જિગ્જ અને ફિક્શ્ચર્સને સમર્પિત આ લેખમાળાના આ પુષ્પમાં ડ્રિલિંગ જિગ ફિક્શ્ચરની વિગતવાર માહિતી વાંચવા મળશે.
ધાતુકામ, સપ્ટેમ્બર 2021 માં છાપવામાં આવેલ લેખમાં આપણે ટમ્બલ અથવા ટમ્બલિંગ ટાઈપ જિગ સંબંધી જાણકારી મેળવી હતી. જ્યારે કાર્યવસ્તુ પર ઉલટી દિશામાંથી ડ્રિલિંગ કરવાનું હોય, ત્યારે જિગમાં કાર્યવસ્તુ બરાબર બેસાડીને ક્લૅમ્પ કરવામાં આવે છે અને પછી એ જિગ ઉલટો કરીને ડ્રિલિંગ કરવામાં આવે છે. એનાથી કાર્યવસ્તુને જિગમાં બેસાડવી સરળ બને છે તથા સપાટીથી લંબરૂપ ડ્રિલિંગ થાય છે.
આ લેખમાં આપણે પૉટ ટાઈપ જિગ વિશે જાણકારી મેળવીશું. ફિક્શ્ચરનો આકાર એક વાસણ એટલે પૉટ જેવો હોવાને કારણે એને પૉટ ટાઈપ ફિક્શ્ચર/જિગ કહેવાય છે.
ચિત્ર ક્ર. 1 માં જે કાર્યવસ્તુ દર્શાવવામાં આવી છે, એનો આંતરિક વ્યાસ d તથા બાહ્ય વ્યાસ D છે. બન્ને નિયંત્રિત તથા સમકેન્દ્રિય છે. હવે આપણે આ જિગના મહત્ત્વના ભાગો વિશે જાણીશું.
1. ફિક્શ્ચર બૉડી
ચિત્ર ક્ર. 1 માં તમે ફિક્શ્ચર બૉડીનો વાસણ જેવો આકાર જોઈ શકો છો. ફિક્શ્ચર બૉડીની રેસ્ટિંગ સપાટી R, નીચલી સપાટી તથા વ્યાસ D, વગેરે ભાગ હાર્ડન તથા ગ્રાઈન્ડ કરવામાં આવેલ છે. બન્ને સપાટી એક બીજા સાથે સમાંતર ગ્રાઈન્ડ કરવામાં આવેલ છે. સાથે જ, D વ્યાસ લંબરૂપ હોવો જરૂરી છે. આ D વ્યાસમાં કાર્યવસ્તુ લોકેટ કરવામાં આવેલ છે, એના કારણો તમને હવે સમજાઈ ગયા હશે. કેમકે અમે જે છિદ્ર બનાવી રહ્યા છીએ, તે D વ્યાસને સમકેન્દ્રિત હોવું જરૂરી છે. એ ભાગ પર છિદ્રોની નીચે 4 ખાંચા બનાવવામાં આવ્યા છે. આપણે હવે એની કામગીરી સમજીએ.
અ. આરપાર છિદ્ર ડ્રિલ કરતી વખતે ડ્રિલ, કાર્યવસ્તુની સપાટીની થોડી નીચે જાય એ જરૂરી હોય છે. ખાંચાને કારણે આરપાર છિદ્ર કરવું સંભવ હોય છે.
બ. છિદ્ર કરતી વખતે બનેલી ચિપ નીચે પડે છે.
ક. જો કાર્યવસ્તુ ફસાઈ જાય, તો આ ખાંચા થકી એને કાઢવી સરળ થાય છે.
ડ. ડ્રિલિંગને કારણે ઉત્પન્ન થયેલ ‘બર’ આ ખાંચામાં સમાઈ જાય છે.
ચિત્ર ક્ર. 1
2. જિગ પ્લેટ
જિગ પ્લેટનો વ્યાસ, કાર્યવસ્તુના વ્યાસથી વધુ શા માટે રાખવામાં આવે છે? કેમકે આપણે પહેલા જિગ પ્લેટ કાઢીએ છીએ અને પછી કાર્યવસ્તુ. જિગ પ્લેટનો આકાર કાર્યવસ્તુના આકારથી મોટો હોવાને કારણે એને બરાબર પકડી શકાય છે. એનો આકાર કાર્યવસ્તુના વ્યાસ જેટલો અથવા એના કરતા ઓછો રાખવામાં આવે, તો જિગ પ્લેટ પકડી જ ન શકાય.
જિગ પ્લેટ, કાર્યવસ્તુના આંતરિક વ્યાસ અર્થાત d વ્યાસ પર લોકેટ કરવામાં આવી છે, જ્યારે કાર્યવસ્તુ ફિક્શ્ચરની બૉડીમાં D વ્યાસ પર લોકેટ કરવામાં આવી છે. આનાથી જિગ પ્લેટ, કાર્યવસ્તુ તથા ફિક્શ્ચર બૉડી સમકેન્દ્રિત પદ્ધતિમાં બેસે છે. આ પ્રકારે, આ ત્રણેય ભાગ હંમેશા એક ચોક્કસ ગોઠવણમાં બેસે છે, જે અત્યંત જરૂરી હોય છે.
જિગ પ્લેટ પર 45° માં એક ખાંચો આપવામાં આવ્યો છે. જો કે, એ કોણ 45° નો હોવો જરૂરી નથી. આપણે આ કોણ 15° અથવા 30° રાખી શકીએ છીએ અથવા તો એ જરૂરિયાત પ્રમાણે બદલી શકીએ છીએ. એનાથી જિગ પ્લેટનો કોણીય સંદર્ભ કાયમ રહે છે. કેમકે આ ખાંચો ઓરિએન્ટેશન પિનમાં બેસે છે. તેથી જિગ બુશ ફિક્શ્ચર બૉડી પર બનેલા ખાંચામાં બરાબર બેસે છે. તેમજ, આરપાર છિદ્ર બનાવતી વખતે ડ્રિલ આ ખાંચામાં જવાથી ન ફિક્શ્ચર બૉડી ખરાબ થાય, ન ડ્રિલ તૂટે. જિગ પ્લેટ પર ખાંચાને બદલે પિનના માપનું છિદ્ર બનાવી શકાય છે. પરંતુ એ કારણે જિગ પ્લેટ બેસાડવામાં અને કાઢવામાં અગવડ થઈ શકે છે. આ અગવડથી બચવા માટે જો જિગ પ્લેટનું છિદ્ર મોટા માપનું બનાવવામાં આવે, તો જિગ બુશ, ફિક્શ્ચર બૉડી પર આપવામાં આવેલ ખાંચામાં નહીં આવે તથા ફિક્શ્ચર બૉડી પર ઘસવાથી ડ્રિલ તૂટી શકે છે. આ જિગ પ્લેટ, કેસ હાર્ડન કરીને એના પર જરૂરી સ્થાને ગ્રાઇન્ડિંગ કરવામાં આવેલ છે.
3. ઓરિએન્ટેશન પિન
આ પિન, ફિક્શ્ચર બૉડી પર પ્રેસ ફિટ (H7/m6) પદ્ધતિથી બેસાડવામાં આવી છે. આ પિનનું કાર્ય આપણે પહેલેથી જાણીએ છીએ. હવે એ વિચારીએ કે કાર્યવસ્તુ પર બનેલ છિદ્ર જો આરપાર ન હોત, તો શું પિનની ખરેખર જરૂરત પડી હોત? આ પ્રશ્નનો જવાબ ‘પિનની જરૂરિયાત નહીં પડે’ એ જ છે. કેમકે છિદ્ર આરપાર ન હોવાથી ડ્રિલ, ફિક્શ્ચર બૉડીના સંપર્કમાં નહિ આવે. એવી જ રીતે ફિક્શ્ચર બૉડી પર 4 ખાંચા આપવાની જરૂર નહિ પડે, તેમજ જિગ પ્લેટ પર કોઈ ખાંચા આપવાની જરૂર નહિ પડે. એનાથી આપને એ બાબત તો સ્પષ્ટ થઈ ગઈ હશે કે, જિગના આરેખન વખતે કેટલી ઝીણવટથી વિચારવું જરૂરી હોય છે.
4. સ્વિંગ C વૉશર
સ્વિંગ C વૉશર તથા ફ્લ્ક્રમ પિનની અસેમ્બ્લી ચિત્ર ક્ર. 2 માં દર્શાવવામાં આવી છે. સ્વિંગ C વૉશર તથા સામાન્ય વૉશરમાં એ જ તફાવત છે કે, સ્વિંગ C વૉશર હંમેશા ફિક્શ્ચરની સાથે જ રહેવાને કારણે એ ખોવાઈ જવાની શક્યતા નહિવત હોય છે. એને ફલ્ક્રમ પિનની મદદથી ફિક્શ્ચર પર બેસાડવામાં આવે છે. સામાન્ય C વૉશર ખોવાઈ જવાની શક્યતાઓ વધુ હોય છે. ખોવાઈ જવાના ડરથી એને સાંકળથી બાંધીને રાખવું પડે છે, જે રીતે પાણીના ગ્લાસને કૂલર સાથે બાંધીને રાખવામાં આવે છે. એ દેખાવવામાં પણ યોગ્ય નથી લાગતું અને કામ કરતી વખતે સાંકળ પણ હંમેશા વચમાં આવે છે. એટલા માટે જ્યાં પૂરતી જગ્યા હોય, ત્યાં સ્વિંગ વૉશરનો ઉપયોગ જ અનુકૂળ હોય છે. સાથે જ, આ વૉશર ટફ્ન કરવામાં આવેલ હોવાથી વધુ લાંબો સમય ટકે છે.
ચિત્ર ક્ર. 2 : સ્વિંગ C વૉશર
5. ફ્લ્ક્રમ પિન
ફલ્ક્ર્મ પિન, સ્વિંગ C વૉશરને ફિક્શ્ચર પર પકડી રાખે છે. સ્વિંગ C વૉશર, આ પિન પર સહેલાઈથી ફરી શકે છે. વૉશર પર બનેલા છિદ્ર તથા પિનના વ્યાસની વચ્ચે ‘ક્લિઅરન્સ ફિટ’ હોય છે. ચિત્ર ક્ર. 3 તથા 4 માં બે પ્રકારની ફ્લ્ક્રમ પિન દર્શાવવામાં આવી છે. ચિત્ર ક્ર. 4 માં દર્શાવેલ ફલ્ક્ર્મ પિન, માત્ર ષટ્કોણીય ઍલન ‘કી’ થી કાઢી શકાય છે, એટલા માટે એ ખોવાઈ જવાની શક્યતા નથી હોતી. આ એક પ્રમાણિત પાર્ટ હોવાને કારણે સ્ટોઅર અથવા માર્કેટમાં સહેલાઈથી મળે છે, તેમજ ટફનિંગ કરેલ હોવાથી આ વધુ સમય ટકે છે. ઘણી વખત આ ફલ્ક્ર્મ પિન, એના થ્રેડ ખતમ થવાના સ્થાને તૂટવાની શક્યતાઓ વધુ હોય છે.
ચિત્ર ક્ર. 3 : ફલ્ક્રમ પિન (સીધો ખાંચો)
ચિત્ર ક્ર. 4 : ફલ્ક્રમ પિન (ષટ્કોણ ખાંચો)
6. કલૅમ્પિંગ બોલ્ટ
આ બોલ્ટ ટફ્ન કરેલ હોવાને કારણે મજબૂત હોય છે. નટ વારંવાર કસવામાં આવે તો પણ એને વધુ ઘસારો નથી લાગતો. એનું મુખ્ય કાર્ય છે, કાર્યવસ્તુ કસીને પકડવાનું. ષટકોણીય (હેક્સ હેડેડ) નટ તથા વૉશરની મદદથી ફિક્શ્ચર બૉડીની નીચેની બાજૂએથી બોલ્ટ પર કસીને બેસાડવામાં આવેલ છે.
7. પામ ગ્રિપ
કાર્યવસ્તુને નટ સાથે કસીને પકડવાને બદલે, પામ ગ્રિપ દ્વારા હાથેથી જ કસીને પકડવામાં આવે છે. પામ ગ્રિપનો ઉપયોગ વધુ સરળ હોય છે કેમકે
અ પાનાનો ઉપયોગ કરવો નથી પડતો.
બ. ઓછા સમયમાં અને ઓછી મહેનતે કામ થઈ જાય છે.
ક. વિશેષ આકારને કારણે હાથમાં પકડ સારી મળે છે.
ચિત્ર ક્ર. 5 અ, બ તથા ક માં પામ ગ્રિપના અલગ અલગ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. અમારા જિગમાં, ચિત્ર ક્ર. 5 અ માં દર્શાવવામાં આવેલ પામ ગ્રિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં પ્લાસ્ટિક, ઍલ્યુમિનિયમ, કાસ્ટ આયર્ન, સ્ટેનલેસ સ્ટીલ જેવા અલગ અલગ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. અમે જિગમાં લોખંડના થ્રેડિંગવાળું ઇન્સર્ટ બેસાડેલું છે, જેથી પામ ગ્રિપનો ઘસારો પણ ઓછો લાગે છે. આ ઇન્સર્ટ, પ્લાસ્ટિક પામ ગ્રિપના કાસ્ટિંગ સમયે એમાં નાખવામાં આવે છે.
ચિત્ર ક્ર. 5
સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે પામ ગ્રિપનું D 1 માપ, કાર્યવસ્તુના આંતરિક વ્યાસ કરતા ઓછું હોવું જોઈએ, નહિ તો કાર્યવસ્તુ કાઢવા માટે પામ ગ્રિપ ફરાવીને પૂરે પૂરી બહાર કાઢવી પડશે. વર્તમાન સ્થિતિમાં પામ ગ્રિપ થોડી ફેરવીને સ્વિંગ C વૉશર બાજૂએ હટાવવાથી કાર્યવસ્તુ તરત જ બહાર નીકળી જાય છે.
આ પ્રકારે આપણે જિગના મહત્ત્વના ભાગોની જાણકારી પ્રાપ્ત કરી છે.
ચિત્ર ક્ર. 6 માં પણ પૉટ ટાઈપ ફિક્શ્ચર દેખાઈ રહ્યું છે. ચિત્ર ક્ર. 1 અને ચિત્ર ક્ર. 6 માં દર્શાવેલ ફિક્શ્ચરમાં શું તમને કોઈ ફરક દેખાય છે? એક મહત્ત્વપૂર્ણ ફરક એ છે કે B વ્યાસ નિયંત્રિત નથી તથા D વ્યાસથી સમકેન્દ્રિત પણ નથી. એ કારણે અમે જિગ પ્લેટ, B વ્યાસમાં લોકેટ નથી કરી શકતા જેવી રીતે ગોઠવણ પહેલાના જિગમાં કરી હતી.
ચિત્ર ક્ર. 6
1. લોકેટિંગ બુશ
લોકેટિંગ બુશ હાર્ડ બુશ હોય છે. આમાં કાર્યવસ્તુ D વ્યાસ પર લોકેટ કરેલ હોય છે. આ બુશ ફિક્શ્ચર બૉડીમાં ‘પ્રેસ ફિટ’ કરવામાં આવેલ છે. D તથા d વ્યાસ સમકેન્દ્રિય છે.
2. લોકેટર (કલૅમ્પિંગ બોલ્ટ)
પાછલા જિગમાં એનો ઉપયોગ કેવળ કાર્યવસ્તુ કલૅમ્પ કરવા માટે કરવામાં આવતો હતો, એટલે માટે આપણે એને કલૅમ્પિંગ બોલ્ટ કહેતા હતા. હવે આપણે એને લોકેટર કહેશું, કેમકે એ ફિક્શ્ચર બૉડીમાં d વ્યાસ પર લોકેટ કરાયેલ છે. સાથે જ જિગ પ્લેટ પણ વ્યાસ d પર લોકેટ કરવામાં આવેલ છે. શક્ય હોય ત્યાં સુધી આપણે ફિક્શ્ચરના ભાગોને એમના કામ અનુસાર નામ આપવાનો પ્રયત્ન કરીશું.
3. જિગ પ્લેટ
આ જિગ પ્લેટ કેસ હાર્ડ કરીને જ્યાં જરૂરત હોય, ત્યાં એનું ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. એને લોકેટરના d વ્યાસ પર લોકેટ કરેલ હોવાથી કાર્યવસ્તુ પર બનેલ 4 છિદ્ર, વ્યાસથી સમકેન્દ્રિત તૈયાર થાય છે, જે કાર્યવસ્તુની ગુણવત્તા મુજબ જરૂરી છે. જિગ પ્લેટના અન્ય કાર્યો આપણે ઉપર વાંચી ચૂક્યા છીએ.
હવે આપને એ બાબત સમજાઈ ગઈ હશે કે, કાર્યવસ્તુમાં કરવામાં આવેલ અલ્પ બદલાવથી જિગના આરેખનમાં કેટલી અને કેવી અસર પડે છે. થોડા અનુભવ પછી આપણે તમામ બાબતો જાણી શકીએ છીએ.
હવે પછીના લેખમાં આપણે કેટલાક અલગ પ્રકારના જિગ વિશે જાણકારી મેળવીશું.
9011018388
[email protected]
અજિત દેશપાંડેને જિગ અને ફિક્શ્ચરના ક્ષેત્રમાં 36 વર્ષથી વધુ અનુભવ છે. તેમણે કિર્લોસ્કર, ગ્રીવ્ઝ લોમ્બાર્ડિની લિ., ટાટા મોટર્સ જેવી અલગ અલગ કંપનીઓમાં વિવિધ પદો પર કામ કર્યું છે. ઘણી એન્જિનિયરિંગ કૉલેજોમાં આપ અતિથી પ્રાધ્યાપક છો.