સંપાદકીય

@@NEWS_SUBHEADLINE_BLOCK@@

Dhatukam Gujarati - Udyam Prakashan    19-Nov-2021   
Total Views |
sdfgh_1  H x W:
 
અમે નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો અને કર્મચારીઓને નવી તકનીકો અને ઉત્પાદનો તેમજ ઉદ્યોગમાં નવીનતમ વિકાસ વિશે તેમની માતૃભાષામાં માહિતગાર કરવાના વિચાર સાથે પહેલા મરાઠીમાં અને પછી હિન્દી, કન્નડ અને ગુજરાતીમાં ધાતુકામ માસિક શરૂ કર્યું. ધાતુકામ મૅગેઝિનની ગુજરાતી આવૃત્તિને આ મહિને એક વર્ષ પૂર્ણ થયું છે અને તે બીજા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. અમે આ માટે તમામ વાચકો, જાહેરાતકારો, ગ્રાહકો અને લેખકોનો આભાર માનીએ છીએ. ધાતુકામ મૅગેઝિન ગુજરાતીમાં પ્રકાશિત કરવાનું શરૂ કર્યું તે પછી તરત જ, કોરોનાની બીજી લહેર આવી. ઉદ્યમ પ્રકાશનના સંસ્થાપક આદરણીય સાઠે સરનું નિધન થયું. આવી વિવિધ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ, અમે વાચકોને તકનીકી મુદ્દાઓ વિશે જાણ કરવાનું ચાલુ રાખ્યું છે. સાઠે સરનો મત એવો હતો કે ફૅક્ટરીમાં કામ કરતા ઑપરેટરો અને સુપરવાયઝરોને તેમના કામ સંબંધિત માહિતી સ્થાનિક ભાષામાં મળવી જોઈએ. તે અનુસંધાનમાં, તેમણે મરાઠી ભાષામાં કેટલાક નવા શબ્દો રજૂ કર્યા, જેનું ગુજરાતીમાં સીધેસીધુ ભાષાંતર કરવું શક્ય નથી, તેમ છતાં, અમે કાર્યવસ્તુ, યંત્રભાગ, યંત્રણ, ઉષ્ણતોપચાર વગેરે શબ્દોનો ઉપયોગ ઘણી વખત કરીને ગુજરાતી વાચકોના મનમાં તે શબ્દોના અર્થ પ્રસ્થાપિત કરી દીધો છે. જો કે, એવા ઘણા અંગ્રેજી શબ્દો છે, કે જેના માટે ગુજરાતીમાં પર્યાય નથી. ઉદાહરણ તરીકે, શાફ્ટ, બેઅરિંગ, પ્રોગ્રામ, ગિયર, વગેરે. તેથી, હું ગુજરાતી વાચકોને અપીલ કરું છું કે કારખાનાના શૉપ ફ્લોઅર પર ઉપયોગમાં લેવાતા પરિચિત શબ્દો/સમાનાર્થીઓ સમય સમય પર અમને જણાવો. અમે ચોક્કસપણે મૅગેઝિનમાં તે શબ્દોનો ઉપયોગ કરીશું. આપના પ્રતિભાવની અમે આશા રાખીયે છીયે.

બધા સાહસિકો ઇચ્છતા હોય કે તેમના ઉત્પાદનો સચોટ, ઝડપી, ઓછા ખર્ચે, પર્યાવરણને કોઈ આંચ લગાડ્યાવિના બની જાય. આ મહિનાના અંકમાં, આપને ઔદ્યોગિક ક્ષેત્રમાં વિવિધ પડકારો અને તેનો સામનો કરવા માટે કરવામાં આવેલા બુદ્ધિશાળી પ્રયાસો વિશે રસપ્રદ વાર્તાઓ વાંચવા મળશે. ખાસ કરીને મલ્ટી ફંક્શનલ ટર્ન મિલ અને વર્સાટર્ન જેવા નવા મશીનો સાથેનો પરિચય આપના માટે મહત્વનો રહેશે. યંત્રણ કરવા માટે મુશ્કેલ કાર્યવસ્તુઓ માટે ઝીરો ક્લૅમ્પિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાના એક નવીન વિચાર વિશે પણ આપને જાણવા મળશે. જો આપ ઉત્પાદન વધારવા માંગતા હો તો ખાસ ટૂલનો અને જો અનિયમિત આકારની કાર્યવસ્તુને પકડવી હોય તો ખાસ ફિક્શ્ચરનો ઉપયોગ કરો, અમારા બે વરિષ્ઠ લેખકોના અનુભવનો આ નિચોડ, ફૅક્ટરીમાં કામ કરતી વખતે આપને માર્ગદર્શન આપશે. યંત્રણના કારણે પેદા થતા કંપનો અને તેના કારણે પેદા થતો અવાજ, બંનેની અસર કારખાનાની અંદરની મશીનરી, કામદારો, નિરીક્ષણ સાધનો અને પર્યાવરણ બધા પર થતી હોય છે. એને ટાળવા માટે કંપનોને કેવી રીતે આયસોલેટ કરવા, તેની ઊંડાણપૂર્વક અને વિગતવાર માહિતી આપતો લેખ આપને ખ્યાલ આપશે કે ઔદ્યોગિક ઉત્પાદકતા આવા પરોક્ષ પરિબળો પર કેવી રીતે આધાર રાખે છે.

આ મહિનાથી, અમે CMM કથા નામની એક નવી લેખમાળા શરૂ કરી રહ્યા છીએ. યંત્રણની સારી ગુણવત્તા માટે અદ્યતન મશીનો સાથે તેટલા જ અદ્યતન નિરીક્ષણ સાધનોનો ઉપયોગ કરવો પડે છે. C.M.M. મશીનમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણા સુધારાઓ પણ થયા છે. ઉત્પાદન અને નિરીક્ષણ મશીનો બંનેનું જેટલું ટેકનિકલ જ્ઞાન જરૂરી છે, તેટલું જ કયા તબક્કે શું ખોટું થઈ શકે તેનું અનુભવમાંથી મેળવેલું જ્ઞાન પણ મહત્વનું છે. અમને ખાતરી છે કે સાચી ઘટનાઓ પર આધારિત આ લેખમાળા વાચકોને ગમશે. ઉપરાંત, ઓછા ખર્ચમાં સ્વચાલન, જીગ્જ અને ફિક્શ્ચર્સ, ટૂલિંગમાં સુધાર અને સીએનસી પ્રોગ્રામિંગ આ અમારી હંમેશની લેખમાળાઓ તો છે જ. એવી આશા છે કે પ્રત્યક્ષ કામ દરમિયાન આવતી વિવિધ પરિસ્થિતિઓમાંથી માર્ગ શોધવા માટે આપને એમાંથી જરૂરી માર્ગદર્શન મળશે.

ધાતુકામના તમામ વાચકોને ઉદ્યમ પ્રકાશન પરિવાર તરફથી દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. છેલ્લા 1.5 થી 2 વર્ષ આપણા બધા માટે તણાવપૂર્ણ અને ચિંતાથી ભરપૂર રહ્યા છે. દરેક વ્યક્તિએ આપણા જીવનની એકંદર ગુણવત્તા પર કોવિડ 19 વાયરસની ગંભીર અસરોનો અનુભવ કર્યો છે. અમને આશા છે કે કોવિડની ત્રીજી લહેર આવશે એવી આગાહીના વાદળાvs આ દિવાળીનો પ્રકાશ ચોક્કસપણે દૂર કરશે. હું અમારા બધા વાચકો, જાહેરાતકર્તાઓ, ગ્રાહકો અને લેખકોને આવનારા વર્ષમાં સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની ઇચ્છા કરું છું!

સઈ વાબળે
[email protected]
@@AUTHORINFO_V1@@