીય ઉદ્યોગના વિકાસ માટે યુરોપિયન અથવા દક્ષિણ પૂર્વીય દેશોની જેમ ભારતીય ભાષાઓ જ્ઞાનની ભાષાઓ બનવી જોઇએ, તેવું પોતાનું વિઝન પૂરું કરવા માટે તેમણે 2007 માં ઉદ્યમ પ્રકાશન સંસ્થાની સ્થાપના કરી. 2017 થી, તેમણે કારખાનામાં કામ કરતા ઇજનેરો અને કામદારોને તકનીકી જ્ઞાન અને માહિતી તેમની માતૃભાષામાં પ્રદાન કરવાના હેતુથી 4 ભાષાઓ, મરાઠી, હિન્દી, કન્નડ અને ગુજરાતીમાં સામયિકો શરૂ કર્યા. તે જ સમયે, એન્જિનિયરિંગ પુસ્તકો પર પણ કામ શરૂ થયું.
“ઉત્તમ ગુણવત્તાના ઉત્પાદનો બનાવી આંતરરાષ્ટ્રીય બજાર મૂકી વિશ્વની પહેલી દસ કંપનીઓમાં આપણી કંપની હોવી જોઈયે, એ જ એમનું સપનું હતું. એ જ વિચાર એમની પ્રેરણા હતો અને એ જ દિશામાં તેમના પ્રયત્નો હતા.”
બી મચાડો
મૅનેજિંગ ડિરેક્ટર, એસ ડિઝાયનર્સ લિ.
1963 થી 2020 સુધીના 57 વર્ષના લાંબા ગાળામાં ઘણા એન્જિનિયરો અશોક સાઠે આપેલી પ્રેરણાને કારણે ઉદ્યોગસાહસિક બન્યા છે અને તેમના પગલે ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સાઠેની અત્યંત પ્રસન્ન છતાં ફરજ વિશે ગંભીર વ્યક્તિત્વના કેટલાક ખૂબ મહત્વના પાસાઓ પર તેમની સાથે કામ કરતા વિવિધ મહાનુભાવો સાથે અમે વાતચીત કરી. તે સમયે તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાં આગળ આવ્યા, જે અહીં પ્રસ્તુત કરવું યોગ્ય રહેશે.
મશીન ટૂલ ડિઝાઇનર
જો કોઈ પ્રૉડક્ટની ડિઝાઇન પરનું કામ પૂર્ણ થઈ ગયું હોય અને તે જ સમયે જો બજારમાં તે ડિઝાઇનમાં કેટલાક નવા બદલાવ આવ્યા હોય, તો તેઓ એવું માનતા હતા કે તે ફેરફારો આપણાં ઉત્પાદનની ડિઝાઇનમાં આવવા જોઈએ. ડ્રાફ્ટિંગમાં તેઓ એક નાની ભૂલ પણ ચલાવતા નહોતા. કોઈપણ ઉત્પાદનની ડિઝાઇન કરતા પહેલા, તેની જાળવણી કેવી રીતે કરવી જોઇયે, તે વિશે તેઓ પહેલેથી જ વિચારતા.
મોટેભાગે, જો ડિઝાઈન દરમિયાન ઉત્પાદનને નકારી કાઢવામાં આવે, જો અપેક્ષિત સફળતા પ્રાપ્ત ન થાય, તો એન્જિનિયરને ડર રહે છે કે આ ખોટની ભરપાઇ કોણ કરશે. પરંતુ સાઠે સાહેબનો એક મહત્વનો સિધ્ધાંત એ હતો કે કંઇક નવું કરવા જઇયે, ત્યારે તણાવ, વળી જવું, અમળાવું, મરડાવું એના સિવાય બીજું કશું થતું નથી. કોઈપણ સૃજન થાય ત્યારે આ ધ્યાનમાં લેવું જરૂરી છે. તેથી, નવા ઉત્પાદન ડિઝાઇન કરતી વખતે એન્જિનિયરના મનની અંદરનો ડર સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જતો હતો.
“તેઓ કાયમ આગ્રહ રાખતા કે ઉત્પાદન ડિઝાઇન મુજબ જ હોવું જોઈએ, કારણ કે તે ડિઝાઇન તબક્કે સંપૂર્ણ હોય છે. કોઈ પણ કામ અઘરું છે, માટે નથી કરવું, એ એમને ક્યારેય સ્વીકાર્ય ન હતું. "અશક્ય" શબ્દ તેમના શબ્દકોશમાં જ ન હતો. જે પણ બનાવો તે વર્લ્ડ ક્લાસ બનાવો અને તે પણ ભારતમાં જ, એ સિદ્ધાંત પર મક્કમ રહેનાર ‘પરફેક્શનિસ્ટ’ દેશભક્ત”
અતુલ ભિરંગી
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પ્રગતિ ઑટોમેશન પ્રા. લિ.


2_1  H x W: 0 x
દ્રષ્ટા ઉદ્યમી
40 થી વધુ વર્ષોથી સાઠે સરની સાથે કામ કરી રહેલા અતુલ ભિરંગીના જણાવ્યા મુજબ, એમનું વ્યક્તિત્વ એ એક બુદ્ધિશાળી ઇજનેર અને દેશભક્ત ઉદ્યોગસાહસિકનું એક અભૂતપૂર્વ સંયોજન છે. એક માર્ગદર્શક અને ગુરૂ તરીકે તેમના વિશે બોલતા ભિરંગીએ કહ્યું, “ફૅક્ટરીમાં દરેક સાથે સીધો સંબંધ હોવાથી એક સ્વતંત્ર અને વિશ્વાસપાત્ર વાતાવરણ ઉભું કરનાર નમ્ર ઉદ્યોગસાહસિક સાઠે સર પ્રસંગોપાત ગુસ્સો કરતા હતા પણ ક્યારેય કોઈનો અનાદર નહતા કરતા. તેમને વિશ્વાસ હતો કે ભાવને ન્યૂનતમ રાખવાથી વૈશ્વિક બજારમાં આપણું વર્ચસ્વ વધશે અને તે પ્રાપ્ત કરવાની ધીરજ તેમની પાસે હતી. તેઓ ભારતીય ઉત્પાદનોની નિકાસ કરીને દેશના દરેકનું સન્માન કમાવવા ઇચ્છતા હતા. તેમની નીતિ એ હતી કે જરૂરી મશીનરી આયાત કર્યા વગર પોતે જ બનાવવી જોઈયે, ઉદ્યોગના વિકાસ માટે જરૂરી હોય તો લોન લેવા માટે તેમને કોઈ વાંધો નહતો, ઉત્તમ ઉત્પાદન માટે જે પણ જરૂરી હોય તે બધુ કરવું જોઈયે એવું તેઓ માનતા હતા. તેમના વિચાર બહુ જ સ્પષ્ટ હતા, તેથી તેઓ ચાયનામાં પોતાનું કારખાનું સ્થાપવા જેવા બોલ્ડ નિર્ણયો લઈ શક્યા. આનાથી અન્ય ભારતીય ઉદ્યમીઓને પ્રેરણા મળવી જોઈએ એ એની પાછળનો મહત્વનો હેતુ હતો.”
“FIE માં પંડિતરાવ કુલકર્ણીની સાથે ડિઝાઇન વિભાગમાં જટિલ કામ કરતી વખતે સાઠે સરનો સંપર્ક થયો હતો. માર્ગદર્શન આપવાની તેમની શૈલી અને બહુ જ સરળ ભાષામાં સમસ્યાનું વિશ્લેષણ કરવાની રીત કામ વિશેનું દબાણ અને તાણ કાઢવામાં ઉપયોગી નીવડતું હતું.”
રામચંદ્ર જોશી
AMTC ટ્રેનિંગ સેંટર પ્રમુખ
ભારતના મશીન ટૂલ ઉદ્યોગમાં અગ્રેસર એસ માઇક્રોમેટિક ગ્રુપ, અશોક સાઠે, શ્રીનિવાસ શિરગુડકર અને બી.એસ. મચાડો આ ત્રણ યુવાન ઇજનેરો દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. શ્રીનિવાસ શિરગુડકર અને બી. મચાડો તેમની આ યાત્રા યાદ કરતા કહે છે, “અમે CMTI થી આજ સુધી લગભગ 40 થી 50 વર્ષ સુધી સાથે કામ કર્યું છે. ભારતીય ઉત્પાદનો વર્લ્ડ ક્લાસ હોવા જોઈયે, એ તેમનું સપનું હતું, તે તેમની પૅશન હતી. 1979 માં, સાઠેની સાથે અમે એસ ડિઝાયનર્સ કંપની એક ઘરના ગૅરેજમાં શરુ કરી હતી.”
“કંપનીની સ્થાપના કર્યા બાદ સાઠે સાહેબે તમામ નાણાકીય વ્યવહારોમાં નૈતિક ધોરણનું પાલન કર્યું. પહેલા દિવસથી જ તેમણે કોઈ પણ રોકડ વ્યવહાર કર્યો નહિ અને તેમના સહકારીયોને પણ કરવા દીધો નહિ. અમારા બધા માટે તેમણે એક દાખલો બેસાડી દીધો.”
શ્રીનિવાસ શિરગુરકર
મૅનેજિંગ ડિરેક્ટર,
એસ ડિઝાયનર્સ લિ.
“જ્યારે તમે કોઈ ઉત્પાદન કરો છો, ત્યારે બધા જરૂરી ભાગો જાતે જ બનાવવાના રહેશે અને તમારું ઉત્પાદન વૈશ્વિક દરજ્જાનું જ હોવું જોઈએ, તે જ તેમનો આગ્રહ હતો. મશીનના જટિલ, ક્રિટિકલ ઘટકો આપણે ત્યાં જ બનાવવામાં આવવા જોઈએ. આ વિશેષતાઓને કારણે જ અમે ચાયના જેવા દેશમાં પણ સ્પર્ધા કરી શક્યા. શરૂઆતથી જ તેઓ ‘બૅકવર્ડ ઇંટિગ્રેશન ઍપ્રોચ’ ને મહત્વ આપતા હતા.”
“આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઉત્પાદનોને ઓછી ગુણવત્તાવાળા માનવામાં આવતા હતા. એટલે એ પડકાર લીધેલા સાઠે સર ગુણવત્તાની બાબતમાં ક્યારેય સમાધાન કરતા ન હતા.”
અંબર જોશી
ડિરેક્ટર, ઍડેપ્ટ પ્રોસાઇન
“તેઓ ગ્રુપ બોર્ડની બેઠકોમાં વધારે ભાગ લેવા માંગતા ન હતા. પરંતુ જો ટેક્નોલૉજી પર કોઈ ચર્ચા થાય, તો તેમાં જાતે ઉપસ્થિત રહેતા. એવા પ્રસંગે તેઓ હંમેશા સકારાત્મક વિવેચકની ભૂમિકા ભજવતા હતા. કોઈ પણ મુદ્દે તેમણે પોતાનો અભિપ્રાય કોઈ પર લાદ્યો ન હતો. સામેની વ્યક્તિને મન દુખ પહોંચાડવા માંગતા નહતા. તેઓ ખૂબ જ શુદ્ધ મન અને હૃદયના હતા. “
તેઓ એક મહાન વ્હિજનરી હતા. તેમની દ્રષ્ટિ હતી કે અમે 10 વર્ષ પછી કયા સ્તરે પહોંચીશું, બજારો કેવા હશે, તે મુજબ આપણે શું કરવું જોઈએ. તેઓ હંમેશા માનતા હતા કે જો તમે આજે રોકાણ કરો, તો કાલે તમને સારું વળતર મળશે. તેઓ હંમેશાં એની ખાતરી આપતા. 2011 માં, તેમને તેમના કામ માટે મશીન ટૂલ્સના બીજા IMTMA - Vinod Doshi Outstanding Entrepreneur Award in Machine Tools ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મૅનેજમેન્ટ
છેલ્લાં 40 વર્ષથી ‘પ્રગતિ’ માં કામ કરી રહેલા દીપક જોગળેકરે સાઠે સાહેબની મૅનેજમેન્ટ સિસ્ટમની વિશેષતાઓ વર્ણવી હતી.
1. સતત નવી પડકારોનો સામનો કરવા તમારી ટીમમાં એન્જિનિયરો / સાથીદારોને
પ્રોત્સાહિત કરો.
2. એકવાર કોઈ જવાબદારી એક સાથીદારને આપવામાં આવે, પછી તે ઉત્પાદનનો વિકાસ હોય અથવા સંપૂર્ણ યુનિટ ચલાવાનું હોય, ત્યાર બાદ તે વ્યક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ રાખવાની તેમની કાર્ય પદ્ધતિ હતી.
3. તેમનો આગ્રહ હતો કે દરેકને તેના કામ સાથે જોડાયેલી દરેક બાબતોનો ખ્યાલ હોવો જોઈએ. એટલે કે, જો કોઈ મેકૅનિકલ એન્જિનિયર મશીનનું સમારકામ કરતો હોય, તો બે વાયર કનેક્ટ કરવા માટે બીજા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને બોલાવવો તેમની કાર્ય સંસ્કૃતિમાં બંધ બેસતો ન હતો.
4. તેમણે ફૅક્ટરી દ્વારા ઉત્પાદિત વસ્તુઓના ઉત્પાદન ખર્ચને કેવી રીતે ઘટાડવો તે અંગે સતત આગ્રહ રાખ્યો. તેમણે શરૂઆતથી અંત સુધી સૌથી નીચા ભાવે મોટી સંખ્યામાં ઉત્પાદનના મંત્રનો જાપ કર્યો.
5. ચાલુ ઉત્પાદનોમાં પણ સતત તકનીકી સુધારણા કેવી રીતે થઈ શકે, તે અંગે હંમેશા આગ્રહ રાખતા હતા.
6. તેઓ કદી પ્રવર્તમાન ટોચના મૅનેજમેંટ શબ્દ જંજાળમાં સપડાયા નહીં. તેમણે તેના તમામ વ્યવહારમાં એકમાત્ર ધ્યેય અપનાવ્યો હતો, કે તેઓ બજારમાં વાજબી ભાવે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઉત્પાદનોની ઑફર કરે.
7. તેમણે તાત્કાલિક લાભ-નુકસાનની જગ્યાએ હંમેશા ભવિષ્યના લક્ષ્ય પર ધ્યાન આપ્યું. આમ કરવાથી, તેઓ તેમના શબ્દ અને ઉત્પાદન બન્નેની વિશ્વસનીયતા અખંડ રાખવા માટે જે કાંઈ લેશે તે કરવા તૈયાર હતા, પછી તેમાં નુકશાન સહન કરવાની પણ તેમની તૈયારી હતી.
8. તેમણે તેમના સંપૂર્ણ જીવનમાં ‘ગ્રાહક અથવા સપ્લાયર પર પૂરો વિશ્વાસ રાખવો અને પોતાની વિશ્વસનીયતા ક્યારે પણ તૂટી જવા ન દેવી’, એ સિદ્ધાંતનું પાલન કર્યું.
9. તેમણે 80 ના દાયકાથી ગ્રાહકને મશીન વેચ્યા પછી આફ્ટર સેલ્સ સર્વિસ આપવાની વિભાવનાને અમલમાં મૂકી.
10. તે અત્યાર સુધી સતત નવી વિભાવનાઓ ડિઝાઇન કરવામાં કામ કરી રહ્યા હતા, પરંતુ તે જ સમયે તેઓ કારખાનામાં મશીન પર જતા હતા અને ઉત્પાદન પ્રક્રિયામાં ડિઝાઇન મુજબ બધુ ચાલે છે કે નહિ, તે જોતા હતા. કોઈ સમસ્યાઓ હોય તો તેનું નિરાકરણ શોધતા હતા. તેમણે ક્યારેય કારખાનાની સાથેનો સંબંધ તોડ્યો નહિ.
11. તેઓ કંપનીમાં કોઈપણ સ્તરના કર્મચારીની સાથે સમાન આત્મીયતા સાથે વાતચીત કરતા હતા, તેથી તેમનો દરવાજો કંપનીના કોઈપણ કર્મચારી માટે હંમેશા ખુલ્લો રહેતો. તેથી પરસ્પર વિશ્વાસ તેમના સંચાલનનો આધાર હતો.
12. જે વાત એમના ગળે ઉતરી હોય, પછી તેનો ગમે એટલો વિરોધ થાય, કોઈ પણ મુશ્કેલી આવે, તો પણ તેઓ ચીવટથી તે કામ પૂરું કરતા હતા.
માર્ગદર્શક
સ્ફૂર્તિના રામચંદ્ર પુરોહિતે લગભગ 26 વર્ષ સુધી સાઠે સરની સાથે કામ કર્યું છે. તેમણે કહ્યું, “તેમના સમર્થન અને માર્ગદર્શનના લીધે જ, અમે સ્ફૂર્તિ કંપની શરૂ કરી શક્યા હતા. તેમના સહકારના પાયા પર, આજે અમે અમારા ઉત્પાદનો સ્થાનિક તેમજ વિદેશી બજારોમાં વેચી રહ્યા છીએ.”
પ્રગતિમાં સાઠે સાહેબના નજીકના સાથી દિનેશ કહે છે, “કંપનીમાં કોઈ નવો એન્જિનિયર દાખલ થાય, તેને સાઠે સાહેબ બહુ સરસ તાલીમ આપતા. ડ્રૉઇંગ કેવી રીતે વાંચવું તે શીખવાડવાથી શરુઆત થતી, પછી કારખાનામાં વાસ્તવિક કાર્યનો અનુભવ, ત્યાર બાદ સ્વતંત્ર રીતે કોઈ પ્રોજેક્ટ સંભાળવાનો પડકાર. આ બધા તબક્કે સાઠે સાહેબ જાતે ધ્યાન આપતા હતા. તેમની તાલીમ એ એક ઉદ્યોગસાહસિક બનવા માટેની પૂરી તૈયારી હતી.”
“સાઠે સાહેબનું સૌને પ્રેરણા આપવાનો એક જ સિદ્ધાન્ત હતો. ‘પાછા આવવાના દોરડા કાપી નાંખો, એટલે બધા આગળ જ વધે છે.’ તેઓ કાયમ તાનાજીનો દાખલો આપતા હતા. સહકારીયોની ક્ષમતાને તેઓ કાયમ પડકારતા. ભાગ્યે જ શાબાશી આપતા. જ્યારે આગળનું ટારગેટ આપે, ત્યારે સમજી લેવાનું કે આ આપણને આપેલી શાબાશી છે.”
દીપક જોગળેકર
ટેક્નિકલ ડિરેક્ટર, પ્રગતિ ઑટોમેશન પ્રા. લિ.
એન્જિનિયરિંગ ઉદ્યોગમાં ઘણા લોકો ‘એકલવ્ય પરંપરા’ માં સાઠે સાહેબના શિષ્યો હતા. છેલ્લાં 40 વર્ષથી મશીન ટૂલ્સના ક્ષેત્રમાં કામ કરી રહેલા પુણેના પ્રદીપ ખરે કહે છે, “1995 ની ઇમ્ટેક્સમાં તેમની સાથે થયેલ મુલાકાતમાં તેમણે કહ્યું કે ‘તમારા તમામ ઉત્પાદનો સારા છે. જો તેમાં સુસંગતતા જાળવી રાખશો, તો ભારતની સમૃદ્ધિ થવામાં લાંબો સમય લાગશે નહીં.’ તેમનું આ એક વાક્ય મારી સંપૂર્ણ આગામી કારકિર્દી માટે પ્રેરણાદાયક હતું. તેમના ચહેરા પર વિલસતું વિદ્યાનું તેજ ફક્ત મારું જ નહીં, પરંતુ સમગ્ર વ્યવસાય જગતનું આકર્ષણ હતું. જો કોઈ ગંભીર સમસ્યાનું ઉતાવળું સમાધાન સૂચવવામાં આવે, તો એમ કહતા કે, ‘થોડી શાંતિ રાખો. બરાબર સમજી વિચારીને કામ કરો. આટલા ઉતાવળા ન બનો. આજે ભલે તેનો ફાયદો થાય, તો પણ લાંબે ગાળે તે ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન પહોંચાડી શકે છે. તેથી સાવચેત રહો.’ તેમની આ સલાહ મારામાં બદલાવ લાવવા માટે પૂરતી હતી. તેમની સાથે વાત કરવાથી હંમેશા પ્રોત્સાહન મળતું હતું. સાઠેસાહેબ ઊર્જાના અવિરત સ્રોત હતાં.”
વ્યાવસાયિક જીવનમાં ઘણી રીતે જરૂરિયાતમંદને મદદ કરનાર અશોક સાઠે અંગત જીવનમાં પણ ઘણી સંસ્થાઓને ટેકો આપવાનું કામ કરતા હતા. ખાસ કરીને, શિક્ષણક્ષેત્રમાં બહારની સંસ્થાઓને મદદ કરવાની સાથે, તેમણે તેમના ફૅક્ટરીના સહકાર્યકરોના કુટુંબોમાંના કોઈપણને તેમનું શિક્ષણ પૂરું કરવામાં ઉદારતાપૂર્વક મદદ કરી, અને અલબત્ત તેની જાહેરાત ન થાય તેની તેઓ કાળજી રાખતા હતા.
ભારતમાં, જ્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલી જ મશીન ટૂલ કંપનીઓ હતી, ત્યારે અશોક સાઠે સાહેબે સપનું જોયું કે ભારતીય ઉત્પાદનો વૈશ્વિક બજારમાં સન્માનભર્યું સ્થાન મેળવશે, અને તેમણે થોડા દાયકાઓ પછી તે પૂરું કર્યું. છેક છેલ્લી ઘડી સુધી નવીનતાનો શોખ ધરાવતો અને નવી તકનીકો શીખવાની અને તેમને અનુકૂળ થવાની વૃત્તિ ધરાવતો એ ઇજનેર અંદર અને બહારથી એક શુદ્ધ માનવી હતો. અશોક સાઠેનું કાર્ય હાલની અને ભવિષ્યની અનેક પેઢીઓ માટે હંમેશા પ્રેરણાદાયી રહેશે.
@@AUTHORINFO_V1@@